IPL 2018: અત્યંત રોમાંચક બનેલી મેચમાં ચેન્નઈએ કોલકત્તાને પાંચ વિકેટે હરાવ્યું
અંતિમ ઓવર સુધી રોમાંચક મેચમાં રવીન્દ્ર જાડેજાએ વિનય કુમારની ઓવરમાં સિક્સ ફટકારીને ચેન્નઈને પાંચ વિકેટે વિજય અપાવ્યો હતો.
- ચેન્નઈએ એક બોલ બાકી રાખીને 203 રનનો લક્ષ્ય હાંસિલ કર્યો
- કોલકત્તાએ 20 ઓવરમાં બનાવ્યા હતા 202 રન
- આન્દ્રે રસેલે 36 બોલમાં ફટકાર્યા હતા 88 રન
Trending Photos
ચેન્નઈઃ અંતિમ ઓવર સુધી અત્યંત રોમાંચક ભરેલી આઈપીએલની 11મી સીઝનની પાંચમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 5 વિકેટે પરાજય આપ્યો છે. 203 રનનો લક્ષ્ય ચેન્નઈએ અંતિમ બોલ બાકી હતો ત્યારે મેળવ્યો હતો. બ્રાવો અને જાડેજા 11-11 રન બનાવી અણનમ રહ્યા હતા.
202 રનનો લક્ષ્ય પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. શેન વોટસને વિનય કુમારની પ્રથમ ઓવરમાં જ 16 રન ફટકાર્યા હતા. બીજીતરફ અંબાતી રાયડુએ ફટકાબાજી શરૂ કરી હતી. બંન્નેએ 5.5 ઓવરમાં ટીમનો સ્કોર 75 રન પર પહોંચાડી દીધો હતો. ત્યારે ટોમ કર્રને વોટસને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. વોટસન 19 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 42 રન બનાવી આઉટ થયો હતો.
વોટસનના આઉટ થયા બાદ ચેન્નઈનો સૌથી અનુભવી ખેલાડી રૈના મેદાન પર આવ્યો હતો. રૈના અને રાયડુ વચ્ચે 10 રનની ભાગીદારી થય ત્યારે કુલદીપ યાદવે રાયડુને શિવમ માવીના હાથમાં ઝીલાવીને ટીમને બીજી સફળતા અપાવી હતી. ચેન્નઈએ 11 ઓવરમાં ટીમનો સ્કોર 100 પર પહોંચાડી દીધો હતો.
રૈના આક્રમક બને તે પહેલા જ સિક્સ મારવાના પ્રયાસમાં નરેનની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. રૈના માત્ર 14 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ સેમ બિલિંગ્સે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 23 બોલમાં 5 સિક્સ અને બે ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા. ધોની 28 બોલમાં 25 રન બનાવી આઉટ થયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા અને ચેન્નઈની સામે 203 રનનો ટાર્ગેટ રાખ્યો. કોલકત્તા માટે આન્દ્રે રસેલે 36 બોલમાં 11 સિક્સ અને માત્ર એક ચોગ્ગાની મદદથી 88 રનની તોફાની ઈનિંગ રમી. આ રસેલનો આઈપીએલમાં સર્વોચ્ચ સ્કોર પણ છે.
એક સમયે કોલકત્તાએ પોતાની પાંચ વિકેટ 89 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ રસેલની તોફાની ઈનિંગે કેકેઆરને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 202 રન સુધી પહોંચાડ્યું હતું.
તે સિવાય કેપ્ટન દિનેશ કાર્તિકે 26 અને ક્રિસ લિને 22 રન બનાવ્યા. કોલકત્તાએ અંતિમ 10 ઓવરમાં 113 રન ફટકાર્યા અને તેના કારણે ટીમ 20 ઓવરમાં 202 રન બનાવવામાં સફળ રહી હતી. કોલકત્તાને સુનીલ નરેને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ ઓવરમાં બે સિક્સ ફટકારી હતી.
પ્રથમ ઓવરમાં 18 રન આપતા ધોનીએ અનુભવી હરભજનને બોલિંગ આપી હતી. ભજ્જુના બે બોલ લિને રમ્યા અને ત્રીજા બોલમાં નરેન સામે આવ્યો. નરેને પણ હરભજનના બોલ પર સિક્સ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ બેટના ઉતરના ભાગમાં લાગતા હવામાં ગયો અને રૈનાએ શાનદાર કેચ ઝડપી લીધો.
નરેનના આઉટ થયા બાદ કોલકત્તાએ ઝડપથી બેટિંગ કરવાનું શરૂ રાખ્યું. લિન 51ના કુલ સ્કોરે જાડેજાની બોલિંગમાં 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ઉથ્થપા 29 અને નિતીશ રાણા 16 રન બનાવી આુટ થયા હતા.
ઉથ્થપા રૈનાના શાનદાર થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. ત્યારબાદ રિંકૂ સિંહ માત્ર બે રને આઉટ થતા કોલકત્તાનો સ્કોર 89 રનમાં પાંચ વિકેટ થઈ ગયો હતો.
અહીંથી આન્દ્રે રસેલ ક્રિઝ પર આપ્યો અને તોફાન મચાવી દીધું. તેણે તમામ બોલરનો ચારેતરફ ફટકાર્યા અને 11 સિક્સ ફટકારી દીધી હતી. તેન્નઈ તરફથી વોટસને બે વિકેટ લીધી. હરભજન, જાડેજા અને શાર્દુલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે