Video: Baltimore બ્રિજ સાથે અથડાયું જહાજ અને જોત જોતામાં તો નદીમાં સમાઈ ગયો 'અટલ બ્રિજ' જેવો દેખાતો પુલ
Watch Shocking Video: અમેરિકાના બાલ્ટીમોરમાં મંગળવારે સવારે કન્ટેઈનરથી લદાયેલું એક જહાજ ફ્રા્સિસ સ્કોટ કી બ્રિજ (Francis Scott Key Bridge) સાથે ટકરાયું. આ ટક્કર બાદ પુલનો એક મોટો ભાગ તૂટીને પાણીમાં સમાઈ ગયો.
Trending Photos
અમેરિકાના બાલ્ટીમોરમાં મંગળવારે સવારે કન્ટેઈનરથી લદાયેલું એક જહાજ ફ્રા્સિસ સ્કોટ કી બ્રિજ (Francis Scott Key Bridge) સાથે ટકરાયું. આ ટક્કર બાદ પુલનો એક મોટો ભાગ તૂટીને પાણીમાં સમાઈ ગયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે દુર્ઘટના વખતે અનેક ગાડીઓ અને લોકો પુલ પર હાજર હતા. અનેક કારો અને લોકો પાણીમાં જોવા મળ્યા. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટે પુલના તૂટવાથી મોટા પાયે જાનહાનિની આશંકા વ્યક્ત કરી છે. નદીમાં બચાવ અભિયાન ચાલી રહ્યું છે. પેટાપ્સકો નદી ઉપર બનેલા આ પુલનું નિર્માણ 1977માં થયું હતું.
બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટના કમ્યુનિકેશન ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે રોયટર્સને કહ્યું કે અમને મોડી રાતે લગભગ 1.30 વાગે ઈમરજન્સી સર્વિસ 911 પર અનેક કોલ્સ આવ્યા કે એક જહાજ બાલ્ટીમોરમાં કી બ્રિજ સાથે ટકરાયું છે. જેનાથી પુલ તૂટી ગયો. હાલ આ દુર્ઘટનામાં મોટા પાયે જાનમાલના નુકસાનની સંભાવના છે અને અમે હાલ નદીમાં સાત લોકોની શોધ કરી રહ્યા છીએ. બાલ્ટીમોરના મેયર બ્રેન્ડન સ્કોટે પણ પુલ તૂટવાની ઘટનાને ગંભીરતાથી લેતા આશ્વાસન આપ્યું કે ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે કામ કરી રહી છે. ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ વોશિંગ્ટન મેટ્રોપોલિટન રીઝનમાં એક મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટેશન લિંક છે. કારણ કે તે વોશિંગ્ટન, ડીસીના જોર્જટાઉનને આર્લિંગટન, વર્જીનિયાના રોસલિન સાથે જોડે છે.
Ship collides with a bridge, and the whole bridge collapses totally in Baltimore, USA. Mass casualty as many cars and people in water. Hope most of them are rescued. Terrible infrastructure. 😳pic.twitter.com/yT0vu5tJMv
— Keh Ke Peheno (@coolfunnytshirt) March 26, 2024
આ બ્રિજ ફ્રાન્સિસ સ્કોટને સમર્પિત છે જેમણે અમેરિકાનું રાષ્ટ્રગીત લખ્યું છે. કાર્ગો શિપની લંબાઈ 948 ફૂટ હોવાનું કહેવાય છે. ટક્કર બાદ જહાજ પણ ડૂબી ગયું. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં જહાજ પુલ સાથે ટકરાતું જોવા મળે છે. ટક્કર બાદ જહાજમાં આગ લાગી જાય છે અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજનો એક ભાગ નદીમાં પડતો દેખાય છે. આ બ્રિજની લંબાઈ 3 કિમી હોવાનું કહેવાય છે. દાલી નામના જહાજ પર સિંગાપુરનો ધ્વજ લાગેલો હતો. જહાજ ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું હોવાનું કહેવાય છે. જેનું મેનેજમેન્ટ સિનર્જી મરીન ગ્રુપ પાસે હતું.
આ જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે અકસ્માત સમયે પુલ પર કેટલા લોકો અને વાહનો હાજર હતા. મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી મુજબ બ્રિજ પર અકસ્માત બાદ તમામ લેન બંધ કરી દેવાઈ છે અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો છે. રોયટર્સના જણાવ્યાં મુજબ ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડે જણાવ્યું છે કે જહાજ પર હાજર ચાલકદળના તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી. જહાજ પુલ સાથે કેવી રીતે ટકરાયું આ અંગે કોઈ જાણકારી સામે આવી નથી. પેટાપ્સકો નદીમાં હાલ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે. આવામાં અકસ્માત બાદ નદીમાં પડેલા લોકોને જીવનું જોખમ છે. કારણ કે તાપમાન ઓછું હોવાના કારણે લોકો હાઈપોથર્મિયાનો ભોગ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે