World Cup ડાયરી: જ્યારે ઓસ્ટ્રેલિયાએ જીત્યો સતત ત્રીજો વિશ્વકપ, ભારતની હારથી મચ્યો હાહાકાર

વર્ષ 2007માં વિશ્વકપની નવમી સિઝન રમાઇ જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝે કરી હતી. 13 માર્ચથી 28 એપ્રિલ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. 
 

 World Cup ડાયરી: જ્યારે ઓસ્ટ્રેલિયાએ જીત્યો સતત ત્રીજો વિશ્વકપ, ભારતની હારથી મચ્યો હાહાકાર

નવી દિલ્હીઃ વર્ષ 2007માં વિશ્વકપની નવમી સિઝન રમાઇ જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝે કરી હતી. 13 માર્ચથી 28 એપ્રિલ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને વિશ્વ કપનું ટાઇટલ ચોથી વાર પોતાના નામે કર્યું અને ખિતાબની હેટ્રિક લગાવી હતી. તેણે સૌથી પહેલા 1987માં આ ટાઇટલ જીત્યું હતું. ભારત માટે આ ટૂર્નામેન્ટ ખૂબ નિરાશાજનક રહી અને તેની સફર ગ્રુપ સ્ટેજમાં સમાપ્ત થઈ ગઈ હતી. ગ્રુપ સ્ટેજમાં મુકાબલા બાદ દરેક ગ્રુપમાંથી ટોપ બે ટીમોએ સુપર આઠમાં પોતાની જગ્યા પાક્કી કરી અને બાદમાં ટોપ-4માં  ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. 

સેમીફાઇનલમાં હાર-જીત
પ્રથમ સેમીફાઇનલમાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 289 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 41.4 ઓવરોમાં 208 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને શ્રીલંકાએ 81 રનથી મેચ પોતાના નામે કરી હતી. તો બીજા સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 43.5 ઓવરમાં 149 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ આસાન લક્ષ્યને 31.3 ઓવરોમાં ત્રણ વિકેટ પર 153 રનનો સ્કોર હાસિલ કરી લીધો હતો. 

ઓસ્ટ્રેલિયાએ જીત્યું ટાઇટલ
ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો સામનો શ્રીલંકા સામે બારબાડોસના મેદાન પર થયો હતો. વરસાદને કારણે આ મેચને 50થી ઘટાડીને 38-38 ઓવરોનો કરી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ પર 281 રન બનાવ્યા. બીજી ઈનિંગમાં ફરી વરસાદ શરૂ થયો જેના કારણે શ્રીલંકાને 36 ઓવરોમાં 269 રનનો સંશોધિત લક્ષ્ય મળ્યો હતો. શ્રીલંકાની ટીમ 36 ઓવરોમાં આઠ વિકેટ પર 215 રન બનાવી શકી અને ઓસ્ટ્રેલિયા ડકવર્થ-લુઇસના આધાર પર 53 રનથી વિજેતા થયું હતું. ગિલક્રિસ્ટ (149)ને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ આ મેચમાં ગિલક્રિસ્ટે પોતાના ગ્લોવ્સમાં સ્કવોશનો બોલ લગાવીને બેટિંગ કરી જે ચર્ચાનું કેન્દ્ર રહી હતી. સદી બાદ તેણે પોતાના પેવેલિયન તરફ સ્કવોશ બોલનો ઇશારો પણ કર્યો હતો. 

પાકના કોચ બોબ વુલ્મરનું મોત
આ વિશ્વકપમાં પાકિસ્તાની કોચ બોલ વુલ્મરનું મોત પણ ખુબ ચર્ચામાં રહ્યું હતું. એક જ ગ્રુપમાં પાકિસ્તાન અને આયર્લેન્ડ હતા પરંતુ પાકિસ્તાન ટીમનો આયર્લેન્ડ સામે પરાજય થયો હતો. ત્યારબાદ કોચ સહિત ટીમની મજાક ઉડી હતી. હાર બાદ બોબ વુલ્મરનો મૃતદેહ હોટલમાંથી મળ્યો હતો. 

ભારત હારતા થયો હાહાકાર
આ વિશ્વકપમાં રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. આ રાહુલ અને ગાંગુલીનો અંતિમ વિશ્વકપ હતો. ભારતના ગ્રુપમાં બરમૂડા, શ્રીલંકા અને બાંગ્લાદેશ હતા. બધાને લાગતું હતું કે ભારતીય ટીમ સરળતાથી આગામી રાઉન્ડમાં પહોંચી જશે. બાંગ્લાદેશે ભારતને પાંચ વિકેટે હરાવી બધાને ચોંકાવ્યા હતા. પછી શ્રીલંકાએ 69 રને પરાજય આપીને ભારતને બહાર કરી દીધું હતું. ભારતમાં નારાજ પ્રશંસકોએ ખેલાડીઓના પૂતળા સળગાવ્યા અને તેના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. કોચ ગ્રેગ ચેપલની પણ ખુબ ટીકા થઈ હતી. ટીમના વરિષ્ઠ ખેલાડીઓએ તે સમય ચેપલના કારણે ભારતીય ક્રિકેટનો કાળો સમય જાહેર કર્યો હતો. ચેપલ સાથે વિવાદને કારણે ટીમમાં એકતા ઓછી થઈ હતી અને તેનું પરિણામ ટીમે ચુકવવું પડ્યું હતું. આ દરમિયાન ભારતે પોતાના ગ્રુપમાં ત્રણમાંથી માત્ર એકમાં જીત હાસિલ કરી જે બરમૂડા સામે 257 રનથી મળી હતી. ત્યારબાદ ચેપલે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. 

વિશ્વ કપ 2007ની યાદગાર ક્ષણ
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હર્શલ ગિબ્સે વિશ્વકપમાં સતત છ બોલ પર છ સિક્સ ફટકારી હતી. તેણે નેધલેન્ડના બોલર ડાન વોન બૂંગેની ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. 

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે કેનેડા વિરુદ્ધ 20 બોલમાં 50 રન ફટકારીને વિશ્વકપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ મેક્કુલમે 2015ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 18 બોલમાં સદી ફટકારીને પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news