IPL 2018: ચેન્નઈએ અંતિમ લીગ મેચમાં પંજાબને 5 વિકેટે આપ્યો પરાજય
આઈપીએલની લીગ રાઉન્ડની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપ્યો હતો
- ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે મંગળવારે ક્વોલિફાયર-1
- કિંગ્સ ઈલેવન પંજાબની પરાજય સાથે રાજસ્થાન પ્લેઓફમાં
- કોલકત્તા-રાજસ્થાન એલિમિનેટરમાં ટકરાશે
Trending Photos
પુણેઃ સુરેશ રૈનાના અણનમ 61 અને દીપક ચહરના 39 રનના મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે અહીં રમાયેલી આઈપીએલ 2018ની 56મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપ્યો હતો. પંજાબે ચેન્નઈને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ચેન્નઈએ પાંચ બોલ બાકી રાખીને હાસિલ કરી લીધો હતો. આ પરાજય સાથે પંજાબની આઈપીએલની સફર સમાપ્ત થઈ ગઈ છે.
154 રનનો લક્ષ્ય હાસિલ કરવા માટે મેદાને ઉતરેલી ચેન્નઈની ટીમને પ્રથમ ઝટકો બીજી ઓવરમાં લાગ્યો હતો. મોહિત શર્માને આ સફળતા મળી હતી. ત્યારબાદ મેચની પાંચમી ઓવરમાં અંકિત રાજપૂતે ચેન્નઈને બે ઝટકા આપ્યા. અંકિત એક સમયે હેટ્રિક પર હતો. તેણે ડ્પ્લેસિસને ગેલના હાથે કેચઆઉટ કરાવ્યો અને તે પછીના બોલે સેમ બિલિંગ્સને બોલ્ડ કર્યો હતો.
કેપ્ટન ધોનીએ આજે ચેન્નઈની બેટિંગ લાઇનઅપમાં ફેરફાર કર્યો હતો. ત્રણ વિકેટ પડ્યા બાદ હરભજન સિંહ બેટિંગમાં આવ્યો હતો. હરભજન 22 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ દીપક ચહર ક્રિઝ પર આવ્યો હતો. તેણે અને રૈનાએ મળીને ટીમના 56 રનની ભાગીદારી કરી હતી. ચહરે 20 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 39 રન બનાવી આઉટ થયો હતો.
આ પહેલા પંજાબ તરફથી કરૂણ નાયરના 54, મનોજ તિવારીના 35 અને ડેવિડ મિલરે 24 રન ફટકાર્યા હતા. પંજાબની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કરૂણ નાયરે માત્ર 26 બોલમાં 54 રન ફટકાર્યા. તેણે 3 ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી. ચેન્નઈ તરફથી નગિડીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને ડ્વેન બ્રાવોને 2-2 વિકેટ મળી હતી. ચહર અને જાડેજાને એક-એક સફળતા મળી હતી.
ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મેચની બીજી ઓવરમાં લુંગી નગિડીએ ક્રિસ ગેલને પેવેલિયન મોકલી આપ્યો હતો. ગેલ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો.
ત્યારબાદની ઓવરમાં એરોન ફિન્ચને ચહરે સ્લિપમાં કેચઆઉટ કરાવ્યો હતો. ફિન્સ માત્ર ચાર રન બનાવી આઉટ થયો હતો. આ સીઝનમાં શાનદાર બેટ્સમેન રાહુલને નગિડીએ પેવેલિયન મોકલ્યો. નગિડીના એક સ્વિંગ બોલમાં રાહુલ બોલ્ડ થયો હતો. પંજાબની ટીમે 16 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ મનોજ તિવારી અને ડેવિડ મિલરે પંજાબની ઈનિંગ સંભાળી. બંન્નેએ 7.1 ઓવરમાં 60 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને જાડેજાએ તોડી હતી. મનોજ તિવારી ધોનીના હાથે કેચઆઉટ થયો હતો. ત્યારબાદ ડેવિડ મિલર 24 રને બ્રાવોની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે