કોંગ્રેસમાં માથાપચ્ચી...પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કોણ નુકસાન પહોંચાડી રહ્યા છે? ખાસ વાંચો અહેવાલ

લોકસભા ચૂંટણી પરિણામ બાદ દેશમાં બે રાજકીય ઘટનાઓ ચર્ચામાં છે. એકબાજુ જ્યાં પ્રચંડ બહુમત સાથે ફરીથી સત્તામાં આવેલા એનડીએમાં એ વાતની અટકળો છે કે કયા નેતાને મોદી કેબિનેટમાં જગ્યા મળશે અને કોનું પત્તું કપાશે.

કોંગ્રેસમાં માથાપચ્ચી...પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કોણ નુકસાન પહોંચાડી રહ્યા છે? ખાસ વાંચો અહેવાલ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પરિણામ બાદ દેશમાં બે રાજકીય ઘટનાઓ ચર્ચામાં છે. એકબાજુ જ્યાં પ્રચંડ બહુમત સાથે ફરીથી સત્તામાં આવેલા એનડીએમાં એ વાતની અટકળો છે કે કયા નેતાને મોદી કેબિનેટમાં જગ્યા મળશે અને કોનું પત્તું કપાશે. જો કે ગુરુવારે સાંજે સાત વાગે શપથગ્રહણ સમારોહ શરૂ થતા જ આ અટકળો પર પૂર્ણ વિરામ લાગશે. બીજી બાજુ સજ્જડ હાર બાદ વિપક્ષના જૂથમાં હાહાકાર મચી ગયો છે. નેતાઓ એકબીજા પર હારનું ઠીકરું ફોડી રહ્યાં છે. સૌથી વધુ હલચલ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં છે. 

ચૂંટણીમાં હાર પર મંથન માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની રજુઆત કરી નાખી. તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપની જીત પર પોતાના મુખ્યમંત્રીઓને ખખડાવી નાખ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર થયું છે કે નહીં. રાહુલને અધ્યક્ષ પદ પર રહેવા માટે મનામણાનો દોર ચાલુ જ છે. બધુ મળીને જોઈએ તો દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના દરબારીઓમાં એવા લોકોની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યાં છે જેઓ તેમને ખોટી સલાહ આપી રહ્યાં છે અને કોણ પાર્ટીના સાચા સિપાઈ છે. 

ICICIના પૂર્વ ઓફિસર કોંગ્રેસ માટે તૈયાર કરી રહ્યાં છે રણનીતિ
દેશની રાજધાની નવી િલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસના હેડક્વાર્ટરમાં હતાશા અને નિરાશા જોવા મળી રહી છે. ખાસ તો રાહુલ ગાંધીની વિશિષ્ટ મંડળીમાં તેમના નજીકના બની  બેઠેલા બહારના લોકોનો પાર્ટીના પદાધિકારીઓ મૌન વિરોધ કરી રહ્યા છે.

આ મંડળીમાં સામેલ લોકોમાં ટોચના સ્તર પર રાહુલ ગાંધીના નજીકના સહયોગી અલંકાર સવાઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ અધિકારી સવાઈ પાર્ટી અધ્યક્ષ માટે દસ્તાવેજી અને રિસર્ચ કાર્યની સાથે સાથે વિચાર સૂચન અને રાજનીતિક રણનીતિ બનાવવામાં મદદ કરે છે. 

જુઓ LIVE TV

કોંગ્રેસના એક પદાધિકારીએ જણાવ્યું કે, "અલંકારનો પાર્ટીમાં ખુબ દબદબો છે. રાહુલ વરિષ્ઠ નેતાઓની સલાહ અવગણી શકે પરંતુ તેઓ અલંકારની વાતો હંમેશા સાંભળે છે. તમામ કોંગ્રેસના મુખ્યમંત્રી અને અહેમદ પટેલ પણ તેમને મહત્વ આપે છે." 

કેટલાક કોંગ્રેસીઓ જનતા અને રાહુલ વચ્ચે અડચણ છે
રાહુલ ગાંધીને મળવામાં સમય મેળવવામાં નિષ્ફળ નેતાઓ પોતાના માટે તમામ દરવાજા બંધ માને છે અને તેઓ આ માટે કૌશલ વિદ્યાર્થી અથવા કે. રાજુ પર દોષનો ટોપલો ઢોળે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આ મંડળી નેતા અને તેમના પ્રત્યે નિષ્ઠાવાન ભક્તો વચ્ચે દીવાલનું કામ કરે છે. 

ઓક્સફોર્ડથી પાછા ફરેલા વિદ્યાર્થી 2014ની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ રાહુલના અંગત સચિવ કનિષ્ક સિંહને બાજુમાં ખસેડીને તેમના નીકટના બન્યા હતાં. ત્યારબાદ પૂર્વ આઈએએસ અધિકારી કે. રાજુ આવ્યાં. 

રાહુલના કથિત દરબારીઓથી કોંગ્રેસ વર્કર્સને વાંધો
રાજસ્થાનના વિધાયક મંગળવારે પાર્ટી ઓફિસમાં ખુબ નારાજ જોવા મળ્યાં. તેમણે કહ્યું કે અમને રાહુલથી કોઈ ફરિયાદ નથી. તેઓ અમારા માટે હંમેશા દયાળુ છે પરંતુ આ દરબારી અમને રાહુલને મળવા દેતા નથી. 24 અકબર રોડમાં બેસનારા પાર્ટીના જૂના લોકોને 12 તુઘલક લેન સ્થિત રાહુલ ગાંધીના આવાસ પર કદાચ જ મહત્વ મળે છે. 

રાહુલની આજુબાજુ ડાબેરી વિચારોવાળાનો જમાવડો
કોંગ્રેસના મુખ્યાલયમાં 35 વર્ષથી કામ કરતા અખિલ ભારતીય કોંગ્રેસના મધ્યમ સ્તરના એક પદાધિકારીએ જણાવ્યું કે આ ઓફિસમાં કિશોર ઉપાધ્યાય અને વી.જ્યોર્જ મારી જેમ જ અહીં (અકબર રોડ) સ્ટેનોગ્રાફર હતાં. રાજીવ ગાંધી તેમને લાવ્યા હતાં. તેમણે બહારના લોકોથી વધુ સારૂ કામ કર્યું. તેઓ કોંગ્રેસની સંસ્કૃતિ તથા ભાવનાને સારી રીતે સમજતા હતાં. પાર્ટી કેડર અને બીજા સ્તરના કેટલાક નેતાઓનું માનવું છે કે રાહુલની આજુબાજુ અનેક પ્રમુખ લોકો છે જે કોમ્યુનિસ્ટ વિચારોથી પ્રભાવિત છે. 

સંદીપ સિંહ તૈયાર કરે છે પ્રિયંકાનું ભાષણ
આમ તો સંદીપ સિંહને પાર્ટીમાં બહારના ગણવામાં આવે છે. તેઓ પહેલા ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન માં હતાં જે કોમ્યુનિસ્ટ સાથે સંકળાયેલું સંગઠન છે. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર નેતા તરીકે સંદીપે 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને કાળા ઝંડા બતાવ્યાં હતાં. તેઓ અત્યારે રાહુલ ગાંધીના રાજનીતિક સલાહકારોમાં સામેલ છે. તેઓ રાહુલ અને પ્રિયંકાના ભાષણો તૈયાર કરે છે. 

'કોંગ્રેસની છબી ખરાબ કરાઈ રહી છે'
કોંગ્રેસના એક પૂર્વ રાષ્ટ્રીય સચિવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય છબીને પ્રભાવિત કરનારી ઘટનાઓમાંની એક ઘટના કન્હૈયાકુમારના સમર્થનમાં રાહુલની જેએનયુ મુલાકાત પણ સામેલ છે. જો કોઈ ડાબેરી વિચારધારાવાળા લોકોથી  ઘેરાયેલા હોય તો આવી ઘટનાઓ તો ઘટવાની જ. જેનાથી પાર્ટીની નિષ્કલંક છબીને નુકસાન પહોંચ્યું છે. માર્ક તુલી (જાણીતા પત્રકાર)એ પણ પોતાના એક લેખમાં લખ્યું છે કે "કોંગ્રેસે જાળમાં ફસાઈને અલ્પસંખ્યકોની પાર્ટી બનાવવાની જગ્યાએ બહુમતના મત પર વિચારવું જોઈએ."

રાહુલના દરબારમાં અન્ય શખ્સોમાં પૂર્વ નોકરશાહ ધીરજ શ્રીવાસ્તવ, રોકાણકાર તથા બેંકર પ્રવીણ ચક્રવર્તી, મિશિગન બિઝનેસ સ્કૂલના ગ્રેજ્યુએટ સચિન રાવ, અને પૂર્વ એસપીજી અધિકારી કે બી બાયજુ સામેલ છે જેમને જૂના પદાધિકારીઓ બહારના ગણે છે. 

યુપીએના ચેર પર્સન સોનિયા ગાંધીની સામે જ્યારે નેતૃત્વના સંકટનો સવાલ ઊભો થયો છે ત્યારે બહારના વિરુદ્ધ ફેલાયેલા અસંતોષને ધ્યાનમાં રાખતા એવું લાગે છે કે પાર્ટી અધ્યક્ષની ઓફિસમાં ફેરફાર થઈ શકે છે. આ અસંતોષ ખાસ કરીને તેમના વિરુદ્ધ છે જેઓ ડાબેરીઓ તરફ ઢળેલા છે. 

(ઈનપુટ: IANS)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news