સ્ટેચ્યુ ઓફ યુનિટી : PM મોદીના સંબોધનની મહત્વની વાતો
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને સરદારના સંઘર્ષ પર વિશેષ વાત કરી હતી. સાથોસાથ આડકતરી રીતે વિપક્ષોને પણ પોતાના નિશાન બનાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિવાદને ભુલીને ભારતીય બનવા પર ભાર મુક્યો હતો અને 'ભારત એક શ્રેષ્ઠ ભારત' સંકલ્પમાં જોડાવા અપીલ કરી હતી.
Trending Photos
કેવડિયા કોલોની : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને સરદારના સંઘર્ષ પર વિશેષ વાત કરી હતી. સાથોસાથ આડકતરી રીતે વિપક્ષોને પણ પોતાના નિશાન બનાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિવાદને ભુલીને ભારતીય બનવા પર ભાર મુક્યો હતો અને 'ભારત એક શ્રેષ્ઠ ભારત' સંકલ્પમાં જોડાવા અપીલ કરી હતી.
દેશની એકતા ઝીંદાબાદ
વડાપ્રધાન મોદીએ સરદારના સંઘર્ષ અને એમની મહાનતાને દર્શાવી હતી અને દેશની એકતા માટે એમણે જે સાહસ બતાવ્યું એ બદલ શત શત નમન કર્યા હતા. નામ લીધા વિના કોંગ્રેસ પર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોઇ પણ દેશના ઇતિહાસમાં આવા અવસર આવે છે જ્યારે એ પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આ એવી પળ હોય છે કે જે કોઇ રાષ્ટ્રના ઇતિહાસમાં યાદ રહે છે. જેને મીટાવવી શકાતી નથી. આ ક્ષણ પણ એવી જ છે. ભારતની ઓળખ ભારતના સન્માન માટે સમર્પિત એવા વ્યક્તિના સાક્ષાત્કાર માટેનું કાર્ય આઝાદીના આટલા વર્ષો બાદ પણ અપૂર્ણ હતું. જે આજે પૂર્ણ થયું છે. આજે ધરતીથી લઇને આસમાન સુધી સરદારનો અભિષેક થઇ રહ્યો છે. ભારતે ન માત્ર પોતાના માટે એક નવો ઇતિહાસ પણ રચ્યો છે અને ભવિષ્ય માટે પ્રેરણા માટે ગગનચૂંબી આગાહ પણ કર્યો છે.
મહાપુરૂષોને યાદ કરવા ગુનો છે?
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને લઇને વિપક્ષ દ્વારા કરાઇ રહેલા આક્ષેપ સામે વળતો પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, દેશમાં આજે પણ એવા લોકો છે. દેશના મહાપુરૂષોનું સ્મરણ કરવું એ શું અપરાધ છે? એવો જનતાને સવાલ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, સરદાર પટેલના વિઝનને આગળ વધારવા માટે આપણે સૌ કટીબધ્ધ છીએ. સરદાર પટેલે જે ગામની કલ્પના કરી હતી. એ સપનું આજે દેશ પુરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
જાતિવાદ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ જાતિવાદ પર પ્રહાર કરતાં સરદારના શબ્દો યાદ કરતાં કહ્યું કે, સરદાર સાહેબે કહ્યું હતું કે, દરેક ભારતીયે એ ભુલવું પડશે કે એ કઇ જાતિનો છે, એક વાત યાદ રાખવી પડશે કે એ ભારતીય છે. જેટલો આ દેશ પર અધિકાર છે એટલું જ કર્તવ્ય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં આજે જે એકતા તીર્થનું લોકાપર્ણ કરાયું છે એ આવનારા સમય માટે પ્રેરણા તીર્થ બનશે. આપણે જોડાઇએ અને અન્યોને પણ જોડીએ અને ભારત એક શ્રેષ્ઠ ભારત બનાવીએ.
સંઘર્ષ, સંકલ્પ યાદ અપાવશે
સરદાર વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, મારા મનમાં સરદારનું સ્ટેચ્યુ બનાવવાની કલ્પના હતી ત્યારે અહીં એવા પહાડની શોધમાં હતો કે જ્યાં સ્ટેચ્યુ થઇ શકે. શોધ કરતાં એવો પહાડ ન મળતાં આજે જે વિરાટ પ્રતિમા છે એનો જન્મ થયો. દુનિયાની આ સૌથી ઉંચી પ્રતિમા સમગ્ર દુનિયાને અમારી ભાવી પેઢીને આ વ્યક્તિના સાહસ, સંઘર્ષ અને સંકલ્પની યાદ અપાવશે. જેમણે મા ભારતને ટુકડાઓ કરવાના ષડયંત્રને તોડ્યું હતું. આવા લોહ પુરૂષ સરદાર પટેલને હું શત શત નમન કરૂ છું.
કૌટિલ્યની કૂટનીતિ, શિવાજીનું શૌર્ય
વડાપ્રધાન મોદીએ સરદારની મહાનતાના દર્શન કરાવતાં એમને નડેલા સંઘર્ષની વાત કરતાં કરતાં હાલના પડકારોને લઇને નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરદાર સાહેબનો સંઘર્ષ યાદગાર છે. દેશમાં એ વખતે પણ નિરાશાવાદીઓ હતા. જેઓને એમ હતું કે ભારત વિખેરાઇ જશે પરંતુ સરદાર પટેલના રૂપમાં દેશ માટે આશાનું એક કિરણ હતું કે જેમનામાં કૌટિલ્યની કુટનીતિ અને શિવાજીનું શૌર્ય હતું.
રાજાઓના ત્યાગને યાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની મહાનતાના ભાગરૂપ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું. આ પ્રસંગે એમણે રાજા રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કરનાર સરદાર પટેલની મહાનતાની રૂપરેખા આપતાં રાજા રજવાડાઓના ત્યાગને પણ આવકાર્યો હતો. એમણે કહ્યું કે, કોઇ વસ્તુ અન્યને આપી દેવી મુશ્કેલ હોય છે ત્યારે રાજાઓએ દેશ માટે પોતાનું સર્વસ્વ ત્યજી દીધું હતું. આ ત્યાગની યાદગીરી માટે અહીં મ્યુઝિયમ બનાવાશે. જેમાં રાજાઓના ત્યાગની મિસાલ રજુ કરાશે.
હું ભાગ્યશાળી છું કે આ તક મળી
પીએમ મોદીએ કહ્યું કે, હું સૌભાગ્યશાળી છું કે સરદારની આ પ્રતિમા દેશને સમર્પિત કરવાની તક મળી છે. હુ મુખ્યમંત્રી હતો ત્યારે આ કલ્પના કરી હતી પરંતુ એ અહેસાસ ન હતો કે વડાપ્રધાન તરીકે આ કામ કરવાનો મોકો મળશે. હું ધન્યતા અનુભવું છું. આજે ગુજરાતના લોકોએ જે મને અભિનંદન પત્ર આપ્યો છે એ માટે પણ ગુજરાતની જનતાનો ઘણો આભારી છું. મારા માટે આ સન્માન પત્ર કે અભિનંદન પત્ર નથી પરંતુ જે માટીમાં મોટો થયો જેમની વચ્ચે મોટો થયો એમનો પ્રેમ સ્નેહ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે