બોપૈયા વિરુદ્ધ સુપ્રીમ પહોંચી કોંગ્રેસ, આવતી કાલે સવારે 10.30 વાગે હાથ ધરાશે સુનાવણી

કર્ણાટકના રણમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે રાજકીય સંગ્રામ ખેલાઈ રહ્યો છે તે ફરીએકવાર આજે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો.

બોપૈયા વિરુદ્ધ સુપ્રીમ પહોંચી કોંગ્રેસ, આવતી કાલે સવારે 10.30 વાગે હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી: કર્ણાટકના રણમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે રાજકીય સંગ્રામ ખેલાઈ રહ્યો છે તે ફરીએકવાર આજે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. કોંગ્રેસના વકીલોએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રાર સમક્ષ કર્ણાટકના રાજ્યપાલ દ્વારા ભાજપના ધારાસભ્ય કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અત્રે જણાવવાનું કે શુક્રવારે સવારે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાને શનિવારે 4 વાગે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. આવા સંજોગોમાં વિધાનસભાના સંચાલન માટે રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રોટેમ સ્પીકર માટે ભાજપના ધારાસભ્ય કે જી બોપૈયાને પસંદ કર્યા છે. રાજ્યપાલે તેમને પદના શપથ પણ લેવડાવ્યાં પરંતુ કોંગ્રેસને આ પચ્યું નથી. કોર્ટે કોંગ્રેસની અરજી પર આવતી કાલે સવારે 10.30 વાગ્યે સુનાવણી હાથ ધરવા જણાવ્યું છે.

કોંગ્રેસના વકીલે જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસએ કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી  દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા એ સંપૂર્ણ રીતે બંધારણની વિરુદ્ધ છે. અરજીની સુનાવણી માટે કોંગ્રેસે તત્કાળ સુનાવણીની માગણી કરી હતી પરંતુ સુપ્રીમે કોર્ટે સુનાવણી માટે શનિવારે સવારે 10.30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.

— ANI (@ANI) 18 May 2018

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવાયું છે કે નિયુક્તિને રદ કરવામાં આવે અને સંસદીય પરંપરા મુજબ સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે. કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે અયોગ્ય સભ્યને પણ બહાલ કરી શકાય છે. પ્રોટેમ સ્પીકર ફક્ત શપથ અપાવી શકે છે અને ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે નિયમો મુજબ સૌથી સીનિયર સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે, પરંતુ રાજ્યપાલે બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવીને નિયમોનો ભંગ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય (આરવી દેશપાંડે) તેમની પાર્ટીમાંથી આવે છે આથી તેમને અવગણીને બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં છે.

કર્ણાટક વિધાનસભામાં શનિવારે થનારા બહુમત પરીક્ષણ માટે રાજ્યપાલે પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના એમએલએ કે જી બોપૈયાને નિયુક્ત કર્યા છે. આ અગાઉ કોંગ્રેસ ધારાસભ્યા આરવી દેશપાંડે અને ભાજપના ઉમેશ કટ્ટીનું નામ સૌથી આગળ હતું. બહુમત પરીક્ષણનું કામ પ્રોટેમ સ્પીકરની નિગરાણીમાં થશે. કોંગ્રેસે બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા પર વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભાજપે જે કર્યુ છે તે નિયમો વિરુદ્ધ છે. નિયમો મુજબ સૌથી વરિષ્ઠ સભ્યને આ પદ માટે પસંદ કરવાના હોય છે.

અત્રે જણાવવાનું કે બુધવારે કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા રાતે 9 વાગ્યે ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવા પર કોંગ્રેસે રાતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુનાવણીની માગણી કરી હતી. જેના પર રાતે 1.45 વાગ્યે સુનાવણી હાથ ધરાઈ હતી. જે સવારે 5.30 વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ ઉપર તો રોક નહતી લગાવી પરંતુ ફ્લોર ટેસ્ટના સમયમાં કાપ મુકીને શનિવારે બપોરે 4 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news