બળવાખોર બનેલી શિવસેનાએ હવે કેમ ભાજપ સાથે ગઠબંધન કર્યું? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો 

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવાર સાંજે કહ્યું કે તેઓ ભાજપ સાથે હાથ મીલાવવા માટે એટલા માટે રાજી છે કારણ કે ભગવા પાર્ટીનો ગઠબંધનની સહયોગી પાર્ટીઓ પ્રત્યેના વ્યવહારમાં બદલાવ આવ્યો છે.

બળવાખોર બનેલી શિવસેનાએ હવે કેમ ભાજપ સાથે ગઠબંધન કર્યું? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો 

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવાર સાંજે કહ્યું કે તેઓ ભાજપ સાથે હાથ મીલાવવા માટે એટલા માટે રાજી છે કારણ કે ભગવા પાર્ટીનો ગઠબંધનની સહયોગી પાર્ટીઓ પ્રત્યેના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. ઠાકરે પોતાના નિવાસ સ્થાને શિવસેનાના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિવસેના અને ભાજપે સોમવારે જાહેરાત કરી કે તેઓ લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે. ઠાકરેએ કહ્યું કે મેં અનુભવ્યું છે કે લોકો પ્રત્યે તેમના વ્યવહારમાં  ફેરફાર આવ્યો છે. આથી મેં ભાજપ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું. 

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભાજપનો એ પ્રસ્તાવ તેમને મંજૂર નથી કે જે પાર્ટીના વધુ ધારાસભ્ય હશે તેમનો મુખ્યમંત્રી હશે. તેમણે કહ્યું કે હું શિવસેનાનો મુખ્યમંત્રી જોવા માંગુ છું. આથી તે માટે હું કામ કરીશ. ઠાકરેએ કહ્યું કે સમાધાનમાં હું જીતી ચૂક્યો છું અને હવે અસલ લડાઈ ચૂંટણી જીતવાની છે. 

સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરે થયા ટ્રોલ
વાત જાણે એમ હતી કે ઉદ્ધવનું ગઠબંધન સંબંધી નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ભાજપ સાથે શિવસેનાના ગઠબંધનને લઈને સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરે ખુબ ટ્રોલ થઈ રહ્યાં છે. કારણ કે અગાઉ  તેમણે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મંચ પર આવીને સત્તારૂઢ સહયોગીઓ વચ્ચે ચૂંટણી પૂર્વ ગઠબંધનની જાહેરાત પર શિવસેના પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો કરવામાં આવી છે અને તેમના નામ ઉદ્ધવ ઠાકરેના પ્રારંભિત અક્ષરો યુ ટીને યુ ટર્ન ઠાકરે તરીકે ગણાવવામાં આવ્યું છે. 

ઠાકરેએ જ્યારે ગત વર્ષ જાહેરાત કરી હતી કે શિવસેના આગામી ચૂંટણી પોતાના દમ પર લડશે તો સોશિયલ મીડિયા પર તેમની છબી વાઘ ( જે તેમનું ચૂંટણી પ્રતિક છે)ની બની હતી. સોમવારે ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ એનસીપીની મુંબઈ શાખાએ શિવસેનાના ઘર પાસે મોટા હોર્ડિંગ લગાવ્યાં જેના દ્વારા એકલા ચૂંટણી લડવાની શિવસેનાની પૂર્વ જાહેરાત પર 'શ્રદ્ધાસુમન' અર્પિત કરવામાં આવ્યાં.

સોશિયલ મીડિયા પર ટિપ્પણીમાં કહેવાયું કે 'અવની' વાઘણ માર્યા ગયા બાદ એક વધુ વાઘ શિકાર થયો. કેટલીક ટિપ્પણીઓમાં મરાઠી ગીતો સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાયક અને ઉદ્ધવ ઠાકરેને નાયિકા તરીકે દેખાડાયાં.  

ભાજપ-શિવસેના ગઠબંધન
આ ગઠબંધન મુજબ મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી 25 પર ભાજપ અને 23 પર શિવસેના ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ આ વર્ષે યોજાનારી 288 સભ્યોવાળી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં બરાબર-બરાબર સીટો પર ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news