Tokyo Olympics 2021: ઓલિમ્પિકમાં ભારતને માત્ર 2 રમતમાં જ મળ્યો છે ગોલ્ડ, આ વખતે 5 રમતમાં ગોલ્ડની આશા

Tokyo Olympics: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ટોક્યો ઓલિમ્પિક્સનો મુકાબલો 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. 2016માં ભારતને માત્ર 2 મેડલ મળ્યા હતા. આ વખતે ઓછામાં ઓછી 5 રમતમાં ગોલ્ડ મેડલની આશા છે.

Tokyo Olympics 2021: ઓલિમ્પિકમાં ભારતને માત્ર 2 રમતમાં જ મળ્યો છે ગોલ્ડ, આ વખતે 5 રમતમાં ગોલ્ડની આશા

નવી દિલ્લી: ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓએ કમર કસી લીધી છે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી થનારી ગેમ્સ માટે 115 ખેલાડીઓએ 18 રમતમાં ક્વોલિફાય કર્યું છે. 2016 રિયો ઓલિમ્પિકમાં ભારતને માત્ર બે મેડલ મળ્યા હતા. બેડમિન્ટનમાં સિલ્વર જ્યારે કુશ્તીમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ઓલિમ્પિક ઈતિહાસની વાત કરવામાં આવે તો ભારતીય ખેલાડીઓએ માત્ર બે રમતમાં જ ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતે ઓલિમ્પિકમાં સૌથી વધારે 8 ગોલ્ડ મેડલ હોકીમાં જીત્યા છે. જ્યારે શૂટિંગમાં એકમાત્ર ગોલ્ડ મેડલ અભિનવ બિન્દ્રાએ 2008 બીજિંગ ઓલિમ્પિકમાં અપાવ્યો હતો. તે ઉપરાંત અન્ય કોઈપણ રમતમાં ભારતીય ખેલાડીઓને ગોલ્ડ મેડલ અપાવ્યો નથી. તે ઉપરાંત ભારતીય ખેલાડીઓેએ એથ્લેટિક્સ, કુશ્તી, બેડમિન્ટન, બોક્સિંગ, ટેનિસ અને વેઈટલિફ્ટિંગમાં મેડલ જીત્યા છે. આ વખતે ટોક્યો ઓલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓ પાંચ રમતમાં ગોલ્ડ મેડલ અપાવી શકે છે.

1. શૂટિંગ:
આ વખતે રેકોર્ડ 15 ખેલાડીઓેએ ક્વોલિફાય કર્યું છે. આ ઓલિમ્પિકમાં ભારતનું સૌથી સારું પ્રદર્શન છે. મનુ ભાકર, સૌરભ ચૌધરી, યશસ્વિની દેસવાલ, એલાવેનિલ વલારિવાન પાસે સૌથી વધારે આશા છે. આ વર્ષે યોજાયેલા વર્લ્ડકપમાં પણ આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અભિષેક વર્મા, એલાવેનિલ, યશસ્વિની અને ચિંકી યાદવને ટોપ રેન્કિંગ મળેલું છે. ઓલિમ્પિકથી બે મહિના પહેલા બધા ખેલાડી ટ્રેનિંગ માટે યૂરોપીય પ્રવાસે હતા. તેનો પણ ફાયદો તેમને મળશે.

2. એથ્લેટિક્સ:
એથ્લેટિક્સમાં ભારતને 121 વર્ષથી કોઈ મેડલ મળ્યો નથી. આ વખતે 21 ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું છે. પરંતુ ગોલ્ડની આશા જેવલિન થ્રો ખેલાડી નીરજ ચોપરા પાસે છે. માર્ચ 2021માં તેમણે 88.07 મીટર થ્રો કરીને પોતાનો જ નેશનલ રેકોર્ડ સુધાર્યો હતો. જોકે કોરોનાના કારણે તે એક વર્ષ સુધી ઈન્ટરનેશનલ ઈવેન્ટથી દૂર હતો. પરંતુ તેણે પોર્ટુગલમાં ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને લયમાં વાપસીના સંકેત આપ્યા છે.

Bedroom માં આ 5 કામ કરવાથી પાર્ટનર થઈ જશે તમારી પાછળ પાગલ! જલ્દી જાણી લો આ ટ્રિક્સ

3. બોક્સિંગ:
બોક્સિંગમાં એમસી મેરી કોમ સહિત 9 ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. જેમાં 5 પુરુષ અને 4 મહિલા ખેલાડી છે. મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમિત પંઘાલ  પાસેથી પુરુષોના 52 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલની સૌથી વધારે આશા છે. તે દુનિયાનો નંબર-1 બોક્સર છે. તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ઉપરાંત મનીષ કૌશિક, વિકાસ કૃષ્ણન, પૂજા રાની અને સિમરનજીત પર પણ નજર રહેશે.

4. કુશ્તી:
કુશ્તીમાં અત્યાર સુધી 3 પુરુષ અને 4 મહિલા ખેલાડીઓ સહિત 7 ખેલાડીઓ ક્વોલિફાય કર્યું છે. 2016 રિયો ઓલિમ્પિકમાં કુશ્તીથી જ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ કારણે આ વખતે ગોલ્ડની આશા રાખવામાં આવી રહી છે. બજરંગ પુનિયાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 2018 અને 2019માં મેડલ જીત્યો છે. એવામાં મોટી આશા તેની પર જ રહેશે. મહિલા વર્ગમાં વિનેશ ફોગાટ 2019 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીતી ચૂકી છે. એવામાં તે પણ ગોલ્ડની દાવેદાર છે.

5.આર્ચરી:
આર્ચરીમાં મહિલા ખેલાડી દીપિકા કુમારી ક્વોલિફાય કરનારી એકમાત્ર ખેલાડી છે. તે સિવાય પુરુષ વર્ગમાં ત્રણ ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું છે. દીપિકાએ હાલમાં વર્લ્ડકપમાં ગોલ્ડન હેટ્રિક લગાવીને બધાની આશા વધારી દીધી છે. દીપિકા વ્યક્તિગત ઈવેન્ટ ઉપરાંત મિક્સ ઈવેન્ટમાં અતનુ દાસ સાથે શાનદાર પ્રદર્શન કરી શકે છે. તે દુનિયાની નંબર-વન આર્ચર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news