T20 World Cup માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી, આ ખતરનાક યુવા બેટ્સમેનને મળી તક

ઓસ્ટ્રેલિયાએ આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે. ટીમે એક અનકેપ્ટ ખેલાડીની પણ પસંદગી કરી છે. 

T20 World Cup માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી, આ ખતરનાક યુવા બેટ્સમેનને મળી તક

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup) શરૂ થવામાં બે મહિના બાકી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બે એવી ટીમ છે, જેણે આ ટૂર્નામેન્ટ માટે પોતાની 15 સભ્યોની પસંદગી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ગુરૂવાર (19 ઓગસ્ટ) એ તે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા, જે ટી20 વિશ્વકપ માટે યૂએઈ રવાના થશે. તેમાં એક એવું નામ છે જેની ચર્ચા ખુબ થઈ રહી છે અને તે છે જોશ ઇંગ્લિસ. આ વિકેટકીપર બેટ્સમેને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ મેચ રમી નથી. 15 ખેલાડીઓમાં ઇંગ્લિસ એકમાત્ર અનકેપ્ડ ખેલાડી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓની પણ વાપસી થઈ છે. 

ઈંગ્લિસ બિગ બેશ લીગ અને ઈંગ્લેન્ડમાં ચાલી રહેલ ધ હંડ્રેડમાં રમી ચુક્યો છે. તે ધ હંડ્રેડમાં લંડન સ્પિરિટ તરફથી રમી રહ્યો છે અને બિગ બેશમાં પર્થ સ્કોચર્સ તરફથી રમે છે. ઇંગ્લિસે 44 ફર્સ્ટ ક્લાસ મેચ, 22 લિસ્ટ એ મેચ અને 63 ટી20 મેચ રમી છે. ટી20માં તેનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ઇંગ્લિસે 63 ટી20 મેચમાં 32.90ની એવરેજ અને 151.61ની દમદાર સ્ટ્રાઇક રેટથી 1645 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેના નામે બે સદી અને 11 અડધી સદી નોંધાયેલી છે. ઈંગ્લેન્ડ માટે 2021 ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં પણ આ બેટ્સમેન રમી ચુક્યો છે. ટી20 બ્લાસ્ટ 2021માં જ ઇંગ્લિસે પોતાની બંને સદી ફટકારી છે. 

આ ખેલાડીઓને પણ ટીમમાં મળી તક
વનડે વિશ્વકપમાં પાંચ વખતની ઓસ્ટ્રેલિયા હજુ સુધી ટી20 વિશ્વકપ જીતી શકી નથી. સ્ટીવ સ્મિથને ઈજા છતાં ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે ટીમની કમાન આરોન ફિન્ચના હાથમાં રહેશે. ડેન ક્રિસ્ટિયન, નાથન એલિસ અને ડેનિયલ સેમ્સ રિઝર્વ ખેલાડીઓ તરીકે ટીમ સાથે રહેશે. સ્પિનરોને મદદરૂપ યૂએઈની પિચને જોતા ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ત્રણ સ્પિનરોને સામેલ કર્યા છે. જેમાં એશ્ટન અગર, મિશેલ સ્વેપસન અને એડમ ઝમ્પાનો સમાવેશ થાય છે. 

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમઃ આરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, મિશેલ સ્વેપ્સન, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા. 

રિઝર્વ ખેલાડીઃ ડેન ક્રિસ્ટિયન, નાથન એલિસ અને ડેનિયલ સેમ્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news