જાપાન વાવાઝોડું - કાનસાઈ એરપોર્ટ પર ફસાયેલા લોકોને બહાર કઢાયા, કુલ મૃત્યાંક 11 થયો
કોબે, ક્યોટો અને ઓસાકા શહેરો પ્રભાવિત, 4 લાખથી વધુ ઘર વિજળીથી વંચિત, 600થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી
Trending Photos
ક્યોટોઃ જાપાન પર ત્રાટકેલા 25 વર્ષના સૌથી ભયાનક વાવાઝોડાએ કોબે, ક્યોટો અને ઓસાકા શહેરમાં ભયાનક તારાજી સર્જી છે. અત્યાર સુધી 11 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાપાનમાં અત્યારે રાહતની કામગિરી પૂર જોશમાં છે. 2500 ટન વજન ધરાવતું એક વિશાળકાય જહાજ કાન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડતાં પુલ સાથે અથડાતાં પુલને ભારે નુકસાન થયું હતું. જેના કારણે આ શહેરોનો કાન્સાઈ એરપોર્ટ સાથેનો સંપર્ક તુટી ગયો હતો. એરપોર્ટ પર 3000થી વધુ મુસાફરો ફસાઈ ગયાં હતાં.
બુધવારે તોફાનનું જોર ઓછું થતાં જાપાનની સરકાર દ્વારા પૂરજોશમાં રાહત-બચાવ કાર્યોનો પ્રારંભ કરાયો હતો. સૌથી પહેલાં તો એરપોર્ટ પર ફસાયેલા 3000 લોકોને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વાવાઝોડાને કારણે જોરદાર વરસાદ પડ્યો હતો, તેની સાથે જ અનેક સ્થળે જમીન ધસી પડી હતી, પૂર આવ્યું હતું અને શહેરોમાં વિજળી-ટેલિફોનનાં થાંભલા પડી જતાં મોટું નુકસાન થયું હતું. કાનસાઈ ઈલેક્ટ્રીક કંપનીના જણાવ્યા અનુસાર લગભગ 4 લાખથી વધુ ઘર વિજળીથી વંચિત થઈ ગયાં છે.
જેબી વાવાઝોડું પશ્ચિમ જાપાનનાં કિનારા પર તારાજી સર્જ્યા બાદ મુખ્ય ટાપુ હોનશુ પરથી પસાર થઈને જાપાનના સમુદ્રમાં પહોંચીને ઠંડુ પડી ગયું હતું. જોકે, ટોકિયો શહેરમાં તોફાની પવન અને ભારે વરસાદની તંત્રએ આગાહી કરી છે.
સરકારના પ્રવક્તા યોશિહિદે સુગાએ જણાવ્યું કે, આ વાવાઝોડાને કારણે 11 લોકોનાં મોત થયાં છે અને 470 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 4 લાખથી વધુ ઘર વિજળીથી વંચિત થઈ ગયા છે. સરકાર વહેલામાં વહેલી તકે બધું જ પૂર્વવત કરવાનાં શક્ય તમામ પ્રયાસ હાથ ધરશે. જોકે, દરરોજ 400થી વધુ ફ્લાઈટનો ટ્રાફિક ધરાવતું કાનસાઈ એરપોર્ટ ક્યારે શરૂ થશે તેના અંગે કંઈ કહી શકાય એમ નથી.
કાનસાઈ એરપોર્ટ બંધ થઈ જવાના કારણે જાપાનના અર્થતંત્રને પણ મોટો ફટકો પડવાની સંભાવના છે. કેમ કે, જાપાનની 10 ટકા નિકાસ કાનસાઈ એરપોર્ટ પરથી થાય છે. આ ઉપરાંત, જાપાનના કાનસાઈ પ્રાંતમાં અનેક નાની-મોટી કંપનીઓ ચાલે છે, જે હાલ બંધ કરી દેવાઈ છે.
જાપાનના પશ્ચિમ સમુદ્ર કિનારે જુલાઈ મહિનામાં પણ એક વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 200થી વધુનાં મોત થયા હતા. 2011માં 'ટલાસ'નામના વાવાઝોડાએ આ વિસ્તારમાં 82 લોકોનો ભોગ લીધો હતો. 2013માં દક્ષિણ ટોકિયોમાં ત્રાટકેલા વાવાઝોડામાં 40 લોકોનાં મોત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે