હાર બાદ શ્રીલંકા ક્રિકેટમાં વિવાદ, એન્જેલો મેથ્યૂઝે સુકાની પદ્દેથી હકાલપટ્ટી થતા ફોડ્યો લેટર બોંબ

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એશિયા કપમાં ટીમની કમાન સંભાળનાર એન્જેલો મેથ્યૂઝ પાસેથી સુકાન છીનવી લીધું છે. 
 

  હાર બાદ શ્રીલંકા ક્રિકેટમાં વિવાદ, એન્જેલો મેથ્યૂઝે સુકાની પદ્દેથી હકાલપટ્ટી થતા ફોડ્યો લેટર બોંબ

કોલંબોઃ એશિયા કપમાં હાર બાદ શ્રીલંકન ક્રિકેટ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ મેથ્યુસ પાસેથી વનડે અને ટી20 ટીમની કેપ્ટનશિપ છીનવી લીધી છે. તો મેથ્યુસે બોર્ડને પત્ર લખીને કહ્યું કે, તે એકલો ટીમના ખરાબ પ્રદર્શન માટે જવાબદાર નથી અને તેને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે. 

શ્રીલંકાની ટીમ એશિયા કપમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે હારીને બહાર થઈ ગઈ છે. એન્જેલો મેથ્યુસની આગેવાનીમાં લંકન ટીમ છ ટીમોની આ ટૂર્નામેન્ટના સુપર-4માં પણ ન પહોંચી શકી. બીજીતરફ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમે સુપર-4માં જગ્યા બનાવી હતી. 

ચંડીમાલ માટે મેથ્યુસને હટાવાયો
ટીમ પરત ફર્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મેથ્યુસને કેપ્ટન પદેથી હટાવી દીધો. તેની જગ્યાએ ચંડીમલને કમાન સોંપવામાં આવી છે. ચંડીમલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમની કમાન સંભાળશે. બોર્ડે કહ્યું કે, તેણે મેથ્યુસને વનડે અને ટી-20 ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાનું કહ્યું હતું. પરંતુ બોર્ડે જણાવ્યું નથી કે મેથ્યુસને શા માટે હટાવવામાં આવ્યો છે. 

જ્યારે નિર્ણય કેપ્ટન-કોચની સહમતિથી લેવામાં આવ્યા તો હું એકલો દોષી કેમ
કેપ્ટનશિપ છોડ્યા બાદ મેથ્યુસે એસએલસીને પત્ર લખ્યો છે. તેમાં તેણે કહ્યું, 21 સપ્ટેમ્બરે બોર્ડના અધિકારીઓ, પસંદગીકારો અને મુખ્ય કોચ સંડિકા હથુરાસિંઘેએ મીટિંગ કરી હતી. મીટિંગ બાદ કોચે મને રાજીનામું આપવા કહ્યું હતું. તે યોગ્ય છે કે અમે ખરાબ રમ્યા. પરંતુ તે માટે માત્ર એક વ્યક્તિ જવાબદાર નથી. મેં તમામ નિર્ણય સિલેક્ટર અને કોચની સહમતિથી લીધા હતા. તેવામાં માત્ર મારી પાસે રાજીનામું માંગીને મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. 

મને આગામી વિશ્વકપ સુધી સુકાન સોંપવામાં આવ્યું હતું
મેથ્યુસે કહ્યું કે, 2017માં છ મહિનાની અંદર પાંચ કેપ્ટન બદલવામાં આવ્યા હતા, પરંતુ ટીમને નિષ્ફળતા હાથ લાગી હતી. ત્યારબાદ મુખ્ય કોચ હથુરાસિંઘેએ તેને સુકાન સંભાળવાનું કહ્યું હતું. મેથ્યુસે કહ્યું, ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે હું 2019માં યોજાનારા વિશ્વ કપ સુધી ટીમનો કેપ્ટન રહીશ. તેવામાં એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શનના આધાર પર કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. પરંતુ હું બોર્ડ અને પસંદગીકારોનું સન્માન કરતા રાજીનામું આપી રહ્યો છું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news