ફૂડ ફેસ્ટિવલ: ગુજરાતના આંતરિયાળ વિસ્તારની વાનગી ચાખવી હોય તો પહોંચી જાવ અહી

કાંગનો ખીચડો - કાંગ અને મસૂરમાંથી બનાવવામાં આવેલી ખીચડી, રજવાડી ચા - વિશિષ્ટ પ્રકારના સ્વાદની ચા, અત્યંત ચટાકેદાર લસણિયા બટાકા ભૂંગળા; સુરતી લોચો, ચાપડી ઊંધિયું, ઉંબાડિયું - જેમાં દક્ષિણ ગુજરાતની સીઝનલ વેરાઇટનો સમાવેશ થાય છે

ફૂડ ફેસ્ટિવલ: ગુજરાતના આંતરિયાળ વિસ્તારની વાનગી ચાખવી હોય તો પહોંચી જાવ અહી

Food Festival: વિશિષ્ટ પ્રકારની સ્થાનિક સંસ્કૃતિમાં વણાયેલી અત્યંત સ્વાદિષ્ટ અધિકૃત વાનગીઓ પૂરી પાડીને ઉત્તમોત્તમ સ્વાદનો અનુભવ કરાવવા આઇટીસી નર્મદા 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમિયાન ડિનરના સમયે ‘ધી ઓરિજિન સ્ટોરી ફૂડ ફેસ્ટિવલ’નું આયોજન કરીને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોના સ્વાદને રજૂ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આઇટીસી નર્મદાની મલ્ટિકૂઝિન રેસ્ટોરેન્ટ અડાલજ પેવેલિયન ખાતે યોજાવા જઈ રહેલો આ ફેસ્ટિવલ ‘ધી ઓરિજિન સ્ટોરી’ નામની ફૂડ ટ્રેઇલ સીરીઝ દરમિયાન આઇટીસી નર્મદાના શૅફ્સે શોધી કાઢેલી અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓનું સંગમસ્થળ બની રહેશે.

આ ફૂડ ટ્રેઇલ સીરીઝના ભાગરૂપે શૅફ ગૌરવ લવાનીઆ, શૅફ અભિષેક મોદી, શૅફ તેજસ પટેલનો સમાવેશ કરતી આઇટીસી નર્મદાના શૅફ્સની એક ટીમે સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ અને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના અલગ-અલગ પ્રદેશોની યાત્રા કરી આ રાજ્યની વિવિધ વાનગીઓના ઇતિહાસ તથા તેના મૂળમાં રહેલી અને પેઢી દર પેઢી વારસામાં પ્રાપ્ત થયેલી પાકકલાની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી હતી. ત્રણ-એપિસોડની આ સીરીઝમાં ગુજરાતની પાકકલાના સામર્થ્ય અને રાજ્યના મોજિલા લોકોના ભાવભીના આતિથ્યસત્કાર વિશે તો જાણકારી પ્રાપ્ત કરવામાં આવી જ હતી પરંતુ તેની સાથે-સાથે આ વૈવિધ્યસભર અર્ધ-શુષ્ક રાજ્યે તેની પાકકલાની પરંપરાઓને કેવી રીતે આકાર આપ્યો તથા સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા માટે સ્વાદિષ્ટ સ્થાનિક સામગ્રીઓના મિશ્રણનો ઉપયોગ કરીને પાકકલાની ટેકનિકો કેવી રીતે તૈયાર થઈ તેની વાતો પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ધી ઓરિજિન સ્ટોરી ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતની વિશિષ્ટ પ્રકારની વાનગીઓની એક આખી શ્રેણીને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કાંગનો ખીચડો - કાંગ અને મસૂરમાંથી બનાવવામાં આવેલી ખીચડી, રજવાડી ચા - વિશિષ્ટ પ્રકારના સ્વાદની ચા, અત્યંત ચટાકેદાર લસણિયા બટાકા ભૂંગળા; સુરતી લોચો, ચાપડી ઊંધિયું, ઉંબાડિયું - જેમાં દક્ષિણ ગુજરાતની સીઝનલ વેરાઇટનો સમાવેશ થાય છે; કેટલીક દરરોજ ખવાતી મુખ્ય વાનગીઓ જેમ કે, ખીચી રોટલી, ભગત મુઠિયાનું શાક, ગાજર લસણનું અથાણું, કળથી અને પાલકનું શાક, વડના પાનના ખમણ અને બાજરાનો રોટલો; ખટમીઠ્ઠી કુરકુરી કચોરી, ઘુઘરા, અત્યંત પૌષ્ટિક ઘુટો, નાગરવાળી અડદની દાળ - જૂનાગઢના નાગર બ્રાહ્મણ સમાજ દ્વારા બનાવવામાં આવતી વિશિષ્ટ વાનગી, અત્યંત સ્વાદિષ્ટ અને ગળ્યો લીલા નાળિયેરનો હલવો તથા દુધિયો બાજરો, મકાઈનું થુલુ, નાગલીની રોટલી, તલ સિંગના બટાટા, દાળ પાણિયા અને વાલનું બાફણું વગેરે જેવી ઓછી જાણીતી સ્થાનિક વેરાઇટીઓનો સમાવેશ થાય છે.

આઇટીસી નર્મદાના જનરલ મેનેજર કીનન મેકીન્ઝીએ સમજાવ્યું હતું કે, અમારા ચાહકો માટે વિશિષ્ટ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવાના પ્રયાસોના ભાગરૂપે અમે સ્થાનિક સંસ્કૃતિને પણ સૂક્ષ્મતાપૂર્વક રજૂ કરીએ છીએ. વિવિધ વાનગીઓ એ કોઈ પણ સંસ્કૃતિ અને તે પ્રદેશની ભૂગોળનું અત્યંત સક્ષમ રીતે પ્રતિનિધિત્ત્વ કરે છે અને આથી જ અમે અમારી વાનગીઓમાં વિશિષ્ટ પ્રકારના સ્થાનિક સ્વાદને ઉમેરવાનો પ્રયત્ન કરતાં રહીએ છીએ. ધી ઓરિજિન સ્ટોરી ફૂડ ફેસ્ટિવલ એ આવો જ એક પ્રયાસ છે, જેમાં અમે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની ઓછી જાણીતી સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરીએ છીએ અને આ પ્રદેશમાં ખૂબ જ માણીને ખવાતી અજાણી વાનગીઓને શોધી કાઢીએ છીએ.’

આ ફૂડ ફેસ્ટિવલમાં સ્થાનિક વાનગીઓને તો રજૂ કરવામાં આવી જ છે પરંતુ તેની સાથે-સાથે તેને બનાવવા માટેની સામગ્રીઓને પણ સ્થાનિક રીતે જ મેળવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, આ ફૂડ ફેસ્ટિવલમાં સર્વ કરવામાં આવતી કેટલીક ચોક્કસ વાનગીઓને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મસૂરને ખાસ ડાંગથી મેળવવામાં આવ્યાં છે. તે જ રીતે, અમારી ટીમોએ સુરતમાંથી મરચાંની વિવિધ વેરાઇટીઓ, સૌરાષ્ટ્રમાંથી કંદમૂળ, લસણ અને લીલી ચટણી, અમદાવાદમાંથી ટામેટાંની સ્થાનિક વેરાઇટીઓ, માંગરોલમાંથી નાળિયેર, અમદાવાદની આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાંથી બાજરો અને અન્ય ધાન મેળવ્યાં છે.’

ગુજરાતની ઓળખ એક વ્યાવસાયિક રાજ્ય તરીકેની છે પણ તેની વાસ્તવિક ઓળખ બિઝનેસ અને વાણિજ્ય પૂરતી મર્યાદિત નથી. વાસ્તવમાં તો આ એક એવો પ્રદેશ છે, જ્યાં સદીઓ જૂની કલા અને સ્થાપત્ય પાંગર્યાં છે, અહીંના રજવાડાઓ પર એક સમયે રાજ કરતાં રાજવી પરિવારો હજુ આજેય તેમનો દબદબો ધરાવે છે, જેણે ક્રમિક રીતે આ પ્રદેશની સંસ્કૃતિ તથા સમૃદ્ધ અને વૈવિધ્યસભર પરંપરાઓને ઘડી છે. ગુજરાતી વાનગીઓની સુંદરતા આ પ્રદેશના વિરોધાભાસમાં રહેલી છે, અહીં ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો આવેલો છે, તો બીજી તરફ વેરાન ભૂમિ પણ છે. વિવિધ પ્રદેશોની આબોહવા, સ્થળની રૂપરેખા અને કામની પ્રકૃતિ પ્રત્યેક પ્રદેશના મુખ્ય આહારમાં તથા સંસ્કૃતિ અને તહેવારોની પરંપરાઓ પર પડતાં તેના પ્રભાવમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news