World Cup 2019 PAK vs WI: પ્રથમ મેચમાં પાક પરાસ્ત, વિન્ડીઝ સાત વિકેટે જીત્યું

આઈસીસી વિશ્વ કપ 2019માં પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કરતા વેસ્ટઈન્ડિઝે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. 

 World Cup 2019 PAK vs WI: પ્રથમ મેચમાં પાક પરાસ્ત, વિન્ડીઝ સાત વિકેટે જીત્યું

નોટિંઘમઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ક્રિસ ગેલ (50)ની અડધી સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે આઈસીસી વિશ્વકપ-2019ની બીજી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 21.4 ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 13.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 108 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે. વિન્ડીઝ તરફથી ગેલે અડધી સદી ફટકારી હતી. આ સિવાય પૂરન 19 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 34 રન બનાવી અણનમ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરને ત્રણ સફળતા મળી હતી. 

પાકિસ્તાને આપેલા 106 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા માટે વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રિસ ગેલ અને શાઈ હોપે ઈનિંગની શરૂઆત કરી હતી. ઈનિંગની શરૂઆતથી ક્રિસ ગેલે આક્રમક રૂપ અપનાવ્યું હતું. બંન્ને ઓપનરોએ 4.3 ઓવરમાં 36 રન જોડી દીધા હતા. ત્યારે શાઈ હોપ 11 રન બનાવી આમિરનો શિકાર બન્યો હતો. ઈનિગંની સાતમી ઓવરમાં ડેરેન બ્રાવો પણ 4 બોલમાં શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝે 46 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. 

ગેલ વિશ્વકપમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો
ક્રિસ ગેલ વિશ્વકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. તેણે એબી ડિવિલિયર્સના 37 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો. ગેલે પોતાની ઈનિંગમાં 34 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તે 34 બોલમાં 50 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા પણ આમિરને મળી હતી. 

ઈંગ્લેન્ડમાં વિશ્વકપ મેચમાં પાકિસ્તાનનો ન્યૂનતમ સ્કોર
વિશ્વકપના 44 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાનની આખી ટીમ 22 ઓવરની અંદર આઉટ થઈ ગઈ છે. આ પહેલા વિશ્વકપમાં તેની ટીમ 22 ફેબ્રુઆરી 2003માં કેપટાઉનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 31 ઓવરમાં 134 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈંગ્લેન્ડમાં વિશ્વકપમાં પાકિસ્તાનનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા તેનો વિશ્વકપમાં ઈંગ્લેન્ડમાં ન્યૂનતમ સ્કોર 151 રન હતો. 16 જૂન 1979ના લીડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં પાકિસ્તાનની ટીમ 56 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

સ્કોર    વિરુદ્ધ    મેદાન    વર્ષ
74/10    ઈંગ્લેન્ડ    એડિલેડ    1992
105/10    વિન્ડીઝ    નોટિંઘમ    2019
132/10    ઓસિ    લોર્ડ્સ    1999
132/10    આયર્લેન્ડ    કિંગ્સટન    2007
134/10    ઈંગ્લેન્ડ    કેપટાઉન    2003

પાકિસ્તાનના 7 બેટ્સમેનો 2 આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ
પાકિસ્તાનના ફખર જમાન (22), બાબર આઝમ (22), હાફીઝ (16) અને વહાબ રિયાઝ (18) જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. શાદાબ ખાન શૂન્ય પર આઉટ થયો હતો. આ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓસાને થોમસે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેણે 5.4 ઓવરમાં 27 રન આપ્યા હતા. આ સિવાય કેપ્ટન હોલ્ડરે 42 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આંદ્રે રસેલે 2 તથા શેલ્ડન કોટ્રેલે એક વિકેટ લીધી હતી. 

પાકિસ્તાનની ખરાબ શરૂઆત 
આ મેચમાં ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝ ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર 17 રન હતો ત્યારે ઇમામ-ઉલ-હક 2 રનના વ્યક્તિગત સ્કોર પર શેલ્ડન કોર્ટેલના બોલ પર વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો. ત્યારબાદ ફખર જમાન 16  બોલ પર 22 રન બનાવી આઉટ થયો હતો. તેને આંદ્રે રસેલે બોલ્ડ કર્યો હતો. ફખર આઉટ થયો ત્યારે પાકિસ્તાનનો સ્કોર 5.5 ઓવરમાં 35 રન હતો. હૈરિસ સોહેલ 8 રનના સ્કોર પર રસેલની ઓવરમાં આઉટ થયો હતો. 

બાબર આઝમ 33 બોલ પર 22 રન બનાવી આઉટ થયો હતો. ઓસાને થોમસના બોલ પર શાઈ હોપે કેચ ઝડપ્યો હતો. હાફીઝ 16, ઇમાદ વસીમ 1, શાદાબ ખાન 0, હસન અલી 1 અને વહાબ રિયાઝ 18 રન બનાવી આઉટ થયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news