સુપ્રીમ કોર્ટે રાજ્યોને પુછ્યું -દાગી સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ કેટલા અપરાધિક કેસ પડતર છે?

દાગી સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પડતર અપરાધિક કેસોની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટ બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે રાજ્યોનાં મુખ્ય સચિવ અને સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને અનેક સવાલ પુછ્યા

webmaster A | Updated: Sep 12, 2018, 05:01 PM IST
સુપ્રીમ કોર્ટે રાજ્યોને પુછ્યું -દાગી સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ કેટલા અપરાધિક કેસ પડતર છે?

નવી દિલ્હીઃ દાગી સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પડતર અપરાધિક કેસોની સુનાવણી બાબતે સ્પેશિયલ કોર્ટ બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે રાજ્યોનાં મુખ્ય સચિવ અને સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પુછ્યું છે કે, તમારે ત્યાં સાંસદો અને ધારાસભ્યો સામે કેટલા અપરાધિક કેસ પડતર છે અને શું આ તમામ કેસને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂના આદેશ મુજબ સ્પેશિયલ કોર્ટને ટ્રાન્સફર કરી દેવાયા છે. 

આ રાજ્યોમાં બનાવાઈ છે વિશેષ કોર્ટ 
અત્યાર સુધી 11 રાજ્યોએ કાર્યવાહી કરી છે. આંધ્રપ્રદેશ, બિહાર, બંગાલ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા જેવા 10 રાજ્યોમાં 1-1 વિશેષ કોર્ટ બનાવાઈ છે. દિલ્હીમાં 2 વિશેષ કોર્ટ કામ કરી રહી છે. આ કેસની હવે પછીની સુનાવણી 12 ઓક્ટોબરના રોજ યોજાશે. 

હકીકતમાં મંગળવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે,અત્યાર સુધી દિલ્હી સહિત 11 રાજ્યો પાસેથી મળેલા આંકડા અનુસાર માત્ર સાંસદો અને ધારાસભ્યો સામે 1233 કેસ 12 સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરાયા છે અને તેમાંથી 136 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. હજુ, 1097 કેસ કોર્ટમાં પડતર છે. 

અત્યારે બિહારમાં સાંસદો અને ધારાસભ્યો સામે સૌથી વધુ 249 અપરાધિક કેસ પડતર છે. ત્યાર બાદ કેરળમાં 233, પશ્ચિમ બંગાળમાં 226 કેસ પડતર છે. અનેક રાજ્યો પાસેથી વિગતો આવવાની બાકી છે. 12 ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 6 સેશન કોર્ટ અને 5 મેજિસ્ટ્રેટ કોર્ટ છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સોગંદનામા બાબતે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારની તૈયારી અધુરી છે. સરકાર સ્પષ્ટ માહિતી સાથે સોગંદનામું દાખલ કરે. 

સુપ્રીમે 12 સ્પેશિયલ કોર્ટ બનાવવાની મંજુરી આપી હતી 
આ અગાઉ સુપ્રીમ કોર્ટે દાગી સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પડતર કેસોની સુનાવણી માટે 12 સ્પેશિયલ કોર્ટ માટેની કેન્દ્ર સરકારની યોજનાને મંજુરી આપી હતી. સ્પેશિયલકોર્ટની રચના માટે સુપ્રીમ કેન્દ્ર સરકારને રૂ.7.80 કરોડ રાજ્યોને આપવા આદેશ આપ્યો હતો, જેથી કોર્ટોની રચના થઈ શકે. કોર્ટે એક માર્ચ સુધી વિશેષ અદાલતની રચના કરવા અને તેનું કામ શરૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો. 

શું છે સમગ્ર બાબત
સુપ્રીમ કોર્ટ ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયની એ અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં દાગી સાંસદો અને ધારાસભ્યો સામેના અપરાધિક કેસોનો ઝડપથી નિકાલ કરવા માટે સ્પેશિયલ કોર્ટ બનાવવાની માગ કરાઈ છે. આ અગાઉ લાંબા સમયથી દાગી સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પડતર અપરાધિક કેસોનો વહેલાસર નિકાલ કરવા માટે સ્પેશિયલ કોર્ટની રચનાની માગ કરાઈ હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે, અત્યારે 1581 સાંસદો અને ધારાસબ્યો સામે લગભઘ 13,500 અપરાધિક કેસ પડતર છે અને આ કેસોના નિકાલ માટે એક વર્ષ માટે 12 વિશેષ અદાલતોની રચના કરાશે. તેના પાછળ રૂ.7.80 કરોડનો ખર્ચ આવશે. નાણા મંત્રાલયે આ ખર્ચ માટે 8 ડિસેમ્બરના રોજ મંજૂરી પણ આપી દીધી હતી.