PAKVsBAN: નસીમ શાહની હેટ્રિક, પાકિસ્તાને બાંગ્લાદેશને ઈનિંગ અને 44 રને હરાવ્યું
નસીમ શાહે 16 વર્ષ 359 દિવસની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપી છે. તેના આ પ્રદર્શનને કારણે તેને મેન ઓપ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ Pakistan vs Bangldesh Test: યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ સિરીઝના પ્રથમ મુકાબલામાં યજમાન પાકિસ્તાને બાંગ્લાદેશને કારમો પરાજય આપ્યો છે. પાકિસ્તાને બાંગ્લાદેશને ઈનિંગ અને 44 રનથી હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહે હેટ્રિક ઝડપીને ઈતિહાસ રચ્યો છે. નસીમ શાહ સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર વિશ્વનો પહેલો બોલર બની ગયો છે.
રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન અઝહર અલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. તેવામાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 82.5 ઓવરમાં 233 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ મિથુને 63 રન બનાવ્યા, જ્યારે નજમુલ હુસેન 44 અને લિટન દાસે 33 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી પ્રથમ ઈનિંગમાં આહીન આફ્રિદીએ 4, મોહમ્મદ અબ્બાસ અને હારિશ સોહેલે બે-બે વિકેટ ઝડપી જ્યારે નસીમ શાહને એક સફળતા મળી હતી.
બે વખત ઓલઆઉટ થઈ ગઈ બાંગ્લાદેશની ટીમ
233 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 122.5 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવી 445 રન બનાવ્યા હતા. યજમાન તરફથી બાબર આઝમે 143, શાન મસૂદે 100, હારિસ સોહેલે 75 અને અસદ શફીકે 65 રનનું યોગદાન આપ્યું હતું. તો બાંગ્લાદેશ તરફથી અબુ જાયેદ અને રુબેલ હુસેને ત્રણ-ત્રણ વિકેટ પોતાના નામે કરી, જ્યારે 2 વિકેટ તઇજુલ ઇસ્લામ અને એક વિકેટ ઇબાદત હુસેનને મળી હતી. આ રીતે પાકિસ્તાનની ટીમને 212 રનની વિશાળ લીડ મળી હતી.
બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...
બાંગ્લાદેશની ટીમ બીજી ઈનિંગમાં 62.2 ઓવરમાં 168 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ તેણે ઈનિંગ અને 44 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન તરફથી બીજી ઈનિંગમાં નસીમ શાહે હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપી હતી. યાસિર શાહને પણ 4 સફળતા મળી હતી. આ સિવાય શાહીન આફ્રિદી અને મોહમ્મદ અબ્બાસને એક-એક વિકેટ મળી હતી. નસીમ શાહે 16 વર્ષ 359 દિવસની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપી છે. તેના આ પ્રદર્શનને કારણે તેને મેન ઓપ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે