ઈઝરાયેલની ભારતને જબરદસ્ત 'પાણીદાર' ગિફ્ટ, વિશેષતાઓ જાણીને સ્તબ્ધ થઈ જશો
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારત પ્રવાસે છે. આજે તેઓ એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે
- દરિયાના ખારા પાણીને મીઠુ બનાવે છે આ જીપ
- તેની કિંમત આશરે 72 લાખ રૂપિયા છે
- રોજનું 20 હજાર લીટર પાણી પીવા લાયક બનાવી શકે છે
Trending Photos
અમદાવાદ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારત પ્રવાસે છે. આજે તેઓ એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીને તેઓ ખાસ મિત્ર ગણાવે છે. પીએમ મોદી માટે ગિફ્ટ તરીકે એક ખાસ મોબાઈલ વોટર પ્યુરિફિકેશન જીપ પણ લેતા આવ્યાં છે. અત્રે જણાવવાનું કે જુલાઈમાં પીએમ મોદીની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન આ જીપનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જીપની ખાસિયત એ છે કે તે સમુદ્રના ખારા પાણીને ફિલ્ટર કરીને પીવા લાયક બનાવે છે. જીપની કિંમત અંદાજે 3.90 લાખ શેકેલ્સ (ભારતીય ચલણ મુજબ અંદાજે 72 લાખ રૂપિયા) હોવાનું કહેવાય છે.
પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂ ગુજરાતના નડાબેટ વિસ્તારમાં આ જીપ દ્વારા પાણી શુદ્ધ કરવાની યોજનાની શરૂઆત કરાવશે. ઉત્તર ગુજરાતના રાધનપુર પાસેના નડાબેટ વિસ્તારમાં પાણીને પીવા લાયક બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની શરૂઆત કરાવશે. આ દરમિયાન બીએસએફ અને એનડીઆરએફ પણ હાજર રહેશે. નડાબેટ વિસ્તાર ભારત અને પાકિસ્તાનની સરહદ નજીકનો વિસ્તાર છે તથા ખાડી વિસ્તાર છે. આથી તેની પસંદગી કરવામાં આવી છે. આ જીપ એનડીઆરએફને સુપ્રત કરાશે. જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ થઈ શકે. અત્રે જણાવવાનું કે નડાબેટ વિસ્તાર BSFને આધીન છે.
આ જીપ માટે ઈઝરાયેલના એન્જિનિયરો પહેલેથી ગુજરાત પહોંચી ચૂક્યા છે. આ એક એવી જીપ છે જે ખારા પાણીને પીવા લાયક એટલે કે મીઠું બનાવે છે. 72 લાખની કિંમત ધરાવતી આ જીપ ખુબ ખાસ છે. તેનું વજન 1540 કિગ્રા અને સ્પીડ 90 kmph છે. જીપ કોઈ પણ ઋતુમાં ક્યાંય પણ પહોંચી શકે છે. તે પાણીના કોઈ પણ સ્ત્રોત જેમ કે નદી, તળાવ, સમુદ્ર, કુંવો વગેરે સાથે કનેક્ટ થઈ જાય છે. જીપમાં બે લોકો બેસી શકે છે. મુશ્કિલ પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. પૂર અને ભૂકંપ જેવી પરિસ્થિતિઓમાં પણ તે ઉપયોગી નીવડી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જીપની સિસ્ટમ દ્વારા દરરોજ સમુદ્રનું 20,000 લીટર પાણી પીવા લાયક બનાવી શકાય છે. આ ઉપરાંત તે એક દિવસમાં 80,000 લીટર ખારું, ગંદુ કે પ્રદૂષિત પાણી WHOના સ્ટાન્ડર્ડ મુજબ શુદ્ધ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે