World Cup 2019 Final: દિલધડક ફાઇનલમાં પ્રથમવાર ઈંગ્લેન્ડ બન્યું ક્રિકેટનું બાદશાહ

World Cup 2019 Final: દિલધડક ફાઇનલમાં પ્રથમવાર ઈંગ્લેન્ડ બન્યું ક્રિકેટનું બાદશાહ

લંડનઃ આઈસીસી વિશ્વકપ-2019ના વિશ્વકપનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો છે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની ગઈ છે. આ સાથે 1996 બાદ ક્રિકેટને નવું ચેમ્પિયન મળી ગયું છે. મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 15 રન બનાવ્યા હતા. તો ન્યૂઝીલેન્ડની ટીમ પણ સુપર ઓવરમાં 15 રન બનાવી શકી હતી. જેથી સુપર ઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમ ઈંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનાત બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા 15 રન બનાવ્યા હતા. તેના માટે બટલર અને સ્ટોક્સે બેટિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે બોલિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલ અને જિમી નીશમે બેટિંગ કરી હતી. બંન્નેએ 15 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચરે બોલિંગ કરી હતી. વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધાર પર ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. 

ઈંગ્લેન્ડ પ્રથમ વખત બન્યું વિશ્વ વિજેતા
આ સાથે ક્રિકેટનું જનક ઈંગ્લેન્ડે પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ આ પહેલા ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી. તે ત્રણેય વખત હારી હતી. 

ક્રિકેટને 1996 બાદ મળી નવી વિશ્વ ચેમ્પિયન ટીમ
આ સાથે ક્રિકેટને નવો વિશ્વ ચેમ્પિયન મળી ગયો છે. છેલ્લે 1996ના વિશ્વકપમાં શ્રીલંકાની ટીમ વિજેતા બની હતી. તો આ સાથે સતત ત્રીજો એવો વિશ્વ કપ છે, જેમાં યજમાન ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. 

વિશ્વકપ ફાઇનલ ટાઇ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં મેચ ટાઈ રહી હતી. ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી. ટ્રેન્ટ બોલ્ટ બોલિંગ કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડ અંતિમ ઓવરમાં 14 રન બનાવી શકતા મેચ ટાઈ થઈ હતી. આ વિશ્વકપની પ્રથમ ફાઇનલ છે, જે ટાઈમાં પરિણમી છે. 

બેન સ્ટોક્સની લડાયક ઈનિંગ
બેન સ્ટોક્સે છેલ્લે સુધી શાનદાર બેટિંગ કરી હતી. તેણે જોસ બટલર સાથે સદીની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બેન સ્ટોક્સ 84 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 98 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

જોસ બટલર-બેન સ્ટોક્સ વચ્ચે 110 રનની ભાગીદારી
ઈંગ્લેન્ડે 86 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સ અને જોસ બટલર (59)એ પાંચમી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 196 રન હતો ત્યારે બટલર લોકી ફર્ગ્યુસનની ઓવરમાં આઉટ થયો હતો. બટલરે 60 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા હતા.  

ઈંગ્લેન્ડનું ટોપ ઓર્ડર ફેલ
ઈંગ્લેન્ડને દરેક મેચમાં શાનદાર શરૂઆત અપાવનાર જેસન રોય અને જોની બેયરસ્ટો મહત્વની મેચમાં ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈંગ્લેન્ડે છઠ્ઠી ઓવરમાં જેસન રોય (17)ની વિકેટ ગુમાવી હતી. મેટ હેનરીએ વિકેટકીપર ટોમ લાથમના હાથે કેચ કરાવીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ જો રૂટ (7)ને ગ્રાન્ડહોમે વિકેટકીપરના હાથે કેચ કરાવીને કીવીને બીજી સફળતા અપાવી હતી. જોની બેયરસ્ટો (36)ને ફર્ગ્યુસને બોલ્ટ કર્યો હતો. તેણે 55 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગન (9)ને જિમી નીશામે લોકી ફર્ગ્યુસનના હાથે કેચ કરાવીને યજમાનને ચોથો ઝટકો આપ્યો હતો. 

નિકોલ્સે કરિયરની 9મી અડધી સદી ફટકારી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ પર 241 રન બનાવ્યા હતા. તેના માટે હેનરી નિકોલ્સે 55 અને ટોમ લાથમે 47 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માટે લિયામ પ્લંકેટ અને ક્રિસ વોક્સે 3-3 વિકેટ ઝડપી હતી. નિકોલ્સે વિશ્વકપમાં પ્રથમ અને કરિયરની 9મી અડધી સદી ફટકારી હતી.

વિલિયમસન અને નિકોલ્સ વચ્ચે અડધી સદીની ભાગીદારી
કેન વિલિયમસન 30 રન બનાવી આઉટ થયો હતો. તેને લિયમ પ્લંકેટે વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ કરાવ્યો હતો. વિલિયમસને નિકોલ્સની સાથે બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. રોસ ટેલર 15 રન બનાવી માર્ક વુડની ઓવરમાં LBW આઉટ થયો હતો. જિમી નીશમ 19 રન બનાવી પ્લંકેટનો શિકાર બન્યો હતો. કોલિન ડિ ગ્રાન્ડહોમ (16)ને ક્રિસ વોક્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

ગુપ્ટિલ સતત 9મી ઈનિંગમાં ફેલ
ન્યૂઝીલેન્ડે પ્રથમ વિકેટ માર્ટિન ગુપ્ટિલ (19)ની ગુમાવી હતી. તેને ક્રિસ વોક્સે LBW આઉટ કર્યો હતો. ગુપ્ટિલ સતત 9મી ઈનિંગમાં અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે છેલ્લે શ્રીલંકા વિરુદ્ધ વિશ્વકપની મેચમાં અડધી સદી ફટકારી હતી. 

ન તૂટ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ
સચિન તેંડુલકરે 2003ના વિશ્વકપમાં 673 રન બનાવ્યા હતા. આજની મેચમાં કેન વિલિયમસન અને જો રૂટની પાસે તેનો રેકોર્ડ તોડવાની તક હતી. પરંતુ વિલિયમસન 30 અને જો રૂટ 7 રન બનાવી આઉટ થઈ ગયા હતા. આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર રોહિત શર્મા (647) અને ડેવિડ વોર્નર (647) પણ સચિનનો રેકોર્ડ તોડવાનું ચુકી ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news