IND vs SA: સાઉથ આફ્રિકાના મજબૂત બેટરો ભારત સામે ધરાશાયી, ટીમ ઈન્ડિયાનો 243 રને 'મહાવિજય'
World Cup 2023: ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપ-2023માં પોતાની વિજય યાત્રા યથાવત રાખતા ટૂર્નામેન્ટની મજબૂત ગણાતી સાઉથ આફ્રિકી ટીમને કારમો પરાજય આપ્યો છે. કોલકત્તામાં રમાયેલી મેચમાં ભારતે 243 રને મહા વિજય મેળવ્યો હતો.
Trending Photos
કોલકત્તાઃ વિરાટ કોહલીની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ આઈસીસી વિશ્વકપ-2023માં સાઉથ આફ્રિકાને 243 રને પરાજય આપી સતત આઠમી જીત મેળવી છે. સેમીફાઈનલમાં પહોંચી ચુકેલી ટીમ ઈન્ડિયા હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહીને લીગ રાઉન્ડની સમાપ્તિ કરશે. ભારતે આજે ટૂર્નામેન્ટની બીજી સર્વશ્રેષ્ઠ ટીમ આફ્રિકાને કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધૂળ ચટાવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત નંબર-1 ટીમ
સાઉથ આફ્રિકાને હરાવી ભારતે ટૂર્નામેન્ટમાં સતત આઠમી જીત મેળવી છે. ભારતના 16 પોઈન્ટ થઈ ગયા છે અને ભારતે એક મેચ નેધરલેન્ડ સામે રમવાની બાકી છે. ભારતની જીતથી તે નક્કી થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-1 ટીમ તરીકે પોતાના લીગ રાઉન્ડનો અંત કરશે. એટલે કે સેમીફાઈનલમાં ભારતની ટક્કર ચોથા નંબરની ટીમ સાથે થશે. જ્યારે ભારત સામે હાર બાદ આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક ગુમાવી દીધી છે.
ભારતીય બોલરોનો તરખાટ
ભારતે આપેલા 327 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં ડિ કોક (5) રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ નવમી ઓવરમાં ટેમ્બા બવૂમા 11 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. મોહમ્મદ શમીએ એડન માર્કરમ (9) ને આઉટ કરાવી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. પાવરપ્લેમાં આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી 35 રન બનાવ્યા હતા.
મોહમ્મદ શમી અને જાડેજાનો કમાલ
પાવરપ્લે બાદ પણ આફ્રિકાનો વિકેટ પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. ટીમનો સ્કોર 40 રન હતો ત્યારે હેનરિક ક્લાસેન 1 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શમીએ રાસી વાન ડર ડુસેન (13) ને LBW આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ઈનિંગની 17મી ઓવરમાં જાડેજાએ ડેવિડ મિલર (11) ને ક્લિન બોલ્ડ કર્યો હતો. આફ્રિકાએ 59 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.
જાડેજાએ ઝડપી પાંચ વિકેટ
માર્કો યાન્સેન 14 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. કેશવ મહારાજ (7) ને જાડેજાએ ક્લિન બોલ્ડ કર્યો હતો. રવિન્દ્ર જાડેજા ભારત તરફથી સૌથી સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 29 રન આપી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. જાડેજા યુવરાજ બાદ વિશ્વકપમાં પાંચ વિકેટ ઝડપનાર બીજો ભારતીય સ્પિનર બની ગયો છે. રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં 1 મેડન સાથે 33 રન આપી પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવને 2, શમીને બે તથા સિરાજને એક વિકેટ મળી હતી.
વિરાટ કોહલીની સદી
વિરાટ કોહલીએ આફ્રિકા સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ કોહલીના વનડે કરિયરની 49મી સદી છે. આ સાથે કોહલીએ સચિનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે પણ પોતાના વનડે કરિયરમાં 49 સદી ફટકારી હતી. કોહલીએ પોતાના જન્મ દિવસના દિવસે સદી ફટકારી હતી.
પાવરપ્લેમાં ભારતની આક્રમક શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. પ્રથમ ઓવરથી જ કેપ્ટન રોહિત શર્માએ ફટકાબાજી શરૂ કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે છઠ્ઠી ઓવરમાં 62 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 24 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ ગિલ અને કોહલીએ ઈનિંગ સંભાળી હતી. પ્રથમ પાવરપ્લે બાદ ભારતે 1 વિકેટે 91 રન બનાવ્યા હતા.
વિરાટ અને અય્યર વચ્ચે સદીની ભાગીદારી
પાવરપ્લે બાદ આફ્રિકાને બીજી સફળતા મળી હતી. શુભમન ગિલ 24 બોલમાં 23 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. શરૂઆતમાં બંનેએ ધીમી બેટિંગ કરી ત્યારબાદ અય્યરે મોર્ચો સંભાળ્યો હતો. શ્રેયસ અય્યર 87 બોલમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 77 રન બનાવી આઉટ થયો હતો.
જાડેજા-સૂર્યાની ઈનિંગની મદદથી ભારતનો સ્કોર 300ને પાર
કેએલ રાહુલ 17 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ શમ્સીનો શિકાર બન્યો હતો. રવિન્દ્ર જાડેજાએ અંતમાં 15 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે અણનમ 29 રન ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે