વર્લ્ડ ચેમ્પિયનશિપઃ ભારતીય મિક્સ્ડ રીલે ટીમ 4x400 મીટરની ફાઇનલમાં, મેળવી ઓલિમ્પિક ટિકિટ

ભારતીય ટીમે આગામી વર્ષો ટોક્યોમાં રમાનારા ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ભારતીય મિક્સ્ડ ટીમમાં મોહમ્મદ અનસ, વીકે વિસ્મયા, જિસ્ના મેથ્યૂ અને નિર્મલ નોહ ટોમ છે. 
 

  વર્લ્ડ ચેમ્પિયનશિપઃ ભારતીય મિક્સ્ડ રીલે ટીમ 4x400 મીટરની ફાઇનલમાં, મેળવી ઓલિમ્પિક ટિકિટ

દોહાઃ ભારતીય 4x400 મીટર મિક્સ્ડ રિલે ટીમ દોહામાં ચાલી રહેલી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શનિવારે ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ પોતાની હીટમાં ત્રીજા સ્થાને રહી હતી. આ સાથે ભારતીય ટીમે આગામી વર્ષો ટોક્યોમાં રમાનારા ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ભારતીય મિક્સ્ડ ટીમમાં મોહમ્મદ અનસ, વીકે વિસ્મયા, જિસ્ના મેથ્યૂ અને નિર્મલ નોહ ટોમ છે. આ ચારેયે મળીને ત્રણ મિનિટ 16:14 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. દરેક હીટમાથી ટોપ-3 ટીમોએ ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમ હીટ-2મા હતી.

અનસ ટીમ માટે સૌથી પહેલા દોડ્યો હતો. ત્યારબાદ વિસ્મયાએ ઝડપથી દોડતા બીજી ગેલમાં ભારતને પ્રથમ સ્થાને કરી દીધુ હતું. ત્યારબાદ જિસ્નાએ ત્રીજા લેપમાં બેટન પોતાના હાથમાં લીધી. ચોથી લેપમાં નિર્મલ રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન નિર્મલ અને જિસ્નામાં તાલમેલની કમીને કારણે ભારત થોડુ પાછળ થઈ ગયું હતું. પરંતુ નિર્મલે ઝડપથી દોડતા ટીમને ત્રીજુ સ્થાન અપાવ્યું હતું. 

દુતી ચંદ 10 મીટર રેસમાં 37મા સ્થાને રહી
આ પહેલા સ્પ્રિન્ટર દુતી ચંદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સારી શરૂઆત કરી ન શકી. તેણે 100 મીટર રેસને પૂરી કરવા માટે 11.48 સેકન્ડનો સમય લીધો હતો. તે પોતાની હીટમાં 7મી અને કુલ 47 ખેલાડીઓમાં 37મા સ્થાને રહી હતી. દુતીએ પાછલા વર્ષે એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા. બીજીતરફ પુરૂષોની 400 મીટર વિઘ્ન દોડમાં એમપી જાબિર સેમિફાઇનલમાંથી બહાર થઈ ગયો હતો. જાબિર હીટ-3મા સૌથી બહારની લેનમાં દોડતા 49.71 સેકન્ડની સાથે પાંચમાં અને કુલ 16મા સ્થાને રહ્યો હતો. 

100 મીટર રેસમાં અમેરિકાના કોલમેને જીત્યો ગોલ્ડ
અમેરિકાના ક્રિશ્ચિયન કોલમેને 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે અમેરિકાના 37 વર્ષીય રનર જસ્ટિન ગેટલિનને પાછળ છોડ્યો હતો. 23 વર્ષના કોલમેને 9.76 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. તો ગેટલીને 9.89 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. રિયો ઓલિમ્પિકમાં ત્રણ મેડલ જીતી ચુકેલા કેનેડાના આંદ્રે ડી ગ્રાસ્સેએ 9.90 સેકન્ડની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news