ENG vs IND: ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ ખતરનાક ઓલરાઉન્ડરની થઈ વાપસી

ભારત સામે ઓવલમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર થઈ ગઈ છે. આ મેચ માટે યજમાન ટીમમાં ક્રિસ વોક્સની વાપસી થઈ છે. 
 

ENG vs IND: ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ ખતરનાક ઓલરાઉન્ડરની થઈ વાપસી

લંડનઃ ભારત સામે આગામી (ENG vs IND) 2 સપ્ટેમ્બરથી ઓવલમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમમાં શાનદાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સની વાપસી થઈ છે. તો પોતાના બીજા બાળકના જન્મને કારણે જોસ બટલર ટીમ સાથે રહેશે નહીં. જોસ બટલરના બેકઅપ તરીકે ટીમમાં સેમ બિલિંગ્સને સામેલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે લીડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ અને 76 રનથી પરાજય આપી શ્રેણી 1-1થી બરોબર કરી લીધી છે. 

ટીમમાં ક્રિસ વોક્સની વાપસી
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ચોથી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. જેમાં ઓલરાઉન્ડર ક્રિસ વોક્સની વાપસી થઈ છે. મહત્વનું છે કે વોક્સ છેલ્લા ઘણા સમયથી ઈજાને કારણે બહાર હતો. તો ત્રીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત માર્ક વુડ પણ ફિટ થઈ ગયો છે. જોસ બટલર પિતા બનવાનો હોવાથી ચોથી ટેસ્ટ મેચમાં રમશે નહીં. તેના સ્થાને સેમ બિલિંગ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ક્રિગ ઓવરટન અને ઓલી રોબિન્સન પણ ટીમ સાથે છે. 

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, સેમ કરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, ડેવિડ મલાન, ક્રિગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, માર્ક વુડ, ક્રિસ વોક્સ અને સેમ બિલિંગ્સ.

ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય
હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ ઈનિંગ અને 76 રને પરાજયનો સામનો કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 432 રન બનાવી 354 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતની સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news