T-20 World Cup રમવા ઓસ્ટ્રેલિયા ઉપડી Team India, કોણ હશે 15મો પ્લેયર?
મિશન મેલબર્ન માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા રવાના થઈ ચુકી છે. 15માં ખેલાડી અંગે હજુ પણ સસપેન્સ યથાવત છે. કેમ બાકી ટીમો કરતા પહેલાં ટીમ ઈન્ડિયા પહોંચી રહી છે ઓસ્ટ્રેલિયા એ પણ જાણો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર ટીમ ઈન્ડિયા પાસે મોકે છે વર્લ્ડ કપ ઘરે લાવવાનો. આ વખતે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટી-20 ક્રિકેટમાં પોતાનો ઈતિહાસ રીપીટ કરી શકે છે. એ જ સપનું સાકાર કરવા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ પર સવાર થઈ ગઈ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા મિશન મેલબર્ન સર કરવા માટે ઓસ્ટ્રેલિયા ટૂર પર રવાના થઈ ચુકી છે. BCCIએ એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. BCCI દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં 14 ખેલાડીઓ સહિત કોચ સ્ટાફ ફોર્મલ્સમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે “Picture perfect lets do it.”
ટીમ ઈન્ડિયા 15માં ખેલાડી વગર ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે. હજુ સુધી BCCI દ્વારા જસપ્રિત બુમરાહના રિપ્લેસમેન્ટને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, કોચ અને કેપ્ટને નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે તેમની પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે અને તેઓ મોહમ્મદ શમીની ફિટનેસ પર નજર રાખશે. BCCI સિવાય ઘણા ખેલાડીઓએ પણ તેમના જવાની માહિતી આપી છે. 2022માં શાનદાર ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવે પણ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
સુર્યા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને દિનેશ કાર્તિક જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે નવા પડકારની રાહ નથી જોઈ શકતો. હું ઉત્સાહિત, નર્વસ અને મોટિવેટેડ પણ છું. વિરાટ કોહલીએ એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં તેની સાથે હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ છે. તેણે લખ્યું છે કે આવનારો સમય ઘણો રોમાંચક રહેવાનો છે.
ટીમ ઈન્ડિયા બાકીની ટીમો કરતા વહેલા જઈ રહી છે જ્યાં તે ICC દ્વારા આપવામાં આવેલી બે વોર્મ-અપ મેચો ઉપરાંત બે વધારાની પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયા 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વોર્મ-અપ મેચ અને 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે બીજી વોર્મ-અપ મેચ રમશે. કોચ અને કેપ્ટને આ વિશે એમ પણ કહ્યું હતું કે આ વર્લ્ડ કપ ટીમમાં 6-7 ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યા છે, તેથી તેઓ ત્યાં વધુને વધુ સમય પસાર કરવા અને ત્યાંની સ્થિતિ સમજવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે