પોતાના દમ પર ચેમ્પિયન નથી બન્યું ઈંગ્લેન્ડ, આ ચાર 'વિદેશીઓ'એ અપાવ્યું ટાઇટલ

ઈંગ્લેન્ડને ક્રિકેટનું વિશ્વ ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન ઇયોન મોર્ગન, ઓપનિંગ બેટ્સમેન જેસન રોય, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ આ ચારેય ખેલાડી ઈંગ્લેન્ડના નથી. 

Updated By: Jul 15, 2019, 04:57 PM IST
પોતાના દમ પર ચેમ્પિયન નથી બન્યું ઈંગ્લેન્ડ, આ ચાર 'વિદેશીઓ'એ અપાવ્યું ટાઇટલ
ફોટો સાભાર (@cricketworldcup)

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019ની ટ્રોફી ઈંગ્લેન્ડના નામે થઈ ગઈ છે. રવિવારે લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપીને 44 વર્ષ બાદ ઈંગ્લેન્ડ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. ઈંગ્લેન્ડની ટીમે જે ખેલાડીઓની મદદથી બાદશાહત હાસિલ કરી, તેમાંથી 4 મુખ્ય ખેલાડી ઈંગ્લેન્ડથી નથી. 

કેપ્ટન ઇયોન મોર્ગનની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમે વિશ્વ કપમાં ધમાકેદાર પ્રારંભ કર્યો હતો, પરંતુ લીગ મુકાબલામાં વચ્ચે ટીમની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે તેનું સેમિફાઇનલમાં પહોંચવાનું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ ટીમે શાનદાર વાપસી કરતા ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કરી લીધું છે. 

ઈંગ્લેન્ડના વિશ્વ વિજેતા બનવાની સફરમાં કેપ્ટન ઇયોન મોર્ગન, ઓપનિંગ બેટ્સમેન જેસન રોય, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે મહત્વની ભૂમિકા નિભાવી, પરંતુ આ ચારેય ખેલાડી ઈંગ્લેન્ડના નથી. ફાઇનલમાં બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે કમાલ કર્યો તો ઘણી મહત્વની મેચમાં જેસન રોય અને કેપ્ટન મોર્ગને ટીમને જીત અપાવી હતી. 

ક્યાંના છે આ ચારેય ખેલાડી 

ઇયોન જોસફ ગેરાર્ડ મોર્ગન

જન્મ 10/9/1986, ડબલિન, આયર્લેન્ડ

વિશ્વકપમાં પ્રદર્શન- 11 મેચની 10 ઈનિંગમાં 371 રન બનાવ્યા. 

જેસન રોય

જન્મ 21/7/1990, ડરબન, દક્ષિણ આફ્રિકા

વિશ્વ કપ મેચમાં પ્રદર્શન- 8 મેચની 7 ઈનિંગમાં 443 રન બનાવ્યા. 

બેન્ઝામિન એંડ્રયૂ સ્ટોક્સ

જન્મ 4/6/1991, ક્રાઇસ્ટચર્ચ, ન્યૂઝીલેન્ડ

વિશ્વ કપમાં પ્રદર્શન- 11 મેચની 10 ઈનિગંમાં 465 રન બનાવ્યા. આ સાથે 7 વિકેટ પણ ઝડપી. 

જોફ્રા આર્ચર

જન્મ 1/4/1995, બ્રિજટાઉન, બારબાડોસ

વિશ્વ કપમાં પ્રદર્શન- જોફ્રા આર્ચરે આ ટૂર્નામેન્ટમાં 21 વિકેટ ઝડપી. 

... તો ઓવર થ્રો પર અમ્પાયરોએ લીધો ખોટો નિર્ણય, 5ની જગ્યાએ ઈંગ્લેન્ડને આપવામાં આવ્યા 6 રન?

રવિવારે લોર્ડ્સમાં રમાયેલી વિશ્વ કપ ફાઇનલ મેચ રોમાંચક રહી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8/241 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50મી ઓવરના અંતિમ બોલ પર 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચનો નિર્ણય સુપર ઓવરમાં ગયો, જેમાં ફરી બંન્ને ટીમોએ બરાબર 15-15 રન બનાવ્યા, પરંતુ ન્યૂઝીલેન્ડની તુલનામાં બાઉન્ડ્રી વધુ ફટકારવાના કારણે ઈંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.