ગુજરાતમાં રેલી દરમિયાન ઈમરાન ખાન પર જૂતું ફેંકાયું, અલીમ ખાનને વાગ્યું
પંજાબ પ્રાંતના ગુજરાત શહેરમાં એક રેલી દરમિયાન પાકિસ્તાની તહરીક એ ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર જૂતું ફેંકાયું હોવાના અહેવાલ છે.
- પંજાબ પ્રાંતના ગુજરાત શહેરમાં રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં ઈમરાન ખાન
- ઈમરાન ખાન વાહન પર ચડીને લોકોને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે જૂતું ફેંકાયું
- ઘટના બાદ ઈમારને તરત ભાષણ બંધ કરી દીધુ
Trending Photos
લાહોર: પંજાબ પ્રાંતના ગુજરાત શહેરમાં એક રેલી દરમિયાન પાકિસ્તાની તહરીક એ ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર જૂતું ફેંકાયું હોવાના અહેવાલ છે. ડોન અખબારે આ જાણકારી આપી છે. અહેવાલ મુજબ ઈમરાન ખાન એક વાહન પર ચડીને લોકોને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે તેમના ઉપર એક જૂતું ફેંકાયું અને તે પીટીઆઈ નેતા અલીમ ખાન ઉપર પડ્યું. તેઓ ઈમરાન ખાનની બરાબર જમણી બાજુ ઊભા હતાં. ભીડે જો કે હુમલાખોર પર કાબુ મેળવી લીધો અને આ ઘટના બાદ ઈમરાને તરત પોતાનું ભાષણ પણ બંધ કરી દીધુ હતું. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં એક અઠવાડિયાની અંદર નેતાઓ પર જૂતું ફેંકાવવાની આ ત્રીજી ઘટના છે.
રવિવારે શરીફ પર ફેંકાયુ હતું જૂતું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર 11મી માર્ચ રવિવારના રોજ એક ઈસ્લામી શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીએ જૂતા ફેંક્યા હતાં. તેના બરાબર એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર ધાર્મિક ચરમપંથીએ શાહી ફેંકી હતી.
શરીફ લાહોરની એક ઈસ્લામી શિક્ષણ સંસ્થામાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતાં. તેઓ જ્યારે ભાષણ આપવા માટે મંચ તરફ આગળ વધી રહ્યાં હતાં ત્યારે એક વિદ્યાર્થીએ તેમના ઉપર જૂતું ફેંક્યું જે તેમના ખભા અને કાન પર વાગ્યું. આ વિદ્યાર્થી મંચ પર ચડી ગયો અને મુમતાઝ કાદરીના વખાણ કરતા નારાબાજી કરવા લાગ્યો હતો. મુમતાઝ કાદરીએ પંજાબ પ્રાંતના પૂર્વ ગવર્નર સલમાન તાસીરની હત્યા કરી હતી. સ્થળ પર હાજર લોકોએ વિદ્યાર્થી અને તેના એક સહયોગીને પકડી લીધા અને સુરક્ષાકર્મીઓએ તેમની પીટાઈ કરી.
પાકિસ્તાનના વિદેશ મંત્રીના ચહેરા પર શાહી ફેંકાઈ
આ અગાઉ પંજાબમાં પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધી રહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર કોઈ ધાર્મિક ચરમપંથીએ શાહી નાખી હતી. સંદિગ્ધનો આરોપ હતો કે આસિફની પાર્ટીએ પેગંબર મોહમ્મદના ઈસ્લામના અંતિમ નબી હોવાની માન્યતાને બંધારણના માધ્યમથી બદલવાની કોશિશ કરી છે. જેના કારણે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. આસિફ તેમના ગૃહનગર સિયાલકોટમાં પીએમએલ-એનના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધી રહ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે