IPL 2021, MI vs CSK: 2018 બાદ મુંબઈ સામે જીત્યું ચેન્નઈ સુપર કિંગ્સ, 20 રને મેળવી જીત

દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી છે. ધોની સેનાએ મુંબઈને 20 રને પરાજય આપ્યો છે. 

IPL 2021, MI vs CSK: 2018 બાદ મુંબઈ સામે જીત્યું ચેન્નઈ સુપર કિંગ્સ, 20 રને મેળવી જીત

દુબઈઃ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2021ના બીજા ફેઝમાં વિજય સાથે શરૂઆત કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ મુંબઈ ઈન્ડિયન્સને 20 રને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. આ સાથે ચેન્નઈ સુપર કિંગ્સે 2018 બાદ મુંબઈને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે રુતુરાજ ગાયકવાડ (88*)ની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેચે 136 રન બનાવી શકી હતી. આ જીત સાથે ચેન્નઈની ટીમ 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

પાવરપ્લેમાં મુંબઈએ ગુમાવી ત્રણ વિકેટ
ચેન્નઈ સુપર કિંગ્સની જેમ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ પાવરપ્લેનો લાભ ઉઠાવી શકી નહીં. મુંબઈએ પાવરપ્લેમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ડિ કોક (17) રન બનાવી દીપક ચાહરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અનમોલપ્રીત સિંહ (14) રન બનાવી ચાહરની ઓવરમાં બોલ્ડ થયો હતો. સૂર્યકુમાર યાદવ (3) રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. મુંબઈએ પ્રથમ 6 ઓવરમાં 3 વિકેટે 41 રન બનાવ્યા હતા. 

58 રનના સ્કોર પર મુંબઈને ચોથો ઝટકો ઈશાન કિશનના રૂપમાં લાગ્યો હતો. ઈશાન કિશન 11 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કાયરન પોલાર્ડ 15 રન બનાવી હેઝલવુડની ઓવરમાં LBW આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા 4 રન બનાવી રનઆઉટ થયો હતો. એડન મિલ્ને 15 રન બનાવી આઉટ થયો હતો. સૌરભ તિવારીએ અમનમ 50 રન બનાવ્યા હતા. 

ચેન્નઈ તરફથી 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય દીપક ચાહરે બે અને હેઝલવુડ અને શાર્દુલને એક-એક વિકેટ મળી હતી. 

પાવરપ્લેમાં મુંબઈના બોલરોનો ધમાકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં ફાફ ડુ પ્લેસિસ (0)ના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ફાફ ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની બીજી ઓવરમાં મોઈન અલી પણ શૂન્ય રન બનાવી એડન મિલ્નેનો શિકાર બન્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે ત્રીજી ઓવરના અંતિમ બોલ પર સુરેશ રૈના (4)ને આઉટ કરી મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. એમએસ ધોની (3) રન બનાવી મિલ્નેની ઓવરમાં આઉટ થયો હતો. અંબાતી રાયડૂને ઈજા થતા તે રિટાયર્ડ હર્ટ થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં 4 વિકેટે 24 રન બનાવ્યા હતા. 

જાડેજા અને રુતુરાજ ગાયકવાડે સંભાળી ઈનિંગ
પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવી દીધા બાદ ચેન્નઈની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે ટીમને સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. જાડેજા ટીમનો સ્કોર 105 રન હતો ત્યારે 33 બોલમાં 26 રન બનાવી આુટ થયો હતો. રુતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા અણનમ 88 રન બનાવ્યા હતા. ગાયકવાડે 58 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 

ગાયકવાડે બ્રાવો સાથે મળીને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. બ્રાવો 8 બોલમાં ત્રણ સિક્સ સાથે 23 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, એડન મિલ્ને અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news