ક્રિકેટના નવા વંડરબોય વડોદરાના પ્રિયાંશુ મોલિયાએ ફટકાર્યા અણનમ 556 રન
ડીકે ગાયકવાડ અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રિયાંશુ મોલિયાએ 556 રનની તોફાની ઈનિંગ રમી હતી.
Trending Photos
વડોદરાઃ ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી ચુકેલો પૃથ્વી શો 14 વર્ષની ઉંમરમાં 546 રનની ઈનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. હવે આટલા જ વર્ષના વધુ એક યુવકે તમામને ચોંકાવ્યા છે. મંગળવારે તેણે બે દિવસીય ટૂર્નામેન્ટમાં શાનદાર ઈનિંગ રમી હતી.
ડીકે ગાયકવાડ અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રિયાંશુ મોલિયાએ 556 રનની તોફાની ઈનિંગ રમી છે. મોહિંદર લાલા અમરનાથ ક્રિકેટ એકેડમી તરફથી રમતા પ્રિયાંશુએ પોતાની ઈનિંગમાં 98 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે એક સિક્સ પણ ફટકારી હતી. પ્રિયાંશુની આ ઈનિંગની મદદથી અમરનાથ એકેડમીએ યોગી ક્રિકેટ એકેડમીને ઈનિંગ અને 690 રને પરાજય આપ્યો હતો.
યોગી ક્રિકેટ એકેડમીની પ્રથમ ઈનિંગ 52 રને સમેટાયા બાદ અમરનાથ ક્રિકેટ એકેડમીના પ્રિયાંશુની 319 બોલની વિશાળ ઈનિંગની મદદથી 4 વિકેટ પર 826 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ યોગી એકેડમીની બીજી ઈનિંગ 84 રને સમેટાઇ ગઈ હતી. પ્રિયાંશુએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા પોતાની ઓફ સ્પિનની મદદથી પ્રથમ ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી.
1983 વર્લ્ડ કપના વિજેતા ક્રિકેટર મોહિંદર અમરનાથે પ્રિયાંશુની પ્રશંસા કરતા કહ્યું, મેં તેને પ્રથમવાર જોયો ત્યારે મને ખ્યાલ હતો કે હું કંઇક ખાસ જોઈ રહ્યો છું. તે પ્રતિભાશાળી છે અને સમયની સાથે તક મળતા તેમાં ખૂબ સુધારો આવશે. મને તેનું જનૂન પસંદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે