Lakhimpur Kheri Violence Case: સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા, જાણો શું કહ્યું?
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ગત મહિને થયેલી હિંસા મામલે સુનાવણી કરી. આ દરમિયાન યુપી પોલીસે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો. ત્યારબાદ કોર્ટે તપાસ પર નારાજગી વ્યક્ત કરી અને સીજેઆઈ એનવી રમનાએ કહ્યું કે તમારા રિપોર્ટમાં કશું નથી. અત્રે જણાવવાનું કે લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરના રોજ ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.
આ મામલે 4 દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ
ચીફ જસ્ટિસ એનવી રમના, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પેનલે ઉત્તર પ્રદેશની સરકાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલવે અને ગરિમા પ્રસાદને શુક્રવાર સુધીમાં આ કેસમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.
અમે સ્ટેટસ રિપોર્ટ આપ્યો છે- વકીલ હરિશ સાલવે
યુપી સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા વકીલ હરિશ સાલવેએ કહ્યું કે અમે સ્ટેટસ રિપોર્ટ આપ્યો છે. સીસીટીવીથી અમે આરોપીઓની હાજરી હોવાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જેના પર સીજેઆઈએ કહ્યું કે લેબ રિપોર્ટ પણ નથી આવ્યો. આરોપીઓના સેલફોન ક્યા હતાં? આશીષ મિશ્રાનો સેલફોન ક્યા હતો તેનો જવાબ તમે રિપોર્ટમાં આપ્યો?
શું અન્ય આરોપીઓ નથી રાખતા સેલફોન
હરીશ સાલવેએ કહ્યું કે અમે આશીષના સેલફોનનું લોકેશન આપ્યું છે. સ્થિતિ રિપોર્ટ જુઓ. જેના પર સીજેઆઈએ કહ્યું કે અન્ય આરોપીઓના સેલફોનનું લોકેશન ક્યાં છે? શું આરોપી સેલફોન રાખતા નથી? તમે રિપોર્ટના પેરા 7 ની વાત કરી રહ્યા છો . તેમા કશું નથી.
દરેક પહેલું પર થઈ રહી છે તપાસ-હરીશ સાલવે
હરીશ સાલવેએ કહ્યું કે અમે લેબનો સંપર્ક કરી રહ્યા છીએ. પોલીસ તપાસ કરી રહી છે અને દરેક પહેલું પર ધ્યાન અપાઈ રહ્યું છે. સીજેઆઈએ કહ્યું કે સેલ ટાવરોના માધ્યમથી તમે ઓળખ કરી શકો છો કે ક્ષેત્રમાં કયા મોબાઈલ એક્ટિવ હતા? જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમને એ કહેતા દુખ થાય છે કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એક ખાસ આરોપીને 2 એફઆઈઆરનો ઓવરલેપ કરવાનો લાભ અપાઈ રહ્યો છે. હરીશ સાલવેએ કહ્યું કે પ્રત્યક્ષદર્શી સાક્ષી છે. આ વાતના પુરતા પુરાવા છે કે આરોપી ઘટનાસ્થળે હતા. સીસીટીવી ફૂટેજ દ્વારા સ્પષ્ટ થાય છે અને અમે નિવેદનો નોંધાવવા માટે સાક્ષીઓને બોલાવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આપ્યું સૂચન
પેનલે આરોપપત્ર દાખલ કરવા સુધી તપાસની નીગરાણી કરવા માટે પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રાકેશકુમાર જૈન કે ન્યાયમૂર્તિ રંજીત સિંહના નામનું સૂચન આપ્યું. કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાઈકોર્ટના એક જજને નિયુક્ત કરવા માંગીએ છીએ જેથી કરીને બંને એફઆઈઆર વચ્ચે અંતર કરી મામલાની તપાસ થઈ શકે. કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રંજીત સિંહ અને રાકેશકુમારનું નામ સૂચવ્યું. જેના પર હરિશ સાલવેએ કહ્યું કે થોડો સમય આપો.
આ મામલો સીબીઆઈને સોંપવાથી કોઈ ઉકેલ નથી
પેનલે મૃતક શ્યામસુંદરના પત્નીના વકીલને કહ્યું કે સીબીઆઈને મામલો સોંપવો એ કોઈ ઉકેલ નથી. સીજેઆઈએ યુપી સરકાર તરફથી હાજર થયેલા વકીલ હરીશ સાલવેએ કહ્યું કે મૃતક શ્યામ સુંદરના કેસમાં થઈ રહેલી તપાસમાં બેદરકારી પર શું કહેશો? જેના પર હરીશ સાલવેએ કહ્યું કે જે પત્રકારનું મોત થયું પહેલા મનાતું હતું કે તે આશીષ મિશ્રા સાથે હતો, ત્યારબાદ જાણવા મળ્યું કે તે ખેડૂતોની સાથે હતો, જેનું કાર નીચે કચડાઈ જવાથી મોત નિપજ્યું.
મામલાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે- હરીશ સાલવે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને શરૂઆતમાં એવી ઈમ્પ્રેશન અપાઈ હતી કે પત્રકાર કારમાં હતો. આથી અમે ઈચ્છીએ છીએ કે હાઈકોર્ટના કોઈ રિટાયર્ડ જજ તપાસની નિગરાણી કરે. કેસની નિષ્પક્ષ તપાસ જજની નિગરાણીમાં થવી જોઈએ. આ ઉકેલ છે. તમે રાજ્ય સરકારને પૂછીને જણાવો. જેના પર હરીશ સાલવેએ કહ્યું કે રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે. કોર્ટે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ રાજકીય રંગ અપાય. સરકાર નિષ્પક્ષ તપાસ કરે અને જજ નિગરાણી કરે. આ અમે ઈચ્છીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે