પ્રધાનમંત્રી મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે, તોડી નાખશે મનમોહન સિંહનો રેકોર્ડ
આવતીકાલ એટલે કે 15મી ઓગસ્ટે દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે. પરંપરા પ્રમાણે 15મી ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા હોય છે. પીએમ મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી સતત 11મી વાર ધ્વજ ફરકાવશે. તેની સાથે જ તે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રેકોર્ડ તોડી નાંખશે. લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત કયા પ્રધાનમંત્રીએ ધ્વજ ફરકાવ્યો છે? કયા-કયા મુદ્દા પર પીએમ મોદી કરી શકે છે દેશને સંબોધન?... આ સવાલના જવાબ જોઈશું આ રિપોર્ટમાં...
પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે...
સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી ફરકાવશે ધ્વજ...
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રેકોર્ડ તોડી નાંખશે...
વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી સતત પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવી રહ્યા છે. આ વખતે તે 11મી વખત ત્રિરંગો ધ્વજ ફરકાવશે. તેની સાથે જ પ્રધાનમંત્રીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને પહોંચી જશે. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ દેશના પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂના નામે નોંધાયેલો છે.
જવાહરલાલ નેહરૂ 1947થી 1963 સુધી પ્રધાનમંત્રી રહ્યા
આ દરમિયાન તેમણે 17 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો
ત્યારબાદ ઈન્દિરા ગાંધી 1966થી 1976 અને 1980થી 1984 સુધી પ્રધાનમંત્રી રહ્યા
આ દરમિયાન તેમણે 16 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો
મનમોહન સિંહ 2004થી 2013 સુધી પ્રધાનમંત્રી રહ્યા
આ દરમિયાન તેમણે સતત 10 વખત ધ્વજ ફરકાવ્યો
પોતાની ત્રીજી ઈનિંગ્સની શરૂઆતમાં પીએમ મોદી સરકારની પ્રાથમિકતાઓ દેશ સામે રાખી શકે છે. સાથે જ ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડ મેપ જણાવી શકે છે. પીએમ મોદી હંમેશા કહે છે કે તેમની સરકારનું ફોકસ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી છે. આ વખતે આ તમામ લોકો લાલ કિલ્લા પર હાજર રહે તેવી શક્યતા છે.
78મા સ્વતંત્રતા દિવસના પગલે નવી દિલ્લીમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 3000થી વધારે પોલીસ કર્મચારીઓ વાહન વ્યવહારને નિયંત્રિત કરશે તો 10,000થી વધારે પોલીસ કર્મચારીઓની સાથે AI આધારિત ફેસ ઓળખનારા 700 કેમેરા લગાવાયા છે. સ્વતંત્રતા દિવસના પગલે આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં 2.5 કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. દેશના અનેક રાજ્યોમાં ત્રિરંગા યાત્રા નીકળી રહી છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તેનાથી એવું લાગી રહ્યું છે દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે