Ind Vs Aus 1st Test: ભારતે માત્ર 3 દિવસમાં જીતી ટેસ્ટ, અશ્વિન-જાડેજા આગળ ઓસ્ટ્રેલિયા ધૂંટણિયે પડ્યું

Ind Vs Aus 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium) ખાતે રમાઈ જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 3 જ દિવસમાં ધૂળ ચટાડી દીધી અને સજ્જડ હારનો સામનો કરાવ્યો.

Ind Vs Aus 1st Test: ભારતે માત્ર 3 દિવસમાં જીતી ટેસ્ટ, અશ્વિન-જાડેજા આગળ ઓસ્ટ્રેલિયા ધૂંટણિયે પડ્યું

Ind Vs Aus 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium) ખાતે રમાઈ જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 3 જ દિવસમાં ધૂળ ચટાડી દીધી અને સજ્જડ હારનો સામનો કરાવ્યો. ભારતની જીતમાં સ્પીનર્સ આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો સિંહફાળો છે. બીજી ઈનિંગમાં અશ્વિનની બોલિંગનો ઓસ્ટ્રેલિયાના બેટર્સ પાસે કોઈ તોડ જ નહતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પત્તાની જેમ વિખરાઈ ગઈ. પહેલી મેચ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ હવે સિરીઝ પર 1-0ની લીડ મેળવી લીધી છે. 

91 રનમાં ઓલઆઉટ
બીજી  ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા રવિચંદ્રન અશ્વિનની કાતિલ બોલિંગ સામે નતમસ્તક થઈ ગયું. અશ્વિને 5 વિકેટ લીધી જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ આવી હારની કલ્પના પણ નહીં કરી હોય. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 91 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ ભારત આ ટેસ્ટ મેચ માત્ર 3 જ દિવસમાં એક ઈનિંગ અને 132 રનથી જીતી ગયું. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટીવ સ્મિથે બનાવ્યા. તેમણે 25 રનનું યોગદાન આપ્યું. જ્યારે માર્નસ લાબુસેને 17 રન કર્યા. 

What a start to the Border-Gavaskar Trophy 2023 👌🏻

— BCCI (@BCCI) February 11, 2023

ટોસ જીતીને પહેલા લીધી હતી બેટિંગ
ઓસ્ટ્રેલિયાએ મેચના પહેલા દિવસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બિલકુલ ખોટો સાબિત થયો. ભારતીય સ્પીનર્સ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટકી શક્યા નહીં અને પહેલી ઈનિંગમાં  આખી ઓસ્ટ્રેલિયન ટીમ 177 રન પર ઓલઆઉટ થઈ ગઈ. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને ફાળે 1-1 વિકેટ ગઈ હતી. 

રોહિત શર્માની સદી
ત્યારબાદ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાએ 400 રન કર્યાં. રોહિત શર્માએ 120 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બોલિંગની સાથે સાથે બેટિંગ પણ શાનદાર કરી દેખાડી. જાડેજાએ 70 રન કર્યાં. જાડેજાને અક્ષર પટેલનો પણ સાથ મળ્યો. અક્ષર પટેલે 84 રનનું યોગદાન આપ્યું. તેણે શમીની સાથે 52 રનની ભાગીદારી કરી. જો કે શમી વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં અને 47 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન કરીને આઉટ થઈ ગયો હતો. શમીને પણ મર્ફીએ જ પોતાનો શિકાર બનાવ્યો અને એલેક્સ કેરીના હાથમાં શમીને કેચ આઉટ કરાવી દીધો હતો. 

ભારતના પહેલા દાવનો 400 રને અંત  આવ્યો. આમ ભારતને 223 રનની જે કિંમતી લીડ મળી હતી તે નિર્ણાયક સાબિત થઈ. ભારતનો પહેલો દાવ 139.3 ઓવરમાં 400 રન પર સમાપ્ત થઈ ગયો. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો કોઈ પણ બેટર ભારતીય સ્પીનર્સ સામે ટકી શક્યો નહીં અને આખરે આખી ટીમ 100 રન પણ કરી શકી નહીં અને 91માં ઓલઆઉટ થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news