વર્લ્ડકપ 2019: શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને 23 રને હરાવ્યું

વર્લ્ડકપ 2019: શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને 23 રને હરાવ્યું

ચેસ્ટર લી સ્ટ્રીટઃ આઈસીસી વિશ્વકપ-2019ની 39મી મેચમાં શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને 23 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. તો પ્રથમ મેચ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝનો આ છઠ્ઠો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ફર્નાન્ડોની સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 338 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 315 રન બનાવી શકી હતી. આ સાથે શ્રીલંકાની ટીમ 1992 બાદ વેસ્ટ ઈન્ડિઝને વિશ્વ કપમાં પરાજય આપવામાં સફળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 118 રન બનાવ્યા હતા. 

શ્રીલંકા તરફથી લસિથ મલિંગાએ 10 ઓવરમાં 55 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય રજીથા, વેંડર્સે અને મેથ્યુસને એક-એક સફળતા મળી હતી. 

નિકોલસ પૂરને ફટકારી કરિયરની પ્રથમ સદી
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક યુવા બેટ્સમેન નિકોલસ પૂરને શાનદાર સદી ફટકારી હતી. તેણે 91 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે. પૂરન 103 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 118 રન બનાવી આઉટ થયો હતો. 

આ સાથે તેણે ફેબિયન એલેન સાથે સાતમી વિકેટ માટે 83 રનની ભાગીદારી પણ કરી હતી. ફેબિયન એલેને 32 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 51 રન ફટકાર્યા હતા. તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.  

મલિંગાએ વેસ્ટ ઈન્ડિઝને શરૂઆતી ઝટકા આપ્યા
સુનીલ અંબરિસ 5 રન બનાવીને મલિંગાના બોલ પર કુસલ પરેરાને કેચ આપી બેઠો. શાઈ હોપ 5 રન બનાવી મલિંગાના બોલ પર બોલ્ડ થયો હતો. શિમરોન હેટમાયર 29 રન બનાવી રનઆઉટ થયો હતો. 

જેસન હોલ્ડર 26 રન બનાવી વંડર્સેના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. તેણે નિકોલસની સાથે 61 રનની ભાગીદારી કરી હતી. ક્રિસ ગેલ 48 બોલ પર 35 રન બનાવી આઉટ થયો હતો. રજીથાના બોલ પર વંડર્સે તેનો કેચ લીધો હતો. 

અવિષ્કા ફર્નાન્ડોએ વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી
શ્રીલંકાના યુવા બેટ્સમેન અવિષ્કા ફર્નાન્ડોએ વિશ્વકપ અને વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 103 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 104 રન ફટકાર્યા હતા. તે કોટરેલનો શિકાર બન્યો હતો. આ વિશ્વકપમાં કોઈપણ શ્રીલંકન બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી પ્રથમ સદી છે. 

શ્રીલંકાની શાનદાર શરૂઆત
દિમુથ કરૂણારત્ને અને કુસલ પરેરાએ શ્રીલંકાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 93 રન જોડ્યા હતા. દિમુથ કરૂણારત્ને (32)ને જેસન હોલ્ડરે શાઈ હોપના હાથે કેચ કરાવીને શ્રીલંકાને પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે 48 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલ પરેરાએ આ વિશ્વકપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તે 64 રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે 51 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ફર્નાન્ડો-મેન્ડિસ વચ્ચે 85 રનની ભાગીદારી
કુસલ મેન્ડિસ (39) અને આવિષ્કા ફર્નાન્ડો વચ્ચે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી થઈ હતી. બંન્નેએ ટીમનો સ્કોર 200ની નજીક પહોંચાડ્યો હતો. મેન્ડિસે 41 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તે એલેનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મેથ્યુસ (26)ને જેસન હોલ્ડરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે ફર્નાન્ડો સાથે ચોથી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. લાહિરુ થિરિમાને 45 રન બનાવી અણનમ રહ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news