CSK Team રિવ્યૂ 2021: MS Dhoni ની ટીમની મજબૂતી જ તેની સૌથી મોટી નબળાઈ, કેવી રીતે જીતશે ટાઈટલ?
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલમાં નવી રીતે શરૂઆત કરવા માટે ઉતરશે. તેની પહેલી મેચ 10 એપ્રિલે મુંબઈમાં દિલ્લી કેપિટલ્સ સામે છે
Trending Photos
CSK શિડ્યૂલ 2021: મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલમાં નવી રીતે શરૂઆત કરવા માટે ઉતરશે. તેની પહેલી મેચ 10 એપ્રિલે મુંબઈમાં દિલ્લી કેપિટલ્સ સામે છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સની (CSK) ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ગયા વર્ષના ખરાબ સપનાને ભૂલાવીને આ વખતે દમદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે. સંયુક્ત આરબ અમીરાતમાં રમાયેલ 2020 ની ટુર્નામેન્ટમાં ત્રણ વખતની ચેમ્પિયન CSK પ્લેઓફમાં જગ્યા બનાવવામાં પણ નિષ્ફળ રહી હતી. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલી વાર હતું જ્યારે ધોનીની ટીમ પ્લે ઓફમાં પણ પ્રવેશી શકી ન હતી.
પહેલી મેચ ક્યારે
CSKની એપ્રિલથી શરૂ થનારી IPLમાં નવેસરથી શરૂઆત કરવા ઉતરશે. તેની પહેલી મેચ 10 એપ્રિલે મુંબઈમાં દિલ્લી કેપિટલ્સ સામે થશે.
મજબૂત પાસું
CSK નો મજબૂત પક્ષ તેની પાસે અનુભવી ખેલાડીઓ છે. જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને બહાર કાઢીને સફળતા અપાવે છે. ધોનીનું પ્રેરણાદાયી નેતૃત્વ ટીમનું અન્ય એક સકારાત્મક પાસું છે. સુરેશ રૈનાની વાપસીથી ટીમની બેટિંગ લાઈનઅપ મજબૂત બની છે. ગયા વર્ષે ટીમના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. રૈના સિવાય ફાફ ડુપ્લેસિસ, ધોની, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓની હાજરીમાં CSK ની બેટિંગ મજબૂત જોવા મળે છે. જ્યારે બોલિંગ આક્રમણ પણ સારું છે. જેમાં લુંગી એન્ગિડી, શાર્દુલ ઠાકુર, સેમ કરન, ઈમરાન તાહિર, રવીન્દ્ર જાડેજા અને દીપક ચહર જેવા બોલર છે.
સૌથી મોટી નબળાઈ
CSK ની ટીમમાં ઉંમરલાયક ખેલાડી છે અને ક્રિકેટના તેજતર્રાર ફોર્મેટ ટી-20 માં આ તેમની નબળાઈ સાબિત થઈ શકે છે. ધોની, રૈના, રાયડુ અને તાહિર જેવા તેના ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ ચૂક્યા છે અને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમતા નથી. એવામાં મેચ પ્રેક્ટિસની ખામી ટીમને ભારે પડી શકે છે. તે સિવાય ધોની પહેલાની જેમ ફિનિશરના રૂપમાં પહેલા જેવી ભૂમિકા ભજવી શકતો નથી. જેના કારણે ટીમને નુકસાન થયું છે.
કેમ ટીમ પાછળ પડતી જાય છે
ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડનું આઈપીએલ પહેલાં જ હટી જવું CSK માટે મોટો આંચકો છે. તે સિવાય જાડેજા પણ ઈજાના કારણે લાંબા વિરામ પછી વાપસી કરી રહ્યો છે અને જોવું પડશે કે તે કેટલી ઝડપથી લયમાં આવી શકે છે વેસ્ટ ઈન્ડિઝનો અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું વાપસી પછી સારું પ્રદર્શન ન કરવું અને તેની ઈજા CSK માટે ચિંતાનો વિષય રહેશે.
બદલવી પડશે રણનીતિ
આ વખતે IPL તટસ્થ સ્થળો પર રમાશે. CSK પોતાના સ્પિન વિભાગ પર ઘણું નિર્ભર છે અને એવામાં તેણે રણનીતિ બદલવી પડશે. ખાસ કરીને મુંબઈની વિકેટો પર જ્યાં ઝડપી બોલરોને મદદ મળે છે. CSK છેલ્લી સિઝનની અસફળતાથી વાપસી કરવા માટે કટિબદ્ધ છે. પરંતુ તેના માટે તેણે શરૂઆતથી જ સારું પ્રદર્શન કરવું પડશે. ઝડપથી ટીમ સંતુલન તૈયાર કરવું પણ તેના માટે મહત્વપૂર્ણ રહેશે. CSKને ગયા વર્ષે પોતાની નબળી બેટિંગના કારણે નુકસાન વેઠવું પડ્યું હતું. જો આ વિભાગમાં સુધારો કરવામાં નહીં આવે તો પછી તેની વાપસીની સંભાવના ઓછી થઈ જશે. એટલું જ નહીં ટીમને જીત અપાવવા માટે તેના ઝડપી બોલરોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુપ્લેસિસ, ઈમરાન તાહિર, એન.જગદીશન, કર્ણ શર્મા, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટેનર, રવીન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, આર સાઈ કિશોર, મોઈન અલી, કે.ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા, સી હરિ નિશાંત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે