કર્ણાટક : બીજેપીને ખતરો ગઠબંધનથી નહીં પણ સરકતી વોટ બેન્કથી

કર્ણાટકની 28માંથી 9 લોકસભાની સીટ પર જેડીએસની  અસર છે 

કર્ણાટક : બીજેપીને ખતરો ગઠબંધનથી નહીં પણ સરકતી વોટ બેન્કથી

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)એ એક સાથે આવીને બીજેપીને સરળતાથી સત્તામાંથી બહાર કરી દીધી છે. આ પરસ્થિતિમાં ધારણા પ્રબળ બની છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરળતાથી બીજેપીને નુકસાન પહોંચાડી શકે છે. આવું જ નુકસાન સપા-બસપાનું ગઠબંધન ઉત્તર પ્રદેશમાં પહોંચી શકે છે. 

લોકસભામાં કર્ણાટકની 28 સીટ છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 17, કોંગ્રેસને 9 અને જેડીએસને 2 સીટ પર જીત મળી હતી. એ સમયે બીજેપીને 43.37 ટકા, કોંગ્રેસને 41.15 ટકા તેમજ જેડીએસને 11.07 ટકા વોટ મળ્યા હતા. જો કોંગ્રેસ તેમજ જેડીએસના વોટ ભેગા કરીએ તો આ પ્રમાણ 52 ટકાથી વધી જાય છે. યુપીમાં સપા-બસપાનું કુલ વોટિંગ 44 ટકા જ થાય છે. 

બીજેપી માટે થયેલા વોટિંગ પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે એ યુપી અને કર્ણાટકમાં લગભગ સરખું 43 ટકાથી થોડું વધારે છે. જોકે ગઈ લોકસભા ચૂંટણીનું પરિણામ જોઈએ તો ખબર પડે છે કે કર્ણાટકની 28 લોકસભા સીટમાંથી માત્ર મૈસુર એકમાત્ર લોકસભા સીટ છે જ્યાં જો જેડીએસ-કોંગ્રેસ સાથે આવે તો બીજેપીના હાથમાંથી આ સીટ નીકળી જશે. યુપીમાં સપા-બસપા ગઠબંધનની સ્થિતિમાં બીજેપી ગઈ લોકસભાની ચૂંટણીમાં મેળવેલી 73 સીટમાંથી સીધી 37 સીટ પર પટકાઈ શકે છે.  

અત્યાર સુધીના વિશ્લેષણથી એટલું સ્પષ્ટ છે કે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનથી વોટમાં સારો એવો વધારો થશે પણ સીટ નહીં. જોકે એ વાતનો મતલબ એ નથી કે બીજેપીને લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં ઝટકો વાગે એવી કોઈ શક્યતા નથી. હકીકતમાં 2014ની લોકસભાની ચંટણીમાં માત્ર 43.37 ટકા વોટ મેળવનાર બીજેપી 2018ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 36 ટકા વોટ જ મેળવી શકી હતી. આમ, ચાર વર્ષમાં બીજેપીએ 7 ટકા કરતા વધારે વોટ ગુમાવી દીધા છે. 

બીજેપીન સૌથી મોટી તકલીફ એ છે કે આ વોટ એણે કોંગ્રેસના હાથે ગુમાવ્યા છે. હવે જ્યારે બીજેપી પ્રભાવવાળા વિસ્તારમાં જ્યારે કોંગ્રેસ-બીજેપી સામસામે આવશે ત્યારે કોંગ્રેસ 2014ની તુલનામાં સારી સ્થિતિમાં હશે. કોંગ્રેસે પણ 2014ની લોકસભામાં મેળવેલો 41.15 ટકા વોટ 2018માં ઘટીને 38 ટકા રહી ગયો છે. જોકે કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે તેનો વોટ બીજેપીએ નહીં પણ જેડીએસ દ્વારા તોડવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news