રૂપાલાના ભોગે ગુજરાતના કયા નેતાને કેન્દ્રમાં બનવું છે કેબિનેટ મિનિસ્ટર, હાલમાં 4 મંત્રીપદ

Parshottam Rupala Row : રૂપાલાનો વિવાદ કેમ શાંત થઈ નથી રહ્યો, ભાજપના હાથ ક્યાં બંધાયેલા છે તેવા અનેક સવાલો વચ્ચે ચર્ચા એવી પણ છે કે રૂપાલાને હટાવી ગુજરાતના એક નેતાજીને દિલ્હીમાં મંત્રીપદ લેવું છે. ગુજરાતના ભાગે 4 કેબિનેટ મંત્રીપદ વચ્ચે નડ્ડાની એન્ટ્રીથી હવે સમીકરણો ખોરવાયા છે. એટલે રૂપાલા ના ઘરના ના ઘાટના રહે તો નેતાજીનું પત્તું ક્લિયર થઈ જાય એવું પણ સૂત્રો કહી રહ્યાં છે. નેતાજીને હવે ગુજરાતનું ફળ દિલ્હીમાં જોઈએ છે... જુઓ આ મામલે વિગતવાર રિપોર્ટ

રૂપાલાના ભોગે ગુજરાતના કયા નેતાને કેન્દ્રમાં બનવું છે કેબિનેટ મિનિસ્ટર, હાલમાં 4 મંત્રીપદ

Loksabha Election 2024 : ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપના પ્રદેશ નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. આ આખોય વિવાદ હજુ શમવાનું નામ લઈ રહ્યો નથી. આ વિવાદનો રેલો રાજસ્થાન અને એમપી પહોંચ્યો તો સ્થાનિક નેતાઓની દિલ્હી હાઈકમાન્ડ ધૂળ કાઢી નાખશે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલો વિવાદ વધી રહયો હોવા છતાં હાઈકમાન્ડની ચૂપકીદી હવે સ્થાનિક નેતાઓને પણ અકળાવી રહી છે. આ ભૂકંપ પહેલાંની શાંતિ જેવો માહોલ હોવાથી સ્થાનિક નેતાઓ પણ અકળાઈ રહ્યાં છે.

રૂપાલાનો વિવાદ કેમ શાંત થતો નથી...

પીએમ મોદીને મળીને ગુજરાતના સીએમ રિટર્ન આવી ગયા છે પણ તમામ રિપોર્ટ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યા છે. રૂપાલાનો વિવાદ કેમ શાંત થતો નથી, હવે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે રૂપાલાને કાપીને કયા ગુજરાતના નેતાને કેબિનેટ મંત્રી પદ જોઈએ છે. આ વિવાદ કેમ વકરી રહ્યો છે. મોદી સરકાર દેશમાં ફરી હેટ્રિક ફટકારવાના સરવેના રિઝલ્ટો વચ્ચે સ્થાનિક નેતાઓમાં પણ લોકસભાની ચૂંટણી પહેલાં કેબિનેટમાં સામેલ થવાની હોડ જામી છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે ને ઘરમાં ધબા-ધબીની જેમ રૂપાલાનો વિવાદ ચગાવાઈ રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ આગ હવે દિવસે ને દિવસે વધુ આગ પકડી રહી છે. 

- અમિત ભાઈ, માંડવિયા કે જય શંકરને કાપીને મંત્રીપદ મેળવી શકાય નહીં. 
- ગુજરાતમાં ચર્ચા કે રૂપાલા જીતે તો પણ હવે કેબિનેટ મીનિસ્ટર નહીં બની શકે
- જય પ્રકાશ નડ્ડા પણ રાજ્યસભાના સાંસદ હોવાથી સમીકરણો ખોરવાયા
- ગુજરાતના એક નેતાજીને પણ બનવું છે દિલ્હીમાં કેબિનેટ મીનિસ્ટર
- ગુજરાતમાં રૂપાલાનું પ્રકરણ જાણી જોઈને ઉભું કરાયું હોવાની ચર્ચા

- શું રૂપાલાને રાજકીય સંન્યાસ અપાવી દેવાની ચાલ તો નથી ને?
- ભાજપના પ્રદેશ નેતાઓની ઉંઘ ઉડી ગઈ, આખોય વિવાદ વકર્યો
- એક નેતાનું ગુજરાતમાં જબરદસ્ત પર્ફોમન્સ પણ દિલ્હી જવામાં રોડાં    

નેતાજીને કણાની જેમ ખૂંચી રહ્યાં છે...

પાર્ટીનો દિલ્હી હાઈકમાન્ સુધી પહોંચેલા અહેવાલમાં સ્પષ્ટ કહેવાયું છે કે, ઘણાં વખતથી હાંસિયામાં ધકેલાયેલાં ભાજપના નેતાઓ જ આ આખાય પ્રકરણમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. ખુદ રૂપાલાને પણ શંકા છે કે કોઈ પીઠબળ આ વિવાદને હવા આપી રહ્યું છે. રૂપાલા એ મોદી સરકારમાં હાલમાં કેબિનેટ મીનિસ્ટર છે. પીએમ સાથે ખાસ સંબંધ હોવાને નાતે ફરી રીપિટ થાય તેવી પૂરી સંભાવના છે પણ ચર્ચા એવી છે કે ગુજરાતમાંથી કેબિનેટ મીનિસ્ટર બનવાના સપનાં જોતાં નેતાજીને કણાની જેમ ખૂંચી રહ્યાં છે. રૂપાલા દિલ્હીથી આવ્યા બાદ ફૂલ ફોર્મમાં ચાલી રહ્યાં છે. રૂપાલાને દિલ્હીથી લીલીઝંડી મળી જતાં એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 

રૂપાલા માટે રાજકોટ સેફ બેઠક
ગુજરાતની સ્થિતિ જોઈએ તો હાલમાં રાજ્યસભામાં ગયેલા ત્રણ સભ્યો અને લોકસભાના ચાર સભ્યો મોદી ટીમમાં સામેલ હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણને ટિકિટ મળી છે. જ્યારે મહેન્દ્ર મુંજપરા અને દર્શના જરદૌશની તો ટિકિટ કપાઈ ગઈ છે. આ સિવાય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ ગાંધીનગરથી, આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી અને મત્સ્યપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડી રહ્યાં છે. અમિત ભાઈ ગાંધીનગરથી હારે તેવી કોઈ સ્થિતિ નથી, પોરબંદરથી માંડવિયાને જીતાડવા માટે પણ ઓપરેશન લોટસનો ભરપૂર ઉપયોગ થયો છે. પુરષોત્તમ રૂપાલા ભાજપની સેફ ગણાતી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જેઓ જીતી રહ્યાં હોવાનું સરવે કહી રહ્યાં છે. આ બેઠક પર 5 લાખ નહીં 6 લાખ વોટથી જીતે તેવો પાટીદારોનો પાવર છે. હવે દિવસે ને દિવસે આ વિવાદ વધતો જ જાય છે. 

નડ્ડા સાંસદ બનતાં સમીકરણો ખોરવાયા
અહીં રૂપાલા આરામથી 5 લાખની લીડ મેળવી જીતે તેવી શક્યતાઓ વચ્ચે હવે રૂપાલા જીતે કે હારે પણ રૂપાલા ભાજપ માટે માથાનો દુખાવો બની ગયા છે. આ વિવાદ દિવસે ને દિવસે ઉકલવાને બદલે વધી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં ફરી એવી ચર્ચા જાગી છે કે શું રૂપાલાને જાણી જોઈને વિવાદમાં ધકેલવામાં આવી રહ્યાં છે. મોદી ફરી 2024માં દિલ્હીની ગાદીએ બેસે તો માંડવિયા અને અમિત શાહ તો રીપિટ થશે. જય શંકર ઓલરેડી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે જય પ્રકાશ નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. કહેવાય છે કે પાટીલની જેમ નડ્ડા પણ લોકસભાની ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છોડી દેશે. જેમના અધ્યક્ષપદા હેઠળ મોદી ફરી પીએમ બને તો નડ્ડાને પણ કેબિનેટ ફાળવવું પડે...

રૂપાલાને બદનામ કરવામાં કોનો ફાયદો છે?
હવે ગુજરાતમાંથી જ ફરી 4 કેબિનેટ પદ થાય.... અને ગુજરાતના એક નેતાજીને દિલ્હી જવું છે. જેઓ ઘણા સમયથી દિલ્હી જવા માટે જબરદસ્ત પર્ફોમન્સ આપી રહ્યાં છે. એટલે રૂપાલા નામનો વિવાદ હમણાં શાંત પડે તેવી સંભાવના ઓછી છે. રૂપાલા હવે જીતી જાય તો પણ ફરી કેબિનેટ મીનિસ્ટર બનશે કે કેમ એ હવે ગુજરાતમાં ચર્ચાનો વિષય છે.

ગુજરાતના એક નેતાજી દિલ્હીમાં સેટ થઈ જાય..

સૂત્રો કહી રહ્યાં છે કે આ પ્રકરણને હવા અપાઈ રહી છે  કારણ કે રૂપાલા રીપિટ ના થાય અને ગુજરાતના એક નેતાજી દિલ્હીમાં સેટ થઈ જાય... ગુજરાતમાં ચાલતી ચર્ચાઓને જે પ્રકારે રાજકારણ આગળ વધી રહ્યું છે એ જોતાં હવા મળી રહી છે. હવે આગામી દિવસ જ બતાવશે કે રૂપાલાને બદનામ કરવામાં કોનો ફાયદો છે.? એવું પણ બની શકે કે આ મામલો ન સંભળાય તો રૂપાલાજીને ફરજિયાત પાર્ટી રાજકીય સંન્યાસ પણ આપી દે તેવી ચર્ચાઓ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news