IPL 2019: ચેન્નઈ નહીં હૈદરાબાદમાં રમાશે ફાઇનલ, પ્લેઓફની તારીખો પણ જાહેર

આઈપીએલ 2019ના પ્લેઓફની તારીખો અને મેદાનોની જાહેરાત કરી દેવામાં આવશે. આઈપીએલનો ફાઇનલ 12 મેએ હૈદરાબાદમાં રમાશે. 
 

IPL 2019: ચેન્નઈ નહીં હૈદરાબાદમાં રમાશે ફાઇનલ, પ્લેઓફની તારીખો પણ જાહેર

નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સિઝનનો ફાઇનલ મુકાબલો 12 મેએ રમાશે. હવે આ મેચ ચેન્નઈની જગ્યાએ હૈદરાબાદમાં યોજાશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA)એ સરકાર પાસેથી MA ચિદમ્બરમ સ્ટેડિયમના બંધ પડેલા ત્રણ સ્ટેન્ડને દર્શકો માટે ખોલવાની મંજૂરી ન મળી શકી, ત્યારબાદ ટૂર્નામેન્ટના ફાઇનલ મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

સામાન્ય રીતે ગત સિઝનની વિજેતા ટીમ જ આ લીગના ફાઇનલ મેચની યજમાની કરે છે. ગત સિઝનમાં ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી અને તેવામાં આ સિઝનનો ફાઇનલ મેચ ચેન્નઈમાં રમાવાનો હતો. 

પરંતુ ચેન્નઈની ટીમની પાસે પ્લેઓફ રાઉન્ડમાં પોતાના ઘરમાં રમવાની એક તક હશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને ચાલી રહેલી ચેન્નઈની ટીમ જો લીગ સ્ટેજ બાદ પ્રથમ બે સ્થાનો પર આવે છે, તો પોતાના ઘરમાં ક્વોલિફાયર મેચ રમશે. પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે) વિશાખાપટ્ટનમમાં રમાશે. 

પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે સોમવારે જણાવ્યું કે, ટીએનસીએએ અમને જાણકારી આપી છે કે, તેને એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ (આઈ, જે અને કે)ને ખોલવાની મંજૂરી મળી નથી. તેથી અમે આ મેચોને ચેન્નઈની જગ્યાએ હૈદરાબાદમાં શિફ્ટ કર્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news