'ફ્લાઈંગ શીખ' મિલ્ખા સિંહ પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ચંડીગઝની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષીય મિલ્ખા સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા.   

Updated By: Jun 19, 2021, 06:02 PM IST
'ફ્લાઈંગ શીખ' મિલ્ખા સિંહ પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

ચંડીગઢઃ ભારતના મહાન સ્પ્રિન્ટર મિલ્ખા સિંહના ચંડીગઢમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ચંડીગઢના મટકા ચોક સ્થિત સ્મશાન ઘાટમાં કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ અને પંજાબના ખેલમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પહેલા પંજાબના મુખ્યમંક્રી કેપ્ટમ અમરિંદર સિંહે તેમને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપી હતી. મિલ્ખા સિંહના સન્માનમાં પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 

મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ચંડીગઝની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષીય મિલ્ખા સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા તેમના પત્ની નિર્મલ કૌરનું પણ કોરોનાથી નિધન થયું હતું. 

દેશમાં શોકની લહેર
મિલ્ખા સિંહના નિધનની સાથે એક યુગના અંત પર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત દેશભરના લોકોએ શોક પાઠવ્યો છે. રામનાથ કોવિંદે કહ્યુ કે, તેમના સંઘર્ષની કહાની ભારતની આવનારી પેઢીઓને પ્રેરિત કરશે. 

રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યુ- રમતોના મહાનાયક મિલ્ખા સિંહના નિધનથી દુખી છું. તેમના સંઘર્ષની કહાની ભારતીયોની આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ, મિલ્ખા સિંહ જીના નિધનથી આપણે એક મોટા ખેલાડી ગુમાવી દીધા છે, જેમનું અસંખ્ય ભારતીયોના દિલમાં વિશેષ સ્થાન હતું. પોતાના પ્રેરક વ્યક્તિત્વથી લાખોના વહાલા હતા. તેમના નિધનથી દુખી છું. 

ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા મિલ્ખા સિંહે 1958 રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1960 રોમ ઓલિમ્પિકમાં રહ્યું જેમાં તેઓ 400 મીટર ફાઇનલમાં ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. 1959માં તેમનું સરકારે પદ્મ શ્રી આપી સન્માન કર્યું હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube