Mr.Cool કેપ્ટન ધોનીએ આઈપીએલમાં મેળવી મોટી સિદ્ધિ, એબી ડિવિલિયર્સ-રૈનાને પાછળ છોડ્યા

મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુરુવારે રમાયેલી મેચમાં 13 બોલમાં 28 રનની અણનમ આક્રમક ઈનિંગ્સ રમી પોતાની ટીમને વિજય અપાવ્યો. આ ઈનિંગ્સ દરમિયાન ચેન્નઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટી સિદ્ધિ પોતાના નામે હાંસલ કરી લીધી છે.

Mr.Cool કેપ્ટન ધોનીએ આઈપીએલમાં મેળવી મોટી સિદ્ધિ, એબી ડિવિલિયર્સ-રૈનાને પાછળ છોડ્યા

મુંબઈ: મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હોય પરંતુ તેની આક્રમક બેટિંગનો જલવો હજુ પણ જોવા મળે છે. આ વાત છે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી આઈપીએલની 33મી મેચની. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટથી મુંબઈને પરાજય આપ્યો. પરંતુ આ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આક્રમક અંદાજ જોવા મળ્યો. જેમાં ધોનીએ 13 બોલમાં 28 રનની ઈનિંગ્સ રમી. જેમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. આ ઈનિંગ્સના કારણે મુંબઈની આશાઓને મોટો ઝટકો લાગ્યો. જ્યારે ચેન્નઈની આશા જીવંત રહી.

એક બોલર સામે સૌથી ઝડપી 100 રન:
પોતાની ટીમને વિજય અપાવનારા ધોનીએ આ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ધોની આઈપીએલના ઈતિહાસમાં કોઈ એક બોલર સામે સૌથી ઝડપી 100 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ધોનીએ સૌરાષ્ટ્રના બોલર જયદેવ ઉનડકટ સામે 42 બોલમાં 100 રન બનાવી લીધા છે. પહેલાં આ રેકોર્ડ સંયુક્ત રીતે સીએકેના સુરેશ રૈના, આરસીબીના એબી ડિવિલિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડના નામે હતો. સીએસકેના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાએ સંદીપ શર્મા સામે 47 બોલમાં 100 રન પૂરા કરી લીધા હતા. ગયા વર્ષે આઈપીએલની પૂર્ણાહુતિ પછી નિવૃતિ લેનારા એબી ડિવિલિયર્સે પણ સંદીપ શર્મા સામે 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. જ્યારે કિરોન પોલાર્ડની વાત કરીએ તો તેણે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન રવીન્દ્ર જાડેજા સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

એક બોલર સામે કોણે સૌથી ઝડપી 100 રન બનાવ્યા:
1. મહેન્દ્ર સિંહ ધોની, 42 બોલ
2. સુરેશ રૈના, 47 બોલ
3. એબી ડિવિલિયર્સ, 47 બોલ
4. કિરોન પોલાર્ડ, 47 બોલ

શેર કભી બુઢા નહીં હોતા:
ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં મુંબઈએ સાત વિકેટે 155 રન બનાવ્યા. જેમાં તિલક વર્માએ સૌથી વધારે અણનમ 51 રન બનાવ્યા. જ્યારે સૂર્યકુમાર યાદવે 32 રનનું યોગદાન આપ્યું. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મુકેશ ચૌધરીએ ત્રણ અને ડ્વેન બ્રાવોએ 2 વિકેટ ઝડપી. 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ચેન્નઈને છેલ્લા બોલે વિજય મળ્યો. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર સાબિત કર્યું કે શેર કભી બુઢા નહીં હોતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news