INDvsAUS: મોહાલીમાં ભારત હાર્યું, ટર્નરે ઓસ્ટ્રેલિયાને અપાવ્યો ભવ્ય વિજય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વનડે મેચ મોહાલીમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 358 રન ફટકાર્યા છે.
Trending Photos
મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાચેલી પાંચ મેચોની સિરીઝની ચોથી હાઈ સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એસ્ટોન ટર્નરની લડાયક બેટિંગની મદદથી ભારતને 6 વિકેટે પરાજય આપીને સિરીઝ 2-2થી બરોબર કરી લીધી છે. એસ્ટોન ટર્નરે 43 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 84 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને શાનદાર વિજય અપાવ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શિખર ધવન (143) અને રોહિત શર્મા (95)ની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પીટર હૈંડ્સકોમ્બ (117) અને ખ્વાજા (91) રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. એસ્ટોન ટર્નર અને એલેક્સ કેરીએ છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને શાનદાર વિજય અપાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
359 રનના પહાડી લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. મેચમાં વાપસી કરી રહેલા ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં એરોન ફિન્ચ (0) પર બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ શોન માર્શ (6)ને બુમરાહે બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો.
ખ્વાજા અને હૈંડ્સકોમ્બ વચ્ચે રેકોર્ડ ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ 12 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓપનર ઉસ્માન ખ્વાજા અને મીડર ઓર્ડર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી. આ ભારતમાં ભારત વિરુદ્ધ ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. બંન્નેએ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. ભારતને ત્રીજી સફળતા ઈનિંગની 34મી ઓવરમાં મળી હતી. ઉસ્માન ખ્વાજા (91) જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ખ્વાજા સતત બીજી મેચમાં સદી ફટકારતા ચુકી ગયો હતો. તેણે 99 બોલનો સામનો કરતા 7 બાઉન્ડ્રી ફટકારી હતી.
હૈંડ્સકોમ્બના કરિયરની પ્રથમ સદી
હૈંડ્સકોમ્બને આ મેચમાં શાનદાર બેટિંગ કરતા પોતાના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ખ્વાજા સાથે ત્રીજી વિકેટ માટે 192 રનની ભાગીદારી પણ કરી હતી. હૈંડ્સકોમ્બે 92 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી.
પ્રથમ વિકેટ માટે 193 રનની ભાગીદારી
ભારતીય ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 193 રનની ભાગીદારી કરી હતી. ભારતે 10મી ઓવરમાં 50 રન અને 17મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કરી લીધા હતા.
ધવને ફટકાર્યા 143 રન
પ્રથમ ત્રણ વનડેમાં નિષ્ફળ રહ્યાં બાદ શિખર ધવને આજે શાનદાર બેટિંગ કરી હતી. તેણે રોહિત સાથે શાનદાર ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. ધવને 46 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. તેણે પોતાના વનડે કરિયરની 16મી સદી ફટકારી હતી. તે 115 બોલમાં 143 રન ફટકારીને આઉટ થયો હતો. ધવને પોતાની ઈનિંગમાં 18 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. પેટ કમિન્સે તેને બોલ્ડ કરીને તેની ઈનિંગનો અંત કર્યો હતો.
રોહિત શર્મા સદી ચુક્યો
રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે શિકર ધવન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 31 ઓવરમાં 193 રન જોડ્યા હતા. પરંતુ તે (95) રન બનાવી રિચર્ડસનનો શિકાર બન્યો હતો. મોટો શોટ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચઆઉટ થયો હતો. રોહિતે 92 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી.
ભારતે 254 રનના સ્કોર પર પોતાના બંન્ને ઓપનરો ગુમાવી દીધા હતા. ત્યારબાદ સતત બે વનડેમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (7) ઝાય રિચર્ડસનનો શિકાર બન્યો હતો. બહાર જતા બોલને રમતા વિરાટે વિકેટકીપરના હાથમાં કેચ આપી દીધો હતો. કોહલીના સ્થાન પર બેટિંગમાં આવેલ લોકેશ રાહુલ પણ પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. રાહુલ (26)ને ઝમ્પાએ વિકેટકીપર એલેક્સ કેરીના હાથે આઉટ કરાવ્યો હતો. રાહુલે 31 બોલનો સામનો કરતા 1 બાઉન્ડ્રી ફટકારી હતી. કેદાર જાધવ (10) પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. અંતમાં વિજય શંકરે 15 બોલમાં 26 રન ફટકારીને ભારતનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો હતો.
રિષભ પંતના આક્રમક 36 રન
મહેન્દ્ર સિંહ ધોનીને આરામ અપાતા આજે યુવા વિકેટકીપર રિષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું હતું. પાંચમાં ક્રમે બેટિંગ કરતા આવેલા પંતે આક્રમક 36 રન ફટકાર્યા હતા. તેણે 24 બોલનો સામનો કરતા 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. પેટ કમિન્સે તેને આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 5 તથા તથા ઝાય રિચર્ડસને 9 ઓવરમાં 85 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પાને એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે