નેતન્યાહુ નારાજ ! અમેરિકા પ્રવાસને કરી દીધો રદ, ના વાપર્યો વીટોપાવર તો ઈઝરાયેલ ભરાયું
UNSCમાં પાસ થયેલા પ્રસ્તાવ મુજબ, રમજાનના મહિના માટે તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે. બંધકોને પણ તુરંત કોઈ પણ શરત વિના છોડવામાં આવે, સાથે ગાઝામાં મદદ પહોંચાડવામાં પણ ઝડપ લવાય. જોકે ઈઝરાયેલ આ પ્રસ્તાવનું પાલન નહીં કરે તો UNSCના મહાસચિવે કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.
Trending Photos
નવી દિલ્લીઃ જે દોસ્તી વર્ષો જૂની હતી. વગર કોઈ શરતે એકબીજાની મદદ માટે તૈયાર રહેતા હતા. યુદ્ધની શરૂઆતથી જેનો સાથ હતો તે અમેરિકા અને ઈઝરાયલની દોસ્તીમાં પડી ગઈ છે મોટી તિરાડ. અણબનાવ પણ એવો કે સમગ્ર વિશ્વને સવાલ થાય છે કે આવું કઈ રીતે થઈ શકે... ? હમાસના હુમલાના થોડા દિવસ બાદ જ ઈઝરાયલ પહોંચી ગયેલા જો બાઈડને હવે પોતાના મિત્ર નેતન્યાહુ સાથે વિશ્વાસઘાત કર્યો છે, જે નેતન્યાહુ ક્યારેય નહીં ભૂલી શકે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જ્યારે તમામ દેશ ઈઝરાયલની વિરુદ્ધમાં એકજૂટ હતા. ત્યારે ઈઝરાયલને જરૂર હતી અમેરિકાના વીટો પાવરની. પરંતું બાઈડને સંકટ સમયે કરી દીધો મદદ કરવાનો ઈનકાર...
બંને દેશોની મિત્રતામાં કઈ રીતે તકરાર થઈ તેનું કારણ જણાવીએ..
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં તુરંત વિરામ લગાવવા માટેના એક પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવમાં એવું પણ કહેવાયું કે તમામ બંધકોને કોઈ પણ શરત વિના મુક્ત કરવામાં આવે. તેમાં સૌથી મોટી વાત એ છે કે, આ પ્રસ્તાવના વોટિંગ દરમિયાન અમેરિકાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો નહીં. એટલું જ નહીં મતદાન દરમિયાન અમેરિકા હાજર પણ ન રહ્યુ. જેથી ઈઝરાયલ વિરુદ્ધ આ પ્રસ્તાવ 14-0ના મત સાથે પસાર થઈ ગયો. આ પ્રસ્તાવ પાસ થવાના કારણે ઈઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલાં જ્યારે જ્યારે આવા પ્રસ્તાવ આવ્યા, અમેરિકાએ હમેશાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો, પરંતુ આ વખતે અમેરિકાએ સાથ છોડી દીધો આ વાતથી ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ નારાજ થઈ ગયા છે. તેમણે પોતાનો અમેરિકા પ્રવાસને રદ કરી દીધો છે. વોશિંગ્ટનમાં તેમણે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળની બેઠકમાં સામેલ થવાનું હતું.
હુમલાની યોજના કેવી રીતે તૈયાર થઈ...
માહિતી પ્રમાણે, ઈઝરાયલે વાઈટ હાઉસના પ્રતિનિધિ મંડળ સમક્ષ ગાઝાના રાફામાં સંભવિત જમીની હુમલાની યોજના રજૂ કરવાની હતી. જ્યાં 10 લાખ ફિલિસ્તીની નાગરીકોએ યુદ્ધથી બચવા માટે શરણ માગી છે. પરંતુ હવે યુદ્ધ વિરામની માગ વાળા પ્રસ્તાવ પર અમેરિકા વીટો ન વાપરતા ઈઝરાયલના પ્રધાનમંત્રી નાખુશ છે. જેથી તેમણે અમેરિકા આવવાથી ઈનકાર કરી દીધો. જોકે તેમના સ્થાને ઈઝરાયલના રક્ષામંત્રી વોશિંગ્ટન પહોંચ્યા છે..
UNSCમાં પાસ થયેલા પ્રસ્તાવ મુજબ, રમજાનના મહિના માટે તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે. બંધકોને પણ તુરંત કોઈ પણ શરત વિના છોડવામાં આવે, સાથે ગાઝામાં મદદ પહોંચાડવામાં પણ ઝડપ લવાય. જોકે ઈઝરાય આ પ્રસ્તાવનું પાલન નહીં કરે તો UNSCના મહાસચિવે કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. એન્ટોનિયો ગુટેરેસને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, આ પ્રસ્તાવને જરૂર લાગુ કરવો જોઈએ. પ્રસ્તાવ લાગુ કરવામાં વિફળતા માફી યોગ્ય નહીં હોય.
અમેરિકા અને ઈઝરાયલના સંબંધોમાં કડવાશ આવી ગઈ...
વિશ્વ સ્તરે એવી ચર્ચા છે કે, અમેરિકા અને ઈઝરાયલના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. થોડા દિવસ અગાઉ બાઈડને એક ફોનકોલ દરમિયાન રાફામાં જમીની હુમલા મુદ્દે કોઈ પણ સંભાવિત સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ હવે સંઘર્ષ વિરામ પ્રસ્તાવનો વિરોધ ન કરવો પણ ઈઝરાયલને ખટકી રહ્યો છે. ઈઝરાયલનું લક્ષ્ય એકદમ સાફ છે કે, હમાસનો સંપૂર્ણ સફાયો કરવો. ભલે આ દરમિયાન માસૂમ લોકોના પણ જીવ જાય.. તો અમેરિકાને લાગી રહ્યું છે કે, રાફામાં ગ્રાઉન્ડ ઓપરેશન એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જેથી તે પોતાના હાથ પાછળ ખેંચી રહ્યું છે. વળી પાછલા કેટલાક દિવસોમાં અમેરિકાના વિદેશમંત્રી સતત મીડલ ઈસ્ટ દેશોનો પ્રવાસ કરી રહ્યા છે અને ગાઝામાં બંધકોના છૂટકારા માટે પ્રમુખતાથી વાત પણ કરે છે. તેમણે યુદ્ધવિરામનું પણ સમર્થન કર્યું છે. જેથી એવી શક્યતા લાગે છે કે, અમેરિકા હવે ગાઝામાં વધુ યુદ્ધ નથી ઈચ્છતું. જોકે જોવાની વાત એ છે કે, UNSCમાં પસાર થયેલો પ્રસ્તાવ ક્યાર સુધીમાં લાગુ થાય છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે