Home Interior: તમારા ઘરની શોભામાં વધારો કરશે આ પ્રકારના ડિઝાઈનર પડદા
ઘર સજાવટમાં દરેક વસ્તુનું પોતાનું મહત્વનું છે. દરેક વસ્તુ ઘરની ઓળખ છે, શોભા છે. એમાં પણ વાત જો પડદાની કરવામાં આવે, તો પડદા ઘરના અભિન્ન અંગ સમાન છે. બજારમાં મળતા વિવિધ પડદા તમારા ઘરની સુંદરતા વધારી દે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘરની સજાવટ અને ઈન્ટિરિયરમાં પડદાનું વિશેષ મહત્વ છે. પડદા ઘરની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. પડદા દ્વારા ઘરને સુશોભન કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે, તેમાં પણ લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે પડદા હોય તો તે સ્ટાઇલિશ દેખાવ સાથે આકર્ષક લાગે છે. અલગ અલગ પ્રકારના પડદા લગાવીને પણ તમારા ઘરને નવો લુક આપે છે.
પડદાનું કાપડ કેવું પસંદ કરવું
આજકાલ બજારમાં મળતા પડદામાં વિવિધ ડિઝાઈન અને વેરાઈટી મળે છે. પડદાની પસંદ કરતા સમયે થોડી સમજણ અને કાળજી રાખવી જરૂરી છે. પડદાની ખરીદી સમયે પડદાનો ઉપયોગ ઘરનાં કયા ભાગમાં થવાનો છે, તે ખૂબ જ મહત્વનું છે. બજારમાં કોટન, શિફોન, મખમલ, થ્રેડ, ટ્રાન્સપરન્ટ, જ્યોર્જેટ, હેન્ડલૂમ પડદા મળે છે. પડદાનો ભાવ તેના કાપડ પર આધાર રાખે છે. બજારમાં 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની કિંમતના પડદા મળે છે. જોકે, ખરીદી કરતા સમયે પડદાના કાપડની ગુણવત્તા ચકાસવી ખૂબ જ જરૂરી બની જાય છે.
પડદાની પ્રિન્ટ કેવી રાખવી ?
પડદાની પ્રિન્ટ કેવી રાખવી તે, ઘરના ડેકોરેશન અને વ્યક્તિની પસંદગી પર આધાર રાખે છે. જો તમારા ઘરની દિવાલ પ્રિન્ટેડ હોય તો પડદા પ્લેન રાખવામાં આવે છે. અને ઘરની દિવાલ જો ડબલ શેડનાં કલરની હોય તો, પડદા ઝીણી ડિઝાઈનનાં સારા લાગે છે. ઘરનાં હોલ માટેના પડદા હંમેશા લાઈટ કલરનાં પસંદ કરવા, જેથી ઘરમાં ઉજાસ લાગે અને સકારાત્મક ઉર્જા મળી રહે. આ સિવાય પડદા કઈ જગ્યા માટે પસંદ કરો છો, તે પણ મહત્વનું છે.
જો પડદા બેડરૂમ માટે પસંદ કરવામાં આવે, તો થોડા ડાર્ક કલરનાં અને આછી પ્રિન્ટવાળા સારા લાગે છે. મખમલ, રેશમી પડદા બેડરૂમની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. બારી માટેના પડદા સ્ટ્રીપ્સ વાળા, થ્રેડવાળા અથવા તો લાઈનિંગવાળા સારા લાગે છે. રસોડામાં થોડા આછા કલરનાં અથવા તો ટ્રાન્સપરન્ટ પડદા સારા લાગે છે. બાળકોના રૂમમાં શિફોન અને જ્યોર્જેટ કાપડનાં ફૂલ, વેલ અથવા તો કાર્ટૂન પ્રિન્ટવાળા પડદા સારા લાગે છે. કેટલાક લોકો ઘરના ઈન્ટિરિયર મુજબ પડદા ડિઝાઈન કરાવે છે.
પડદામાં ન્યુ ટ્રેન્ડ
આજકાલ બજારમાં મોતીવાળા પડદાની ખૂબ માગ છે. બજારમાં આ પ્રકારનાં રેડિમેડ મળતા પડદામાં રંગબેરંગી મોતીની લાંબી લાંબી લાઈનો લગાવેલી હોય છે. આ પડદાની કિંમત 560 રૂપિયાથી શરૂ થઈને 740 સુધી હોય છે. કોટન-સિન્થેટિક મિક્સ મટીરીયલના પડદાની પણ આજકાલ ડિમાન્ડ છે. આ પ્રકારનાં પડદા ખિસ્સાને પરવડે તેવા એટલે કે, 60 રૂપિયાથી લઈને 250 રૂપિયા પ્રતિ મીટરની કિંમતે મળે છે. દિવાળી જેવા તહેવારો કે લગ્ન જેવા પ્રસંગે ઘરમાં વેલવેટ પડદા લગાવવાનો ટ્રેન્ડ છે. આ પ્રકારનાં પડદા ઘરને વધુ ઝાઝરમાન બનાવી દે છે. વેલવેટનાં પડદા 225 રૂપિયાથી શરૂ થાય છે. બજારમાં પોલિસ્ટર ક્રશ મટિરિયલવાળા પડદાનો પણ ક્રશ છે. ક્રશ મટિરિયલનાં પ્લેન પડદા 110 રૂપિયાથી શરૂ થાય છે.
મિક્સ એન્ડ મેચ પડદા
તમે તમારા બજેટને ધ્યાનમાં રાખીને બજારમાં મળતાં વિવિધ રંગ અને ડિઝાઈનવાળા પડદાથી ઘરને નવો લૂક આપી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે, કેટલીક જૂની વસ્તુમાં થોડી ક્રિએટિવીટી કરીને તમે સુંદર પડદા બનાવી શકો છો. ઘરમાં સંગ્રહ કરેલી જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓમાંથી સુંદર પડદા બનાવી શકો છો. આ સિવાય ટિશ્યૂ વર્કની સાડી પણ કર્વશેપમાં બારી પર પડદાની જેમ લગાવવાથી ઘરને એક આકર્ષક લૂક મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે