IPL 2018: રાયડુની અણનમ સદી, ચેન્નઈનો 8 વિકેટે ભવ્ય વિજય

આઈપીએલ સીઝન 11ની 46મી મેચમાં અંબાતી રાયડુની શાનદાર અણનમ સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો છે. 

 

IPL 2018: રાયડુની અણનમ સદી, ચેન્નઈનો 8 વિકેટે ભવ્ય વિજય

પુણેઃ અંબાતી રાયડુના ટી20 કેરિયરની પ્રથમ સદી (100*) અને શેન વોટસનના 57 રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે અહીં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો છે. હૈદરાબાદે જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈએ એક ઓવર બાકી રાખીને જીત મેળવી હતી. આ જીત સાથે ચેન્નઈના 16 અંક થઈ ગયા છે. હૈદરાબાદ 18 અંક સાથે ટેબલમાં ટોપ પર છે. ચેન્નઈના બેટ્સમેનો સામે હૈદરાબાદના બોલરો નિઃસહાય રહ્યાં હતા. રાયડુએ 7 ફોર અને 7 સિક્સની મદદથી 62 બોલમાં સદી ફટકારી હતી. 

હૈદરાબાદે આપેલા 180ના લક્ષ્ય હાસિલ કરવા માટે ચેન્નઈ તરફથી વોટસન અને રાયડુએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ એટેક ધરાવતી હૈદરાબાદના બોલરોની ધોલાઈ કરી હતી. બંન્નેએ મળીને પાવરપ્લેમાં 53 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. રાયડુ અને વોટસને સદીની ભાગીદારી કરી અને બંન્નેએ અર્ધસદી પુરી કરી હતી. હૈદરાબાદને પ્રથમ સફળતા રનઆઉટના રૂપમાં મળી હતી. ટીમનો સ્કોર 137 રન હતો ત્યારે વોટસન 57 રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે 35 બોલમાં 5 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ સુરેશ રૈના માત્ર બે રન બનાવી સંદીપ શર્માની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. 

આ પહેલા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, પુણેમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગના 46મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળતા હૈદરાબાદે ધવનના 79 અને કેપ્ટન કેનના 51 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 179 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુર બે, દીપક ચહલ અને બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી. 

ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો. હવામાં બોલ સ્વિંગ થયો હતો. ચેન્નઈના બોલરોએ પરિસ્થિતિનો ખૂબ લાભ ઉઠાવ્યો હતો. તેણે યોગ્ય લાઈન-લેન્થ પર બોલિંગ કરી. ત્રીજી ઓવરમાં ટીમનો સ્કોર જ્યારે 18 રન હતો ત્યારે એલેક્સ હેલ્સ2 રન બનાવીને દીપક ચહરની બોલિંગમાં આઉટ થયો હતો. 

ત્યારબાદ કેન વિલિયમસન અને ધવને સાથે મળીને હૈદરાબાદની ઈનિંગને સંભાળી. નવ ઓવરમાં ટીમનો સ્કોર 1 વિકેટે 51 રન હતો. ત્યારબાદ ટીમે ઝડપી રન બનાવવાની શરૂઆત કરી અને 13મી ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર થયો હતો. ધવને જાડેજાના બે બોલમાં બે સિક્સ ફટકારીને આઈપીએલ કેરિયરની 31મી અને આ સીઝનની ત્રીજી અર્ધસદી પુરી કરી હતી. 

હૈદરાબાદ માટે કેન અને ધવને ફરી એકવાર 100થી વધુની ભાગીદારી કરી હતી. આ દરમિયાન વિલિયમસને આઈપીએલ કેરિયરની 10મી અને આ સીઝનની સાતમી અર્ધસદી પુરી કરી હતી. હૈદરાબાદની ટીમનો સ્કોર 200 સુધી પહોંચશે તેમ લાગતું હતું ત્યારબાદ સતત બે ઝટકા લાગ્યા. શિખર ધવનને બ્રાવોએ હરભજનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ધવને 49 બોલમાં 10 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. 

ધવનને આઉટ થયા બાદ વિલિયમસન પણ 51 રનના સ્કોરે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં આઉટ થયો હતો. કેપ્ટન આઉટ થયા બાદ હૈદરાબાદની રન બનાવવાની ગતી ધીમી થઈ હતી. મનીષ પાંડે ફરી ફ્લોપ રહ્યો. તે માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news