પાકિસ્તાનને મળી એશિયા કપ 2020ની યજમાની, BCCIએ ઉઠાવ્યો વાંધો

એશિયા કપની આગામી સિઝનની યજમાની પાકિસ્તાનને મળી છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર વાંધો ઉઠાવ્યો છે. 

પાકિસ્તાનને મળી એશિયા કપ 2020ની યજમાની, BCCIએ ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર 2020મા યોજાનારા એશિયા કપની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળી છે.  બીસીસીઆઈએ પાકિસ્તાનને કહ્યું કે, તે આ ટૂર્નામેન્ટના આયોજન સ્થળમાં ફેરફાર કરે. ગુરૂવારે ઢાકામાં  એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈ દ્વારા આ સંદેશ પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. 

ભારતને એશિયા કપ 2018ની યજમાની મળી હતી પરંતુ ત્યારબાદ ટૂર્નામેન્ટને યૂએઈમાં  શિફ્ટ કરવામાં  આવી હતી. હવે પાકિસ્તાનને પણ તે માટે કહેવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય  સંબંધોમાં આવેલા તણાવ બાદ બીસીસીઆઈ કોઈ ટૂર્નામેન્ટમાં ભારતના ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવા  માટે મોકલતું નથી. જેથી આ વખતે પણ ભારતે ટૂર્નામેન્ટ શિફ્ટ કરવાની વાત કરી છે. તેવામાં લાવી રહ્યું છે  કે, 2020ની ટૂર્નામેન્ટ પણ યૂએઈમાં શિફ્ટ કરવામાં આવશે. 

સત્તાવાર રીતે પાકિસ્તાન કહી રહ્યું છે કે, તેના દેશમાં ક્રિકેટ રમવું સુરક્ષિત છે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆતમાં  હજુ ઘણો સમય છે અને પાકિસ્તાનને સ્થિતિ સુધરવાની આશા છે. પરંતુ બીજીતરફ ભારત ઝુકવા માટે  તૈયાર નથી. પાકિસ્તાને અંતે બીસીસીઆઈની માંગ પર નમતુ આપવું પડે તેમ છે. આ પહેલા  બીસીસીઆઈએ સુરક્ષા કારણોથી એસીસીની એજીએમ માટે લાહોરમાં પોતાનો પ્રતિનિધિ મોકલવાની ના  પાડી દીધી હતી.

આ પહેલા ઢાકામાં યોજાયેલી એશિયા ક્રિકેટ કાઉન્સિલ બેઠકમાં તેના પર નિર્ણય લેવામાં આવ્યો કે, એશિયા  કપની યજમાની પાકિસ્તાનને આપવામાં આવે. એસીસી અધ્યક્ષ નજમુલ હસને કહ્યું, 2020 એશિયા કપ  પાકિસ્તાનમાં યોજાશે. તે યજમાન છે, તેથી તેનું આયોજન ક્યાં કરવું તે અમને જણાવશે. 

માનવામાં આવી રહ્યું છે કે, પીસીબી તેનું આયોજન યૂએઈમાં કરાવી શકે છે. વર્ષ 2009મા શ્રીલંકન ટીમ પર  થયેલા હુમલા બાદ પાકિસ્તાન પોતાના ઘરેલૂ મેચ યૂએઈમાં રમી રહ્યું છે. હાલમાં દુબઈ અને અબુધાબીમાં  એશિયા કપ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં એ વાતની સંભાવના વધી ગઈ છે કે, આગામી  સિઝન અહીં રમાઇ શકે છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય અને ક્રિકેટીય સંબંધ સારા નથી. બંન્ને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય  સિરીઝ 2012-13મા રમાઈ હતી. ત્યારબાદ ભારત-પાક માત્ર ક્ષેત્રિય તથા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં  આમને-સામને થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news