યુરોપમાં દુષ્કર્મના કાયદા સદીઓ જૂના, ફેરફારની જરૂરઃ એમનેસ્ટી

યુરોપમાં દુષ્કર્મ માટે બનેલા કાયદા ખતરનાક અને અત્યંત જૂના થઈ ચૂક્યા છે, એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે 

Updated By: Nov 24, 2018, 08:10 PM IST
યુરોપમાં દુષ્કર્મના કાયદા સદીઓ જૂના, ફેરફારની જરૂરઃ એમનેસ્ટી
પ્રતિકાત્મક તસવીર

લંડનઃ યુરોપમાં દુષ્કર્મ માટે બનેલા કાયદા ખતરનાક અને અત્યંત જૂના થઈ ચૂક્યા છે, એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. CNNમાં પ્રકાશિત સમાચાર મુજબ, શુક્રવારે રાત્રે બહાર પડેલા એમનેસ્ટી ઈન્ટરનેશનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, 31 યુરોપિયન દેશમાંથી માત્ર 8 દેશ- આયરલેન્ડ, બ્રિટન, બેલ્જિયમ, સાઈપ્રસ, જર્મની, આઈસલેન્ડ, લક્ઝમબર્ગ અને સ્વીડને જ સંમતી વગર જાતિય સંબંધને દુષ્કર્મ ગણવા અંગેનો કાયદો બનાવેલો છે. 

એમનેસ્ટીએ જણાવ્યું છે કે, યુરોપમાં મોટાભાગના દેશોના કાયદામાં દુષ્કર્મને માત્ર શારીરિક હિંસા, ધમકી કે બળજબરી તરીકે માન્યતા આપવામાં આવેલી છે. સંસ્થાએ જણાવ્યું કે, કેટલાક દેશોએ સંમતી વગર જાતિય સંબંધને એક અલગ, ઓછા ગંભીર અપરાધ તરીકે વર્ગીકૃત કર્યો છે. 

ક્રોએશિયામાં દુષ્કર્મના દોષીને મહત્તમ 10 વર્ષની કેદ, જ્યારે સંમતી વગર બાંધવામાં આવેલા જાતિય સંબંધ માટે મહત્તમ 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, માલ્ટામાં જાતિય અપરાધના કાયદાને પરિવારોની સારી સ્થિતિને પ્રભાવિત કરવાના અપરાધના સંદર્ભમાં બનાવવામાં આવેલો છે. 

પશ્ચિમ યુરોપ અને મહિલા અધિકારો અંગે એમનેસ્ટી ઈન્ટરનેશનલના સંશોધનકર્તા એના બ્લસે રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "સંમતિ વગરનો જાતિય સંબંધ દુષ્કર્મ છે, બસ આટલેથી જ પુરું." તેમણે જણાવ્યું કે, "જ્યાં સુધી સરકાર આ સામાન્ય હકીકત સાથે પોતાનો કાયદો બદલતી નથી, ત્યાં સુધી દુષ્કર્મના અપરાધી પોતાનાં ગુનામાંથી બચતા રહેશે અને ભાગવાનું ચાલુ રાખશે."

એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા યુરોપિય યુનિયન એજન્સી ફોર ફન્ડામેન્ટલ રાઈટના 2014ના આંકડા દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર, માત્ર યુરોપિય યુનિયનમાં 15 વર્ષથી નાની ઉંમર કરતાં વધુ અંદાજિત 90 લાખ મહિલાઓ એટલે કે 20 મહિલામાંથી ઓછામાં ઓછી એક મહિલા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. શુક્રવારે બહાર પડેલા રિપોર્ટ અનુસાર, અનેક દેશ હજુ પણ સંમતી આધારિત દુષ્કર્મ અંગેના કાયદામાં પણ અપરાધીને દોષી ઠેરવવા બાબતે સંઘર્ષ કરી રહ્યા છે.