Symptoms of Coronavirus: જાણો, સૌથી પહેલાં જોવા મળે છે કોરોના વાયરસનું કયું લક્ષણ?
સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વાયરસ કઈ રીતે શરીર પર ધીમે-ધીમે હુમલો કરે છે. કોરોના વાયરસથી સારું થતાં 14 દિવસનો સમય લાગે છે. જેને ઈનક્યૂબેશન પીરિયડ પણ કહેવામાં આવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આખી દુનિયામાં કોરોનાવાયરસ (CoronaVirus)નો નવો સ્ટ્રેન હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સંક્રમણની પહેલી લહેરથી અત્યાર સુધી અનેક સ્ટડીઝ થઈ ગઈ છે અને તેમાં તેના લક્ષણોને લઈને અનેક મહત્વની જાણકારીઓ સામે આવી છે. સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વાયરસ કઈ રીતે શરીર પર ધીમે-ધીમે હુમલો કરે છે. કોરોના વાયરસથી સારું થતાં 14 દિવસનો સમય લાગે છે. જેને ઈનક્યૂબેશન પીરિયડ પણ કહેવામાં આવે છે.
1. પહેલો દિવસ:
કોરોનાથી સંક્રમિત થનારા 88 ટકા લોકોને પહેલા દિવસે તાવ અને થાકનો અનુભવ થાય છે. અનેક લોકોને પહેલાં જ દિવસે સ્નાયુઓમાં દુખાવો અને સુકી ઉધરસ થઈ જાય છે. ચીનના સ્ટડી પ્રમાણે લગભગ 10 ટકા લોકો તાવ થયા પછી તરત જ ડાયેરિયા કે ઉલટીનો અનુભવ કરે છે.
2. બીજાથી ચોથા દિવસ સુધી:
તાવ અને કફ બીજા દિવસથી લઈને ચોથા દિવસ સુધી રહે છે.
3. પાંચમો દિવસ:
કોરોના વાયરસના પાંચમા દિવસે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ ખાસ કરીને સિનિયર સિટીઝન કે પહેલાથી બીમાર લોકોમાં હોય છે. જોકે ભારતમાં ફેલાયેલા નવા સ્ટ્રેનમાં કોરોનાના અનેક યુવા દર્દીઓને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.
4. છઠ્ઠો દિવસ:
છઠ્ઠા દિવસે ઉધરસ અને તાવ ચાલુ રહે છે. કેટલાંક લોકોને આ દિવસે છાતીમાં દુખાવો, દબાણ અને ખેંચનો અનુભવ થાય છે.
5. સાતમો દિવસ:
સાતમા દિવસે લોકોને છાતીમાં ભારે દુખાવો થાય છે અને દબાણ વધી જાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી વધવા લાગે છે. હોઠ અને ચહેરો નીલો પડવા લાગે છે. કેટલાંક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જોકે જે લોકોમાં કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણ છે, તે સાતમા દિવસથી ઓછા થવાના શરૂ થઈ જાય છે. હળવા લક્ષણવાળા દર્દી આ દિવસથી સારું અનુભવ કરે છે.
6. આઠમો-નવમો દિવસ:
ચીનના CDC પ્રમાણે આઠમા-નવમા દિવસે લગભગ 15 ટકા કોરોનાના દર્દી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો અનુભવ કરે છે. આ સ્થિતિમાં ફેફસામાં ફ્લૂઈડ બનવાનું શરૂ થઈ જાય છે અને ફેફસામાં પૂરતી હવા પહોંચતી નથી. તેના કારણે લોહીમાં ઓક્સિજનની અછત થવા લાગે છે.
7. દસમો-અગિયારમો દિવસ:
શ્વાસ લેવાની મુશ્કેલી વધી જાય છે અને સ્થિતિ બગડવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીને ICUમાં ખસેડવો પડે છે. જ્યારે સ્થિતિ સારી થાય ત્યારે દર્દીને દસમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.
8. બારમો દિવસ:
વુહાન સ્ટડી પ્રમાણે મોટાભાગના લોકોને 12મા દિવસે તાવ આવવાનું બંધ થઈ જાય છે. કેટલાંક લોકોમાં કફ જળવાઈ રહે છે.
9. તેરમો-ચૌદમો દિવસ:
આ વાયરસને સહન કરનારા લોકોમાં તેરમા-ચૌદમા દિવસે શ્વાસ લેવાની મુશ્કેલી ખતમ થવા લાગે છે.
10. અઢારમો દિવસ:
સ્ટડી પ્રમાણે લક્ષણ જોવા મળે તેના પહેલા દિવસથી ચૌદમા દિવસ સુધી દર્દી સંક્રમિત થઈને સારો થઈ જાય છે. પરંતુ જો 18મા દિવસે પણ તેની સ્થિતિ ગંભીર રહે તો તે ચિંતાની વાત હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે