અફઘાનિસ્તાનમાં 'સોના' નીચે દબાઇ જવાથી 30 લોકોનાં મોત, 7 ઘાયલ

સોનાની ખાણમાં બિનકાયદેસર રીતે ખોદકામ કરી રહેલા ખાણીયાઓ પર ભેખડ ધસી પડવાનાં કારણે તેમનાં મોત નિપજ્યા હતા

અફઘાનિસ્તાનમાં 'સોના' નીચે દબાઇ જવાથી 30 લોકોનાં મોત, 7 ઘાયલ

કાબુલ : અફઘાનિસ્તાનમાં બદખશાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં એક સોનાની ખાણ ઘસી પડી હતી જેનાં કારણે 30 લોકોનાં મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. કોહિસ્તાન જિલ્લાનાં ગવર્નર મોહમ્મદ રૂસ્તમ રાધીએ જણાવ્યું કે, દુર્ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં ખાણમાં કામ કરી રહેલા મજુરો ભેખડ ઘસી પડવાનાં કારણે દટાઇ ગયા હતા. 

પ્રાંતના ગવર્નર પ્રવક્તા નેક મોહમ્મદ નઝારીએ જણાવ્યું કે, કેટલાક ગ્રામવાસીઓએ સોનુ શોધવા માટે નદીનાં તળીયેથી 200 ફુટ ઉંડે ખાડો ખોદ્યો હતો. ખોદકામ સતત ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક ભેખડ ધસી પડતા લોકો અંદર દટાઇ ગયા હતા. નઝારીનાં અનુસાર, ખાડો ખોદવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે દિવાલ પડી જવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે ગવર્નરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ખાડો ખોદનારા લોકો કોઇ વ્યાવસાયીક નહોતા પરંતુ આસપાસનાં ગામના લોકો હતા. ઉપરાંત તે સ્થળ પર કોઇ ખાણ પણ નહોતી. સ્થાનિકો દ્વારા જ ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. 

આ ગામનાં લોકો દશકોથી આ રીતે ખાડા ખોદીને સોનું અને અન્ય કિમતી ધાતુ અને પથ્થર શોધવાનું કામ કરે છે. તેમના પર સરકારનું કોઇ જ નિયંત્રણ હોતું નથી. આ ઉપરાંત તંત્ર રાહત અને બચાવકાર્ય કરતે તે પહેલા સ્થાનિકો દ્વારા જ તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અહીં આ પ્રકારે ગાબડા પડવાની ઘટના સામાન્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news