13 વર્ષથી ‘રમશે અને જીતશે’ નો રાગ... દેશમાં સૌથી વધુ બજેટ છતાં ખેલકૂદમાં ખાડે ગયું ગુજરાત?
Khelo India : ગુજરાતના કરતા નાના રાજ્યો અને ઓછા સમૃદ્ધ રાજ્યો પણ સ્પોર્ટસમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે... પરંતું સ્પોર્ટસના પિક્ચરમાં ગુજરાત ક્યાંય દેખાતુ નથી
Trending Photos
sports news : છેલ્લા 13 વર્ષથી ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત અને જીતશે ગુજરાતના રૂપાળા સ્લોગનથી ગુજરાત ઓલિમ્પિક રમાડવાની તૈયારીઓ કરી રહ્યું છે. ખેલો ઈન્ડિયા હેઠળ મોદી સરકારે દેશમાં સૌથી વધારે બજેટ ગુજરાતને 593 કરોડનું ફાળવ્યું છે પણ મેડલની વાત આવે તો એશિયન ગેમ્સમાં ગુજરાતનું યોગદાન '0' છે. 293 કરોડ રૂપિયા આ બજેટમાંથી ફાળવાઈ ચૂક્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ રૂપિયા પાણીમાં ગયા છે. ગુજરાતનું નામ સાંભળતા જ લોકોના મનમાં માત્ર વેપાર-ધંધો તથા ખાવા-પીવાની વાતો સામે આવતી હોય છે. ગુજરાતે અત્યાર સુધી ઘણા ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. વેપાર ધંધાથી લઈને ડાયમંડ હોય કે ઉદ્યોગ ગુજરાત અનેક જગ્યાએ આગળ હોય છે. પરંતુ ગુજરાતીઓ રમતગમત એટલે કે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં ખુબ પાછળ છે. હા ક્રિકેટના ક્ષેત્રની વાત કરો તો તમને ગુજરાતી ખેલાડીઓ યાદ આવી જતા હોય છે. પરંતુ ક્રિકેટ સિવાયની રમતની વાત આવે તો ગુજરાત દેશના અન્ય રાજ્યોની તુલનાએ ઘણું પાછળ હોય છે.
શું ગુજરાતમાં ખેલાડીઓની અછત છે?
રમતજગતની વાત આવે ત્યારે દેશમાં ગુજરાત પાછળ હોય તેમ લાગે છે. ગુજરાત કરતાં ઘણા નાના રાજ્યો ખુબ આગળ છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ સારૂ પ્રદર્શન કરે છે. ગુજરાતમાં ક્રિકેટની વાત કરવામાં આવે તો રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ જેવા ખેલાડીઓ હાલના સમયમાં ભારતીય ટીમમાં રમી રહ્યાં છે. જ્યારે ભૂતકાળમાં પણ ક્રિકેટમાં ગુજરાતમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમ માટે રમી ચૂક્યાં છે. પરંતુ ક્રિકેટ સિવાયના ક્ષેત્રમાં ગુજરાતના ખેલાડીઓ ખુબ ઓછા જોવા મળે છે.
2010માં ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી
ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ થાય અને યુવાનોમાં ખેલ અંગે જાગૃતિ આવે તથા લોકો રમત રમતા થાય તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. સરકાર દ્વારા આ યોજના માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભની શરૂઆત થયાના 13 જેટલા વર્ષ થઈ ગયા છે, પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું હોય તેમ લાગી રહ્યું નથી. તાજેતરમાં ચીનમાં સમાપ્ત થયેલી એશિયન ગેમ્સમાં ગુજરાતના કુલ 9 ખેલાડીઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ એકપણ મેડલ મળ્યો નથી.
ખેલો ઈન્ડિયામાં ગુજરાતને મળ્યું સૌથી વધુ બજેટ
ભારત સરકાર દ્વારા દેશભરમાં ખેલો ઈન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને રમતગતમના ક્ષેત્રમાં ખુબ આગળ લઈ જવાનો છે. કેન્દ્ર સરકાર અને સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા પણ યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઈન્ડિયા સહિત અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ સાથે દરેક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશને બજેટ ફાળવવામાં આવે છે. ખેલો ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતને ખેલો ઈન્ડિયા હેઠળ સૌથી વધુ બજેટ મળ્યું છે. ગુજરાત માટે 593.37 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને 294.38 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. જો ખેલો ઈન્ડિયામાં આટલું બજેટ મળ્યું હોય પરંતુ ગુજરાતમાંથી માંડ 9 લોકો એશિયન ગેમ્સમાં ભાગ લેવા પહોંચે તે ખુબ ચિંતાની વાત કહી શકાય. બીજીતરફ ગુજરાત સરકાર દ્વારા પણ રમતો માટે બજેટ ફાળવવામાં આવે છે તે તો અલગ છે. જ્યારે હરિયાણાની વાત કરવામાં આવે તો તેને માત્ર 22.25 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ હરિયાણાના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલોનો વરસાદ કરતા હોય છે.
રમત પ્રત્યે ઉદાશિનતા કે સુવિધાનો અભાવ
ગુજરાતમાં વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં હજુ રમતગતમ ક્ષેત્રે આપણે જોઈએ એટલી સિદ્ધિ મેળવી શક્યા નથી. આ પાછળ શું કારણ છે. શું ગુજરાતના લોકોને રમતગતમ પ્રત્યે રસ નથી? કે પછી ગુજરાતમાં વિવિધ રમતો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી? કેન્દ્ર સરકાર દ્વારા પણ ખેલો ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પાછલા વર્ષે નેશનલ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતને હજુ આ ક્ષેત્રમાં જોઈએ એટલી સફળતા મળી નથી.
એશિયન ગેમ્સ-2022માં રાજ્યો પ્રમાણે મેડલોની યાદી
એશિયન ગેમ્સ-2022માં ભારતીય એથલીટોએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો હતો. આ વખતે એશિયન ગેમ્સમાં ભારતે કુલ 107 મેડલ જીત્યા હતા. રાજ્યો પ્રમાણે મેડલની વાત કરવામાં આવે તો હરિયાણાના કુલ 44 ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા છે. પંજાબના 32, મહારાષ્ટ્રના 31, ઉત્તર પ્રદેશના 21, તમિલનાડુના 17, વેસ્ટ બંગાળના 13, રાજસ્થાનના 13, કેરેલાના 11, મધ્ય પ્રદેશના 10, મણિપુરના 9, આંધ્રના 9, હિમાચલ, તેલંગણા, દિલ્હીના 7-7, કર્ણાટક 6, ઝારખંડ 4, ઓડિશા 3, આસામ 2, ઉત્તરાખંડ 2 અને મિઝોરમના એક ખેલાડીને મેડલ મળ્યો હતો. એશિયન ગેમ્સમાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીના ખેલાડીઓને મેડલ મળ્યો છે. જ્યારે ગુજરાતના ખાતામાં એકપણ મેડલ આવ્યો નથી.
એશિયન ગેમ્સ-2022માં ગુજરાતના 9 ખેલાડીઓએ લીધો ભાગ
ચીનમાં તાજેતરમાં સમાપ્ત થયેલી એશિયન ગેમ્સમાં ગુજરાતના કુલ 9 ખેલાડીઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જેમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર, માનુશ શાહ (ટેબલ ટેનિસ), આર્યન નેહરા, માના પટેલ (સ્વીમિંગ), અનિકેત પટેલ, રાજવીર આમાલિયાર (સોફ્ટ ટેનિસ), અંકિતા રૈના (ટેનિસ), વિશાલ રાહિલ (કુરાશ). જો બીજા રાજ્યો સાથે તુલના કરવામાં આવે તો ગુજરાતનું ભાગીદારી પાર્ટીસિપેન્ટમાં પણ ખુબ ઓછી જોવા મળી છે. એશિયન ગેમ્સમાં હરિયાણાના સૌથી વધુ 89 એથલીટોએ ભાગ લીધો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રના 73, પંજાબના 50, તમિલનાડુના 46, કેરેલા 42, મણિપુર 38, કર્ણાટક 38, મધ્યપ્રદેશ 37, ઉત્તર પ્રદેશ 33, બંગાળ 24, રાજસ્થાન 22, આંધ્ર 16, હિમાચલ 15, ઓડિશા 13, તેલંગણા 13, દિલ્હીના 45 ખેલાડીઓ એશિયન ગેમ્સમાં પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે