સ્મૃતિ મંધાનાએ લગાવી 10 સ્થાનની છલાંગ, પોતાના કેરિયરની બેસ્ટ રેકિંગ પર પહોંચી

ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ લાંબી છલાંગ લગાવતા આઈસીસીની મહિલા વનડે રેકિંગમાં ચોથું સ્થાન મેળવી લીધું છે. 

Updated By: Apr 16, 2018, 03:34 PM IST
 સ્મૃતિ મંધાનાએ લગાવી 10 સ્થાનની છલાંગ, પોતાના કેરિયરની બેસ્ટ રેકિંગ પર પહોંચી
સ્મૃતિ મંધાનાને હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવાનો ફાયદો મળ્યો છે. (ફાઇલ ફોટો)

દુબઈઃ ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના લાંબી છલાંગ લગાવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની મહિલા વનડે બેટ્સમેન રેકિંગમાં ચોથું સ્થાન મેળવી લીધું છે. આ મંધાનાના કેરિયરની શ્રેષ્ઠ રેકિંગ છે. તે પ્રથમવાર ટોપ-5માં સ્થાન મેળવી શકી છે. ભારતીય ક્રિકેટ ટીમની 21 વર્ષિય બેટ્સમેન મંધાનાએ 10 સ્થાનની છલાંગ લગાવતા આઈસીસી વનડે રેકિંગમાં ચોથું સ્થાન હાસિલ કર્યું છે. 

આ રેકિંગમાં ઓસ્ટ્રેલિયાની એલીસે પૈરી પ્રથમ, ન્યૂઝીલેન્ડની સૂજી બેત્સ બીજા અને ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ ત્રીજા સ્થાન પર છે. આ સિવાય મંધાનાની ટીમની સાથી ખેલાડી દીપ્તિ શર્માએ વનડે ઓલરાઉન્ડરની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેમાં પણ ઓસ્ટ્રેલિયાની પૈરી પ્રથમ સ્થાને છે. વિન્ડીઝની સ્ટેફની ટેલર બીજા સ્થાને છે. 

મંધાનાએ આ વર્ષે અત્યાર સુધી રમાયેલી નવ ઈનિંગમાં 531  રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદી સામેલ છે. દીપ્તિએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી શ્રેણીમાં 104 રન બનાવ્યા હતા. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણી ભારતે 2-1થી પોતાના નામે કરી હતી. જેમાં સ્મૃતિનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પ્રથમ મેચમાં તેણે 86, બીજી વનડેમાં 42 અને  ત્રીજી વનડેમાં 53 રનની ઈનિંગ રમી હતી. આમ તેણે શ્રેણીમાં 181 રન બનાવ્યા હતા.