IND vs SL: અક્ષર પટેલ અને સૂર્યકુમારની મહેનત પાણીમાં, બીજી ટી20 મેચમાં શ્રીલંકાનો 16 રને વિજય

Pune T20: શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 16 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. શ્રીલંકાએ 2016 બાદ ભારતની ધરતી પર ટી20 મેચ જીતવામાં સફળતા મેળવી છે. 

IND vs SL: અક્ષર પટેલ અને સૂર્યકુમારની મહેનત પાણીમાં, બીજી ટી20 મેચમાં શ્રીલંકાનો 16 રને વિજય

પુણેઃ ભારત અને શ્રીલંકા વચ્ચે પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં મહેમાન ટીમે 16 રને શાનદાર જીત મેળવી છે. શ્રીલંકાએ આ જીત સાથે સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. હવે બંને ટીમ વચ્ચે અંતિમ અને નિર્ણાયક ટી20 મેચ શનિવારે રાજકોટમાં રમાશે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 190 રન બનાવી શકી હતી. શ્રીલંકાએ ભારતની ધરતી પર સતત 12 ટી20 મેચમાં હાર બાદ જીત મેળવી છે. છેલ્લે પુણેના મેદાનમાં વર્ષ 2016માં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું.

ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
શ્રીલંકાએ આપેલા 207 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન (2) રન બનાવી રજિથાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ શુભમન ગિલ (5) રન બનાવી રજિથાનો શિકાર બન્યો હતો. પોતાના કરિયરની પ્રથમ ટી20 મેચ રમી રહેલ રાહુલ ત્રિપાઠી 5 રન બનાવી દિલશાન મદુશંકાનો શિકાર બન્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા 12 રન બનાવી કરૂણારત્નેની ઓવરમાં કીપરના હાથે કેચઆઉટ થયો હતો. ભારતે 34 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. 

સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે સંભાળી ઈનિંગ
ભારતે 10મી ઓવરમાં દીપક હુડ્ડા (9) ના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. હુડ્ડા આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 57 રન હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે શ્રીલંકાના બોલરોને વળતો જવાબ આપ્યો હતો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. અક્ષર પટેલે 20 બોલમાં 6 સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવ અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો. સૂર્યકુમારે 36 બોલમાં 3 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 51 રન બનાવ્યા હતા. 

અક્ષર પટેલે આક્રમક બેટિંગ કરી હતી. તે છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. અક્ષર પટેલે 31 બોલમાં 6 સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 65 રન બનાવ્યા હતા. શિવમ માવીએ 15 બોલમાં 2 ફોર અને બે સિક્સ સાથે 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી શનાકા, રજિથા, મદુશંકાએ બે-બે તથા કરૂણારત્ને અને હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી. 

શ્રીલંકાની મજબૂત શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાને પથુમ નિસાંકા અને કુલસ મેન્ડિસે મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 55 રન ફટકારી દીધા હતા. ભારતના બોલરોએ આજે ખરાબ શરૂઆત કરી અને સતત નો-બોલ ફેંક્યા હતા. અર્શદીપ સિંહે સતત ત્રણ નો-બોલ ફેંક્યા હતા, જેનો ફાયદો શ્રીલંકાના બેટરોએ ઉઠાવ્યો હતો. 

શ્રીલંકાને પ્રથમ ઝટકો 80 રનના સ્કોર પર લાગ્યો હતો. કુસલ મેન્ડિસ 31 બોલમાં 3 ફોર અને ચાર સિક્સ સાથે 52 રન બનાવી આઉટ થયો હતો. મેન્ડિસને ચહલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ભાનુકા રાજપક્ષે માત્ર 2 રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. નિસાંકા 35 બોલમાં ચાર ચોગ્ગા સાથે 33 રન બનાવી અક્ષરની ઓવરમાં કેચઆઉટ થયો હતો. સારી શરૂઆત બાદ શ્રીલંકાએ 110 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. ધનંજય ડિ સિલ્વા 3 રન બનાવી આઉટ થયો હતો. 

અસલંકા અને કેપ્ટન શનાકાની આક્રમક બેટિંગ
ચરિથ અસલંકા 19 બોલમાં ચાર સિક્સ સાથે 37 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ હસરંગા ખાતું ખોલાવ્યા વગર બોલ્ડ થયો હતો. આ બંને સફળતા ઉમરાન મલિકને મળી હતી. પરંતુ શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. શનાકાએ માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. શનાકા 22 બોલમાં 6 સિક્સ અને 2 ચોગ્ગા સાથે 56 રન બનાવી અણનમ રહ્યો હતો. તો ચમિરા કરૂણારત્નેએ 10 બોલમાં 11 રન ફટકાર્યા હતા. 

ભારત તરફથી ઉમરાન મલિકે 4 ઓવરમાં 48 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય અક્ષર પટેલે 4 ઓવરમાં 24 રન આપીને બે તથા ચહલે એક વિકેટ મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news