INDW vs AUSW: હેધર ગ્રેહામની હેટ્રિકથી ઓસ્ટ્રેલિયાએ 54 રને જીતી પાંચમી ટી20, સિરીઝ 4-1થી કરી કબજે

India Women vs Australia Women, 5th T20I: હેધર ગ્રેહામે હેટ્રિક લેતા શાનદાર બોલિંગ કરી હતી. તો બેટિંગમાં ગાર્ડનર અને ગ્રેસ હેરિસે શાનદાર અડધી સદી ફટકારી હતી. 

INDW vs AUSW: હેધર ગ્રેહામની હેટ્રિકથી ઓસ્ટ્રેલિયાએ 54 રને જીતી પાંચમી ટી20, સિરીઝ 4-1થી કરી કબજે

મુંબઈઃ India Women vs Australia Women, 5th T20I: ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ભારતને પાંચમાં અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં 54 રનથી હરાવતા સિરીઝને 4-1થી પોતાના નામે કરી છે. અંતિમ મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ એશ્લે ગાર્ડનર અને ગ્રેસ હેરિસની આક્રમક અડધી સદીની મદદથી 4 વિકેટના નુકસાને 196 રન ફટકાર્યા હતા. જવાબમાં ભારતીય ટીમનો ધબડકો થયો અને 20 ઓવરમાં 142 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હેધર ગ્રેહામે હેટ્રિક સાથે ચાર વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ગાર્ડનર અને ગ્રેસની ઈનિંગથી ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો મોટો સ્કોર
પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 10મી ઓવર સુધી 67 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એશ્લે ગાર્ડનરે 32 બોલમાં 66* રનની ધમાકેદાર ઈનિંગ રમી જેમાં 11 ચોગ્ગા અને એક સિક્સ સામેલ રહી. ગ્રેસ હેરિસે 35 બોલમાં અણનમ 64 રન ફટકાર્યા હતા. જેમાં છ ફોર અને ચાર સિક્સ સામેલ રહી હતી. બંનેએ 62 બોલમાં 129 રનની ભાગીદારી કરી જે ઓસ્ટ્રેલિયા માટે પાંચમી વિકેટની બેસ્ટ ટી20 આંતરરાષ્ટ્રીય ભાગીદારી થઈ ગઈ છે. આ બંને બેટરોની શાનદાર બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. 

ભારતીય ટીમનો થયો ધબડકો
સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી અને ચોથા બોલ પર સ્મૃતિ મંધાનાના રૂપમાં મોટી વિકેટ ગુમાવી દીધી હતી. 24 રનના સ્કોર સુધી શેફાલી વર્મા પણ પેવેલિયન પરત ફરી ચુકી હતી. હરલીન દેઓલે 16 બોલમાં 24 રનની ઈનિંગ રમતા ભારતની વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે રનઆઉટ થઈ ગઈ હતી. 13 ઓવરની સમાપ્તિ થવા સુધી ભારતે 88 રનના સ્કોર પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. 

દીપ્તિ શર્માએ અંત સુધી સંઘર્ષ કરતા 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. દીપ્તિએ 34 બોલમાં 53 રન બનાવ્યા હતા. પરંતુ ટીમને જીત અપાવી શકી નહીં. એશ્લે ગાર્ડનરે બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી. પાંચ મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ગાર્ડનરને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news