Uttarakhand: પુષ્કર સિંહ ધામીને મળી ઉત્તરાખંડની કમાન, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીએ નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. ખટીમાથી ધારાસભ્ય પુષ્કર સિંહ ધામી પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે.
Trending Photos
દેહરાદૂનઃ Uttarakhand Politics: ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગઈ છે. ખટીમાથી ધારાસભ્ય પુષ્કર સિંહ ધામી પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી છે. બેઠકમાં કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને ડી પુરંદેશ્વરી, પ્રદેશ પ્રભાવી દુષ્યંક કુમાર અને બધા ધારાસભ્ય હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે શુક્રવારે મોડી રાત્રે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યને પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી આજે સાંજે છ કલાકે શપથ લેવાના છે.
ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં પેટાચૂંટણીની અનિશ્ચિતતાઓ વચ્ચે તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ઉત્તરાખંડની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. ત્યારબાદ પાર્ટીએ અનેક નામો પર ચર્ચા કરી હતી. આ નામોમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, ધારાસભ્ય ધનસિંહ રાવત, પુષ્કર સિંહ દામી અને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની પણ દાવેદારી હતી. પરંતુ અંતમાં ધારાસભ્યોએ પુષ્કર સિંહ ધામીના નામ પર મહોર લગાવી છે.
ખટીમાથી છે ધારાસભ્ય
ઉલ્લેખનીય છે કે શરૂઆતી દૌરમાં પુષ્કર સિંહ ધામીનું નામ ચર્ચામાં નહતું. પરંતુ અચાનક તેમણે મુખ્યમંત્રી પદની રેસમાં બધાને પછાડી દીધા છે. પુષ્કર સિંહ ધામી ખટીમાથી ધારાસભ્ય છે. તેઓ અહીં સતત બીજી વખત ચૂંટણી જીત્યા હતા. પુષ્કર સિંહ ધામીના નામ પર મહોર લગાવી ભાજપે યુવા ચહેરાને આગળ કર્યો છે.
ઉત્તરાખંડમાં હવે 8 મહિના જ બાકી કાર્યકાળના
તીરથ સિંહ રાવત 10 માર્ચ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ રાજ્યની વિધાનસભાના સભ્ય નથી. તેમણે બરાબર 6 મહિના એટલે કે 10 સપ્ટેમ્બર 2021 પહેલા વિધાયક તરીકે ચૂંટાઈ આવવાનું હતું. રાજ્યમાં બે વિધાનસભા સીટ બાકી પણ છે. પરંતુ કોરોના સંકટના કારણે તેના પર પેટાચૂંટણી થાય તેવી શક્યતા જોવા મળતી નથી. આમ પણ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ હવે માત્ર 8 મહિના જેટલો જ બચ્યો છે.
તાજેતરમાં કોરોના સંકટ વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચની ખુબ ટીકા થઈ હતી. મદ્રાસ હાઈકોર્ટે તો ચૂંટણી પંચને બીજી લહેર માટે જવાબદાર ગણીને ઓફિસરો પર હત્યાનો ચાર્જ લગાવવા સુદ્ધાની વાત કરી હતી. આવામાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ જણાવવામાં આવી રહ્યું છે તો ચૂંટણી પંચ પેટાચૂંટણીનું જોખમ ઉઠાવે તેવું લાગતું નથી. દેશમાં લગભગ બે ડઝન વિધાનસભા બેઠકો અને કેટલીક સંસદીય સીટો પર ચૂંટણી મહામારીના કારણે પેન્ડિંગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે