ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ટીમ ઓસ્ટ્રેલિયાનું એલાન, ટિમ પેન બન્યો કેપ્ટન
ઓસ્ટ્રેલિયા ટીમના સિલેક્ટરનું કહેવું છે કે, ટિમ પેન એક મજબૂત લીડર છે, પરંતુ અત્યારે તેને ટીમનો રેગ્યુલર કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. અમે લોકો જલ્દી ટીમના રેગ્યુલર કેપ્ટન પર કોઈ નિર્ણય કરીશું.
- ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર
- વનડે ટીમની કમાન સંભાલશે ટીમ પેન
- એરોન ફિન્ચને ટી20 ટીમનું સુકાન સોંપાયું
Trending Photos
સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટિમ પેન અને એરોન ફિન્ચને લિમિટેડ ઓવર્સના નવા કેપ્ટન નિયુક્ત કર્યાં છે. ટિમ પેન ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી 5 મેચની વનડે શ્રેણી માટે નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ફિન્ચ ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20માં ટીમનું સુકાન સંભાળશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવા કેપ્ટનની જાહેરાત કરતા કહ્યું, ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન વનડે મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે ફિન્ચને વનડે ટીમ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા ફિન્ચને વનડેનું સુકાન આપવામાં આવે તેવી આશા હતી.
ઓસ્ટ્રેલિયા ટીમના સિલેક્ટરનું કહેવું છે કે, ટિમ પેન એક મજબૂત લીડર છે, પરંતુ અત્યારે તેને ટીમનો રેગ્યુલર કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. અમે લોકો જલ્દી ટીમના રેગ્યુલર કેપ્ટન પર કોઈ નિર્ણય કરીશું.
સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડના પ્રવાસ માટે એક નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ આ પ્રવાસમાં ટીમનો ભાગ હશે નહીં.
ટેસ્ટ મેચોમાં ટીમનો સ્ટાર સ્પિનર નાથન લાયનની બે વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે. આ સાથે ઉભરતા સ્પિન બોલર એશ્ટન અગરને વનડે અને ટી20 બંન્નેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં હાલમાં કોન્ટ્રાક્ટ મેળવનાર વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શોન માર્શને ફરી એકવાર વનડે ટીમમાં પરત બોલાવવામાં આવ્યો છે. ખરાબ ફોર્મના કારણે ઉસ્માન ખ્વાજાને પડતો મુકવામાં આવ્યો છે.
વનડે અને ટી20 ટીમ આ પ્રકારે છે.
વનડે ટીમઃ ટિમ પેન (કેપ્ટન), એરોન ફિન્ચ (વાઇસ કેપ્ટન), એશ્ટન અગર, એલેક્સ કેરી, જોશ હેઝલવુડનાથન લાયન, ગ્લેન મેક્સવેલ, શોન માર્શ, રિચર્ડસન, કેન રિચર્ડસન, ડી આર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, એડ્રયૂ ટાય.
T20 ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી (વાઇસ કેપ્ટન), એશ્ટન અગર, ટ્રેવિસ હેડ, નિક મૈડિનસન, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, ડી આર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્વિપસન, એંડ્રયૂ ટાય, જૈક વાઇલ્ડર્મથ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે